લંડનઃ બ્રિટનના રાજકારણમાં ભારતીય મૂળના લોકો સતત ઈતિહાસ રચી રહ્યા છે. આ કડીમાં હવે એક નવું અને ગૌરવપૂર્ણ નામ ઉમેરાયું છે. યુકેમાં માત્ર 23 વર્ષના કાઉન્સિલર તુષાર કુમારે બ્રિટનના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ભારતીય મૂળના મેયર બનીને એક અભૂતપૂર્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 13મેના રોજ યોજાયેલા કાઉન્સિલના વાર્ષિક મેયર મેકિંગ સેરેમની દરમિયાન તેમને સત્તાવાર રીતે એલસ્ટ્રી એન્ડ બોરહામવુડના મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બોરહામવુડના ફેરવે હોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં વિવિધ કાઉન્સિલરો, સામાજિક નેતાઓ, ધાર્મિક પ્રતિનિધિઓ, સ્થાનિક રહેવાસીઓ અને તુષારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
લેબર પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા તુષાર કુમાર લાંબા સમયથી સ્થાનિક સ્તરે સક્રિય છે. તેઓ અગાઉ આ જ કાઉન્સિલમાં ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. તુષાર કુમારે લંડનની પ્રતિષ્ઠિત કિંગ્સ કોલેજ લંડનમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તુષાર કુમારની રાજકીય સફર અસાધારણ રહી છે. તેઓ જ્યારે કિંગ્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે માત્ર 20 વર્ષની નાની ઉંમરે પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેઓ યુકેના સૌથી યુવા ભારતીય મૂળના કાઉન્સિલર બન્યા હતા અને કન્ઝર્વેટિવ પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારમાં લેબર પાર્ટીને જીત અપાવી હતી.
તુષાર કુમારે જણાવ્યું હતું કે, જે શહેરને હું પ્રેમ કરું છું, તેના મેયર તરીકે સેવા આપવી તે મારા માટે ગર્વની વાત છે. મેયર તરીકે તુષાર કુમારનું મુખ્ય ધ્યાન સ્થાનિક સ્તરે સામાજિક એકતા વધારવા, સ્થાનિક ચેરિટી અને સંસ્થાઓને મદદ કરવા પર રહેશે.


