તુર્કીના ૪૦૦,૦૦૦ PPE ગાઉન્સ ગુણવત્તા ચકાસણીમાં તદ્દન નકામા

Friday 08th May 2020 00:13 EDT
 
 

લંડનઃ યુકેના કોરોનાવોરિયર્સની મદદ માટે તુર્કીએ તાકીદના ધોરણે મોકલેલા ૪૦૦,૦૦૦ PPE ગાઉન્સ તદ્દન નકામા પુરવાર થયા છે. જોરશોરથી જાહેરાત કરાઈ હતી તેવું શિપમેન્ટ ૧૮ એપ્રિલે આવવાનું હતું પરંતુ, થોડા હિવસોની રાહ જોવી પડી હતી. રોયલ એરફોર્સ વિમાનમાં આવેલું ૮૪ ટનનું આ શિપમેન્ટ હવે હીથ્રો એરપોર્ટ નજીકના વેરહાઉસમાં ધૂળ ખાતું પડ્યું છે કારણકે ગાઉન્સ યુકેના ગુણવત્તા અને સલામતી પરીક્ષણોમાં નિષ્ફળ સાબિત થવા સાથે કરદાતાના નાણા પાણીમાં ગયાં છે.

કોરોના વાઈરસ સામે જંગમાં NHS સ્ટાફ માટે તુર્કીથી મંગાવેલો ૪૦૦,૦૦૦ PPE ગાઉન્સનો ૮૪ ટનનો જથ્થો યુકેના ગુણવત્તા ધોરણોમાં પસાર ન થવાથી વેરહાઉસમાં ધૂળ ખાઈ રહ્યો છે. આ સામગ્રી યુકેના ધારાધોરણો અનુસારની નથી ત્યારે સરકાર તેની કિંમત પરત મેળવી શકશે તેની પણ ચિંતા છે. NHS સૂત્રો અનુસાર ગાઉન્સમાં વપરાયેલી સામગ્રી તેમજ તેની સ્લીવ્ઝની સાઈઝ પણ યોગ્ય જણાઈ નથી. ગાઉન્સમાં ગંભીર ખામીઓના કારણે NHS સ્ટાફ માટે જીવનું જોખમ વધી શકે તેમ હતું.

પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE)ની ભારે અછત વચ્ચે હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે ૧૮ એપ્રિલે આ જથ્થો બીજા દિવસે જ આવી જશે તેવી જોરશોરથી જાહેરાત કરી હતી પરંતુ, RAFના વિમાને આ જથ્થો મળે તેની થોડા દિવસ રાહ જોવી પડી હતી.આનું કારણ એ હતું કે ઈસ્તંબુલસ્થિત સપ્લાયર કંપની સેલેગ્ના પાસે એક્સપોર્ટ લાયસન્સ છે કે કેમ તેની તપાસ જ બ્રિટિશ સરકારે કરી ન હતી. તુર્કી સરકારની દરમિયાનગીરી પછી ૨૨ એપ્રિલે માત્ર ૩૨,૦૦૦ ગાઉન્સ સાથે પ્રથમ શિપમેન્ટ હીથ્રો એરપોર્ટ પહોંચ્યું હતું. હકીકત એ છે કે સપ્લાયર કંપની સેલેગ્ના પાસે શર્ટ્સ અને ટ્રેકસ્યૂટ્સના ઉત્પાદનનો જ અનુભવ હતો અને વિશ્વમાં કોરોના મહામારી ફેલાયાના પગલે PPEનું ઉત્પાદન શરુ કર્યું હતું.

બીજી તરફ, બ્રિટિશ સરકારે ચીન દ્વારા મોકલાયેલા ખામીપૂર્ણ લાખો એન્ટિબોડી ટેસ્ટ કિટ્સ માટે પણ નાણા પરત માગ્યા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે સ્વીકાર્યું હતું કે ચાઈનીઝ ઉત્પાદકો પાસેથી મેળવેલા ૩.૫ મિલિયન ફિંગર- પ્રિક ટેસ્ટ ચોકસાઈ ગુણવત્તામાંથી પસાર થયા નથી. ચીની ઉત્પાદકો પાસેથી મેળવેલા ટેસ્ટ કિટ ભારતમાં પણ નકામા પુરવાર થયા છે. આ ઉપરાંત, ડચ હેલ્થ વિભાગે ચીનની ફેક્ટરીઓમાંથી મંગાવેલા ૬૦૦, ૦૦૦ ફેસ માસ્ક્સ ધૂળ ખાઈ રહ્યા છે. આ માસ્ક ચહેરા પર ફિટ થતા નથી અને તેના ફિલ્ટર પણ ડિફેક્ટિવ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter