લંડનઃ યુકે સરકારે આ વર્ષે પોતાના પાસપોર્ટ્સ રીન્યુ કરાવવા ઈચ્છતા બ્રિટિશરો માટે તાકીદની ટ્રાવેલ એડવાઈઝ જાહેર કરી છે. જે લોકોએ ઉનાળાની રજાઓ માટે પ્રવાસનું બૂકિંગ કરાવ્યું છે તેમણે તાકીદે પોતાના પાસપોર્ટ રીન્યુ કરાવી લેવા ચેતવણી અપાઈ છે અન્યથા તેમના પ્રવાસ રદ થવાનું જોખમ સર્જાઈ શકે છે.
મહામારીના સમયમાં કોઈએ પ્રવાસનું જોખમ નહિ લેવા સાથે પાંચ મિલિયનથી વધુ લોકોએ તેમની રીન્યુઅલ અરજીઓ કરવામાં ભારે વિલંબ કર્યો છે. હવે યુકેના પ્રવાસ નિયંત્રણો રદ કરાયા છે ત્યારે વિદેશમાં રજાઓ ગાળવા માટે લાખો લોકો પાસપોર્ટ રીન્યુ કરાવવા દોડ્યા છે.
સરકારે પાસપોર્ટની અરજી કરનારાએ 10 સપ્તાહ રાહ જોવાની થશે તેવી સ્પષ્ટતા કરી છે. જો તમે હાલ અરજી કરશો તો જૂન મહિનાના અંત સુધીમાં પાસપોર્ટ પરત મળી શકે છે. જોકે, ભારે માગ હોવાથી સંખ્યાબંધ પરિવારોની ફરિયાદ છે કે તેમણે 10 સપ્તાહ રાહ જોયાં પછી પણ રીન્યુ કરાયેલો પાસપોર્ટ નહિ મળવાથી રજાઓના પ્રવાસને કેન્સલ કરાવવાની ફરજ પડી હતી. એક પરિવારે કેનારી આઈલેન્ડ્સમાં 1800 પાઉન્ડના ખર્ચ સાથેનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી કારણકે તેમનામાંથી એકને પાસપોર્ટ મળી શક્યો ન હતો.
અગાઉ, બ્રિટિશરો માન્ય તારીખના પાસપોર્ટ સાથે યુરોપના દેશોમાં પ્રવાસ કરી શકતા હતા પરંતુ, નવા ગૂંચવાડાભર્યા નિયમો અમલમાં આવ્યા પછી તેમને ફ્લાઈટ્સમાં બેસવા દેવાતા નથી. નવા નિયમ હેઠળ પ્રવાસી રવાના થાય તેના ત્રણ મહિના સુધી પાસપોર્ટ માન્ય રહેવો જોઈએ એટલે કે એક્સપાયરી તારીખ ઓછામાં ઓછી ત્રણ મહિના પછી હોવી જોઈએ. બીજી તરફ, એરલાઈન્સ પણ સાચી હકીકતો કે માહિતી આપતી ન હોવાથી ગૂંચવાડો સર્જાય છે.


