લંડનઃ બાંગ્લાદેશના દેશવટો ભોગવી રહેલા વિપક્ષના નેતા તારિક રહેમાને જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેવા હું સ્વદેશ પરત ફરીશ. મને વિશ્વાસ છે કે મારી પાર્ટી ચૂંટણીમાં પ્રચંડ વિજય હાંસલ કરશે. યુકે સ્થિત બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા તારિક રહેમાને જણાવ્યું હતું કે ન્યાયી ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી દેશ શેખ હસીનાથી સંપુર્ણપણે મુક્ત થયેલો માની શકાય નહીં.
તારિકે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અમે વિજય હાંસલ કરીશું. અમે એકલા હાથે સરકારની રચના કરવા સક્ષમ છીએ. નજીકના સમયમાં હું બાંગ્લાદેશ પરત ફરીશ.
બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં તારિક રહેમાન વડાપ્રધાનપદના મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવે તેવી મજબૂત સંભાવના છે. તારિકે જણાવ્યું હતું કે, અવામી લીગ ફાસીવાદી પાર્ટી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અન્ય પાર્ટીઓ સાથે મળીને સરકારની રચના કરવા પણ તૈયાર છે.


