લંડનઃ બ્રિટનના પૂર્વ એન્ટી કરપ્શન મિનિસ્ટર તુલિપ સિદ્દિક સામે બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના આરોપસર ખટલો ચલાવવામાં આવશે. તુલિપ સિદ્દિક બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના ભાણી છે. 2025ના પ્રારંભમાં બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે તુલિપ સિદ્દિકને લેબર સરકારમાંથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. હવે બાંગ્લાદેશમાં સૌથી મોટા હાઉસિંગ પ્રોજેક્ટ પૈકીના એકમાં આચરાયેલા ભ્રષ્ટાચારમાં સંડોવણી માટે તેમની સામે ખટલો ચલાવવાનો આદેશ અપાયો છે. તેમને 11 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશની કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે. જો તેઓ ગેરહાજર રહેશે તો તેમની ગેરહાજરીમાં જ કેસની સુનાવણી કરાશે.
બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશનનો આરોપ છે કે તુલિપને ઢાકાના ડિપ્લોમેટિક ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન કરીને 7200 ચોરસ મીટરનો પ્લોટ ફાળવાયો હતો. એસીસી તુલિપ સિદ્દિક સામે શેખ હસીના સરકાર દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારમાં સંડોવણી અંગે તપાસ કરી રહી છે.
જોકે સિદ્દિકનો આરોપ છે કે તેમને બાંગ્લાદેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસ દ્વારા લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. તેઓ યુકેની રાજનીતિમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. ઢાકાની સ્પેશિયલ કો૪ટના જજ મુહમ્મદ રબિઉલ આલમે તુલિપ સિદ્દિક સહિત 27 લોકો સામે સમન્સ જારી કર્યાં છે. જેમાં સિદ્દિક ઉપરાંત પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અન તેમના અન્ય પરિવારજનોનો પણ સમાવેશ થાય છે.