લંડનઃ હેમ્પશાયરના ફ્રાન્ક ફાઈક હાશેમ ભલે ૧૩૬.૨ સેમી (૪ ફૂટ, ૫.૬ ઈંચ)નું કદ ધરાવતા હોય પરંતુ, તેમનું કામ અને નામ મોટું છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેમને સૌથી ઓછી ઊંચાઈના બસ ડ્રાઈવર તરીકે નવાજાયા છે. ૨૦૨૧ માટે વિશ્વવિક્રમ સર્જકોના પુસ્તકનું લોન્ચિંગ કરાયું તેમાં બ્રિટિશ ગિનેસ વર્લ્ડ રેકોર્ડધારકોમાં સૌથી ઝડપે દોડતી મોટરસાઈકલ પર ઊંધા માથે રહી સ્ટન્ટ કરનારા એલ્વિંગ્ટનના માર્કો જ્યોર્જ અને ઉંદરોને તાલીમ આપીને તેમની પાસે અવનવા ખેલ કરાવનારા વોટફર્ડના લ્યૂક રોબર્ટ્સનો પણ સમાવેશ થયો છે.
નીચી કાઠીના ફ્રાન્ક ૨૦ કરતાં વધુ વર્ષથી કાર ચલાવતા હતા પરંતુ, તેમને ૨૦૧૭માં બસ ડ્રાઈવિંગની ટેસ્ટ આપવાની ઈચ્છા થઈ હતી. તેમના માટે બસમાં કોઈ ખાસ સુધારાવધારા કરવાના ન હતા પરંતુ, પોતાના રુટ પર આગળ વધતા પહેલા સીટ અને સ્ટીઅરિંગ વ્હીલનું જ એડજસ્ટમેન્ટ કરવાનું રહે છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ફ્રાન્કને દરરોજ અલગ અલગ લોકોને મળવાનું અને કોમ્યુનિટીના લોકોની સેવા કરવાનું ઘણું ગમે છે. ખાસ કરીને કોરોના વાઈરસ રોગચાળાની વચ્ચે એક ચાવીરૂપ વર્કર તરીકે આ તેના માટે ગૌરવનો સ્રોત છે.’
ઈરાકના વતની અને બે સંતાનોના પિતા ૫૭ વર્ષના હાશેમ વેસ્ટ સસેક્સના ચિશેસ્ટરમાં કામ કરે છે. તેઓ ઠીંગણા હોવા છતાં, તેમણે આ ક્ષતિને પોતાના પર કદી હાવી થવા દીધી નથી.
બ્રિટિશ વિક્રમધારકોમાં ૧૨૨.૯ કિલોમીટર પ્રતિ કલાક (૭૬.૧૭ માઇલ પ્રતિ કલાક)ની ઝડપે દોડતી મોટરસાઈકલ પર ઊંધા માથે રહી સ્ટન્ટ કરનારા માર્કો જ્યોર્જનો પણ સમાવેશ થયો છે. એલ્વિંગ્ટનના માર્કોએ આ સ્ટન્ટ ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કરીને વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. પાંચ વર્ષથી સ્ટન્ટમેન તરીકે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા માર્કોએ આ પરફોર્મન્સ માટે સાત મહિના પ્રેક્ટિસ કરી હતી. વોટફર્ડના લ્યૂક રોબર્ટસે પોતાના ઉંદરો ફ્રેન્કી અને ફ્રેડીને એવી રીતે કેળવ્યા છે કે તેમણે માત્ર ૩૦ સેકન્ડમાં પોતાના પંજાના આધારે ૨૮ ટ્રિક્સ અને ગોળાકાર પટ્ટીમાંથી આઠ કૂદકા મારવા જેવા કરતબ પૂરાં કર્યાં હતાં.
યુકેની જ જેસ ટિમિન્સે આ કાર્યમાં લ્યૂકને સાથ આપ્યો હતો. ઉંદરો માત્ર ત્રણ મહિનાના હતા ત્યારથી લ્યૂક સાથે રહી તાલીમ મેળવતા રહ્યા છે. આ રેકોર્ડ બનાવવા માટે લ્યૂકે ૬થી ૮ સપ્તાહ સુધી દરરોજ રાત્રે બન્ને ઉંદરોને તાલીમ આપી હતી.