તાતા કેમિકલ્સ દ્વારા યુકેનો સૌથી મોટો CO2 કેપ્ચર પ્લાન્ટ

Wednesday 29th June 2022 02:46 EDT
 
 

લંડનઃ ભારતના વિશ્વપ્રસિદ્ધ તાતા ઉદ્યોગગૃહની કંપની તાતા કેમિકલ્સ યુરોપ દ્વારા 20 મિલિયન પાઉન્ડના રોકાણ સાથે બ્રિટનના સૌપ્રથમ મોટા પાયાના કાર્બન કેપ્ચર એન્ડ યુઝેસ પ્લાન્ટને નોર્થવિચ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ચેશાયરમાં આવેલા પાવર પ્લાન્ટમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડ (CO2)નો ઉપયોગ કિડની ડાયાલિસિસમાં વપરાતા સોડિયમ બાયકાર્બોનેટના ઉત્પાદનમાં કરશે. આ પ્લાન્ટમાં યુકે સરકારનું 4 મિલિયન પાઉન્ડનું રોકાણ છે.

આ પ્લાન્ટમાં ગેસથી પેદા થતી ગરમી અને પાવર પ્લાન્ટથી વરાળ અને ઈલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થાય છે જેનો ઉપયોગ ગ્લાસ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા સોડિયમ કાર્બોનેટ તેમજ સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન કરતી તાતાની ફેક્ટરીઝમાં થાય છે. કાર્બન ડાયોક્સાઈડનો વપરાશ કરતી પ્રોસેસથી સોડિયમ કાર્બોનેટમાંથી સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન થાય છે અને તેમાંથી પ્રાપ્ત ઉચ્ચસ્તરીય પેદાશનો ઉપયોગ કિડની ડાયાલિસિસ અને ફાર્માસ્યુટિકલ્સમાં થાય છે.

તાતા કેમિકલ્સ યુરોપના જણાવ્યા અનુસાર તે વાર્ષિક 40,000 ટન અથવા પાવર પ્લાન્ટમાથી બહાર ફેંકાતા 12 ટકા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરશે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માર્ટિન એશ્ક્રોફ્ટે જણાવ્યું હતું કે યોગ્ય ગુણવત્તાના CO2નું ઉત્પાદન કરવાનો સૌથી મોટો પડકાર હતો પરંતુ, તેમાં સફળતા મળવા સાથે આ પ્રોજેક્ટ વેપારી દૃષ્ટિએ યોગ્ય બન્યો છે અને તાતા ચાર વર્ષ જેટલા ઓછા સમયમાં ઈન્વેસ્ટમેન્ટ પર વળતર મેળવવા લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter