લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન (૫૬) અને કેરી સિમોન્ડ્સ (૩૩)ના લગ્નની શરણાઈઓ આગામી વર્ષના જુલાઈમાં સૂરો રેલાવશે અને તેમણે મિત્રો અને પરિવારને ‘આ તારીખ નોંધી રાખશો’ના કાર્ડ્સ પણ પાઠવી દીધા છે.
બોરિસ અને કેરીએ ૨૦૧૯માં સગાઈ કરી હતી પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે લગ્નની તારીખ લંબાવાઈ હતી. દંપતીના મિત્રોએ જણાવ્યા અનુસાર તેઓ સલામતીને ખાતર આગામી વર્ષે મેળાવડો યોજશે.
બોરિસ જ્હોન્સન અને કેરી સિમોન્ડ્સ આગામી વર્ષ ૨૦૨૨ની ૩૦ જુલાઈએ લગ્ન કરી રહ્યાં છે અને આ તારીખ નોંધી લેવા જણાવતા કાર્ડ્સ પણ તેમણે મિત્રમંડળ અને પરિવારને મોકલી આપ્યા છે. તેઓ ક્યાં લગ્ન સમારંભ યોજશે તેની જાહેરાત કરાઈ નથી પરંતુ, તેમના મિત્રોના જણાવ્યા મુજબ આગામી વર્ષે કોવિડ કટોકટીનો અંત આવી જશે તેવી આશા સાથે વિશાળ સમારંભનું આયોજન કરી શકે છે. અહેવાલો મુજબ જ્હોન્સનના બકિંગહામશાયર કન્ટ્રીના ચેકર્સ ખાતે લગ્ન યોજી શકે છે. અન્ય સંભવિત સ્થળોમાં મિસ સિમોન્ડ્સ કામ કરે છે તે કેન્ટના પોર્ટ લિમ્પને સફારી પાર્કનો પણ સમાવેશ થાય છે.
જ્હોન્સન અને કેરી સાયમન્ડ્સ જુલાઈ ૨૦૧૯થી ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેનારા પ્રથમ અપરિણીત દંપતી છે. તેમના લગ્ન ન થાય ત્યાં સુધી સાયમન્ડ્સ સત્તાવાર ‘ફર્સ્ટ લેડી’નું બિરુદ મળી શકે નહિ. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમની સગાઈ થઈ ત્યારે સિમોન્ડ્સ સગર્ભા હતી અને તે જ વર્ષના એપ્રિલમાં તેમના પુત્ર વિલ્ફ્રેડનો જન્મ થયો હતો. બોરિસ જ્હોન્સને અગાઉ બે વખત લગ્ન કરેલા છે. તેમણે ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ બીજી પત્ની મરિના વ્હીલરને ડાઈવોર્સ આપ્યા હતા.