લંડન
કિંગ ચાર્લ્સે તેમની તાજપોશીમાં ક્વીન કેમિલા વિવાદાસ્પદ કોહિનૂર હીરો ધરાવતો તાજ ન પહેરે તેવો નિર્ણય લીધો છે પરંતુ બ્રિટિશ સામ્રાજ્યે જેમની પાસેથી કોહિનૂર હીરો પ્રાપ્ત કર્યો હતો તે શિખ મહારાજાના પરિવારે આ નિર્ણયને ફાલતુ રાજનીતિ ગણાવી છે. આમ તો કિંગ ચાર્લ્સ ઇચ્છતા હતા કે કેમિલા કોહિનૂર હીરો ધરાવતો તાજ ધારણ કરે પરંતુ તેના કારણે નાહકનો ઇતિહાસ ઉખેડવામાં આવશે અને બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા કરાયેલા અન્યાય પર વધુ રોષ પેદા થશે તેવા કારણો અપાતાં કિંગ ચાર્લ્સે આ નિર્ણય પડતો મૂક્યો હતો.
પરંતુ 1849માં ક્વીન વિક્ટોરિયાને કોહિનૂર હીરો આપનાર મહારાજ દુલિપ સિંહના હાલના વારસો આ નિર્ણયથી ઘણા નારાજ છે. તેઓ કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે વિવાદના કેન્દ્રમાં રહેલો આ કિંમતી હીરો અમને પરત કરાય પરંતુ સાથે સાથે એમ પણ ઇચ્છીએ છીએ કે તે વૈશ્વિક મંચ પર રજૂ થાય અને ક્વીન કેમિલા કોહિનૂર હીરા સાથેના તાજને ધારણ કરે.
મહારાજા રણજિતસિંહના વારસ એવા ડો. જસવિંદરસિંહ સુખેરચાકિયા ભારતના અમૃતસરમાં વસવાટ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ક્વીન કેમિલા કોહિનૂર હીરા સાથેનો તાજ ધારણ કરે તેની સામે અમને કોઇ વાંધો નથી. તાજપોશીમાં તેનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય રાજકિય છે. મને એ સમજ નથી પડતી કે જ્યારે તમે ઇતિહાસ બદલી શક્તાં નથી તો લોકો આટલા બધા સંવેદનશીલ શા માટે થઇ જાય છે..
ડો. જસવિંદરસિંહ કહે છે કે ક્વીન કેમિલાના કોહિનૂર હીરાને ધારણ કરવાથી અમને કોઇ તકલીફ થતી નથી તો અન્યોને શા માટે તકલીફ થવી જોઇએ. અમે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાને શુભેચ્છા પાઠવીએ છીએ. મને તો કોહિનૂર હીરો જોવાની ઇચ્છા હતી પરંતુ તે જોવા નહીં મળે. તેનાથી હું અપમાનિત થયાનો અનુભવ કરી રહ્યો છું.


