લંડનઃ મૂળ હરિયાણાના ભારતીય માતા અને પુત્રે બ્રિટનની ચૂંટણીમાં અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. 13 મેના રોજ એલસ્ટ્રી અને બોરહેમવૂડ ટાઉન કાઉન્સિલના મેયરપદે તુષાર કુમાર ચૂંટાઇ આવ્યા બાદ હવે એક સપ્તાહ બાદ તેમના માતા પરવીન રાની હર્ટસમેર બરો કાઉન્સિલના ભારતીય મૂળના પ્રથમ મેયર તરીકે ચૂંટાઇ આવ્યા છે. તુષાર કુમાર યુકેમાં ભારતીય મૂળના સૌથી યુવા વયના મેયર પણ બન્યા છે. તુષારના પિતા સુનિલ દહિયાએ આ સિદ્ધીને પરિવાર અને ભારતીય સમુદાય માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
સુનિલ દહિયાએ જણાવ્યું હતું કે, તુષાર અને પરવીન હંમેશા સમાજસેવામાં વ્યસ્ત રહ્યા છે. તુષાર કિંગ્સ કોલેજ લંડન ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે જ 20 વર્ષની વયે કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યો હતો. યુકેમાં સ્થાયી હોવા છતાં પરાર હરિયાણામાં તેમના મૂળને ભૂલ્યો નથી અને નિયમિત રીતે રોહતકની મુલાકાત લે છે. તુષાર અને પરવીને હિન્દી અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સ્વૈચ્છિક શિક્ષણ આપીને તેમજ સામાજિક કાર્યો દ્વારા યોગદાન આપ્યું છે.


