લંડનઃ યુકેના મહત્વના સેક્ટરોમાં કુશળ કર્મચારીઓની અછત પ્રવર્તી રહી છે ત્યારે સરકાર હાઇ સ્કીલ્ડ ફોરેન વર્કર્સને વિઝા જારી કરવામાં કંજૂસાઇ કરી રહી છે. ઇમિગ્રેશન ઘટાડવાના લક્ષ્યાંકો હાંસલ કરવાની લાહ્યમાં મહત્વના સેક્ટરો કુશળ કર્મચારીઓની અછત સામે ઝઝૂમી રહ્યાં છે. છેલ્લા 4 વર્ષમાં બ્રિટિશ અર્થતંત્રને વેગ આપવા માટે જરૂરી એવા હાઇ સ્કીલ્ડ ફોરેન વર્કર્સ માટે 33 ટકા કરતાં પણ ઓછા વર્ક વિઝા જારી કરવામાં આવ્યા હતા.
હોમ ઓફિસના આંકડા અનુસાર 2024માં સમાપ્ત થયેલા છેલ્લા 4 વર્ષમાં મહત્વના સેકટરો માટેના 5,60,000 વર્ક વિઝામાંથી ફક્ત 1,81,000 વર્ક વિઝા જ જારી કરાયાં હતાં. તેનો અર્થ એ થયો કે સરકાર દ્વારા ઓળખ કરાયેલા 8 સેક્ટરમાં વિદેશી કર્મચારીઓને 32 ટકા જ વિઝા જારી કરાયાં હતાં.
એક સમીક્ષા અનુસાર વર્ષ 2030 સુધીમાં યુકેમાં લાઇફ સાયન્સ જોબ માટે 1,33,000 વધુ કર્મચારીની જરૂર પડશે પરંતુ છેલ્લા 4 વર્ષમાં આ સેક્ટર માટે જરૂરી કુશળતા ધરાવતા ફક્ત 16,000 વિદેશીને જ વિઝા જારી કરાયા હતા. તે ઉપરાંત ફાઇનાન્સિયલ સર્વિસ, ડિફેન્સ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી, ડિજિટલ ટેકનોલોજી અને ક્લીન એનર્જી ઇન્ડસ્ટ્રી જેવા સેક્ટરોમાં પણ કુશળ કર્મચારીઓની અછત વર્તાઇ રહી છે.
એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે બ્રિટનની વિઝા સિસ્ટમ બિસ્માર બની ગઇ છે. દેશમાં વધુ હાઇ સ્કીલ્ડ વિદેશી કર્મચારીઓને લાવી શકાય તે માટે તેમાં વ્યાપક સુધારાની જરૂર છે.