લંડનઃ લંડનમાં ઘટી રહેલી ટ્રેડ પ્રવૃતિઓ માટે નક્કર પગલાં નહીં લેવાય તો શહેરની વિશ્વ પ્રસિદ્ધ બ્લેક કેબ વર્ષ 2045 સુધીમાં લંડનની સડકો પરથી અદ્રશ્ય થઇ જશે. સેન્ટર ફોર લંડન થિન્ક ટેન્ક દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નોલેજના સરળીકરણ સહિતના પગલાં આધુનિક ટેક્સી ઓપરેશનોની વાસ્તવિકતાનું પ્રતિંબબ બની રહેશે.
ટીએફએલએ જણાવ્યું હતું કે, લંડનની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં બ્લેક કેબ મહત્વની ભુમિકા ભજવતી રહે તે માટે નવો ટેક્સી એન્ડ પ્રાઇવેટ હાયર પ્લાન જાહેર કરાશે.
લાયસન્સ્ડ ટેક્સી ડ્રાઇવર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી સ્ટીવ મેકનમારાએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં અપાયેલી ચેતવણી આંખ ઉઘાડનારી છે અને આશા રાખીએ છીએ કે બ્લેક કેબને બચાવવા ટીએફએલ દ્વારા પગલાં લેવાશે.
માસ્ટરિંગ ઓફ નોલેજનો અમલ 1865થી કરાયો હતો. ચેરિંગ ક્રોસથી 6 માઇલની રેડિયસમાં આવેલી તમામ સડકોનું તેમાં જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે અને તેમ કરતાં 4 વર્ષનો સમય લાગે છે. સેન્ટર ફોર લંડને સૂચન કર્યું છે કે ટીએફએલ આ પરીક્ષાને ઓછી જટિલ બનાવી શકે છે. આ કોર્ષનો સમયગાળો પણ ટૂંકાવવો જોઇએ.
લંડનમાં હવાનું પ્રદૂષણ ગંભીર બનવાની ચેતવણી
યુરોપ તરફથી સતત ફૂંકાઇ રહેલા પવનોના કારણે લંડનમાં હવાનું પ્રદૂષણ ચોંકાવનારા સ્તરે પહોંચવાની ચેતવણી સિટી હોલ દ્વારા જારી કરાઇ હતી. ડેપ્યુટી મેયર મેટ કોબાને જણાવ્યું હતું કે, અમે આ એલર્ટને ગંભીરતાથી લઇ રહ્યાં છીએ. અમે લંડનના રહેવાસીઓને લાકડાં અથવા ગાર્ડન વેસ્ટ ન સળગાવવા, એન્જિનને સતત ચાલુ ન રાખવાની અપીલ કરીએ છીએ.