ત્રણ લંડનવાસીમાંથી એક જન્મે વિદેશીઃ રાજધાનીના ૧૦ બરોમાં ભારતીયોનું પ્રભુત્વ

Monday 11th January 2016 05:53 EST
 
 

લંડનઃ યુકેની રાજધાની લંડન તેના ઈતિહાસમાં ૮.૬ મિલિયનની સર્વોચ્ચ અને સૌથી વૈવિધ્યપૂર્ણ વસ્તી ધરાવતું નગર બન્યું છે. અહીંના ત્રણ નિવાસીમાંથી એકનો જન્મ મૂળ વિદેશમાં થયો છે અને લંડનના મેયરના ડેટા સ્ટોરના આંકડા મુજબ વેસ્ટમિન્સ્ટર, કેન્સિંગ્ટન અને ચેલ્સી અને બ્રેન્ટ સહિત કેટલાક વિસ્તારોમાં તો અડધોઅડધ વસ્તી જન્મે વિદેશી છે. આ વિદેશી લોકોમાં ૨૬૭,૦૦૦ની વસ્તી સાથે મૂળ ભારતીયો પ્રથમ ક્રમે છે અને તેઓ લંડનના ૩૨માંથી ૧૦ બરોમાં પ્રભુત્વ ધરાવે છે. આ પછી નાઈજિરિયા, પોલાન્ડ, તુર્કી અને બાંગલાદેશમાં જન્મેલા લંડનવાસીઓ ઓછામાં ઓછાં ત્રણ-ત્રણ બરોમાં પ્રભુત્વ ધરાવે છે. ગત બે દાયકામાં ૨૦ લાખ લોકો લંડન રહેવા આવ્યાં છે. રાજધાનીની ઈમિગ્રન્ટ વસ્તી ૨૦૩૧માં પાંચ મિલિયને પહોંચશે ત્યારે સૌપ્રથમ વખત બ્રિટનમાં જન્મેલા નાગરિકોની વસ્તીને આંબી જશે.

બીજા વિશ્વયુદ્ધના વિનાશ અગાઉના રેકોર્ડ પછી લંડનની વસ્તી ૮.૬ મિલિયનના શિખરે પહોંચી છે. વિશ્વયુદ્ધ પછીના ૫૦ વર્ષમાં ૨.૨ મિલિયન લંડનવાસીઓ અન્ય કાઉન્ટીઝ અથવા ઉપનગરોમાં નવું જીવન ગાળવા ચાલ્યા ગયા હતા. લંડનના આઉટર બરોઝની સરખામણીએ ઈનર બરોઝમાં ઈમિગ્રન્ટ વસ્તીનું પ્રમાણ ઘણુ ઊંચું છે. આ ઉપરાંત, ચોક્કસ રાષ્ટ્રીયતાના લોકો તેમના દેશવાસીનું પ્રમાણ વધુ હોય તેવા બરોઝમાં વસે તેવું સ્પષ્ટ વલણ જોવાં મળે છે.

વિદેશમાં જન્મેલા લોકોની સૌથી વધુ ૫૩.૩ ટકા વસ્તી બ્રેન્ટ અને હેરિન્જમાં છે, તે પછી કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર અનુક્રમે ૫૧.૮ ટકા અને ૫૦.૯ ટકાની વસ્તી વિદેશમાં જન્મેલી છે. લંડનના કુલ ૩૦ લાખ બિનબ્રિટિશ રહેવાસીઓમાંથી ૪૦ ટકા યુરોપના , ૩૦ ટકા મિડલ ઈસ્ટ અને એશિયાના, ૨૦ ટકા આફ્રિકા અને ૧૦ ટકા અમેરિકા અથવા કેરેબિયન્સના છે. યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર માઈકલ બેટ્ટીએ વસ્તીવૃદ્ધિને સમજાવતા કહ્યું હતું કે,‘ ઉપનગરીકરણના લીધે આશરે ૩૦ વર્ષના ગાળામાં વસ્તી ૮૦ લાખથી ઘટીને ૬૬ લાખની થઈ હતી. વસ્તીવૃદ્ધિમાં ઉપનગરોનો વિકાસ, લોકો પાસે કારનો વધારો, પરિવહનમાં પરિવર્તન અને સ્લમ ક્લીઅરન્સનો ફાળો મુખ્ય છે.’ ગત દાયકામાં તીવ્ર વધારો ઈન્ટરનેશનલ માઈગ્રેશન સાથે સંબંધિત છે.

-------------------------------

બ્રિટન સિવાયના ૧૦ દેશના

લોકોની લંડનમાં વસ્તી

----------------------------------

ભારત-         ૨૬૭,૦૦૦

પોલાન્ડ-       ૧૩૫,૦૦૦

બાંગલાદેશ-    ૧૨૬,૦૦૦

પાકિસ્તાન-     ૧૧૩,૦૦૦

આયર્લેન્ડ-      ૧૧૨,૦૦૦

નાઈજિરિયા-     ૯૯,૦૦૦

શ્રી લંકા-         ૮૬,૦૦૦

જમૈકા-           ૭૫,૦૦૦

યુ.એસ.એ.-     ૭૧,૦૦૦

કેન્યા-           ૬૩,૦૦૦

લંડનની વર્તમાન અંદાજિત કુલ વસ્તી- ૮,૬૦૦,૦૦૦

---------------------------------------------------------------------

લંડન શહેરનો બદલાતો ચહેરો

• નિષ્ણાતો ૨૦૧૧ના સેન્સસને આધારિત આગાહીને માને છે કે ૨૦૩૧ સુધીમાં લંડનમાં રહેતા જન્મે વિદેશી લોકો મૂળ બ્રિટિશરોની સંખ્યાને આંબી જશે.

• ૧૯૭૧માં જન્મે વિદેશી લોકોની સંખ્યા ૧૦ લાખ હતી તે વધીને ૨૦૧૧માં ૩૦ લાખ થઈ હતી અને ૨૦૩૧માં ઓછામાં ઓછાં ૫૦ લાખ થવાની આગાહી છે.

• લંડનમાં જન્મેલા નોન-બ્રિટિશ રહેવાસીઓથી નગરની કુલ વસ્તી ૨૦૩૧માં ૧૦ મિલિયન અને ૨૦૪૧માં ૧૧ મિલિયનથી વધી જશે.

• ઈમિગ્રન્ટ વસ્તીમાં સતત વધારાની સામે બ્રિટનમાં જન્મેલા લંડનવાસીની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે. ૧૯૭૧માં આ સંખ્યા ૬૦ લાખથી વધુ હતી પરંતુ આગામી દાયકાઓમાં ઘટીને ૫૦ લાખથી પણ નીચે પહોંચી જશે.

• ગત સેન્સસના વિશ્લેષણ અનુસાર ૨૦૦૧થી ૨૦૧૧ના ગાળામાં ૬૨૦,૦૦૦ - સંપૂર્ણપણે વ્હાઈટ બ્રિટિશ વસ્તી ધરાવતા ગ્લાસગો શહેરની વસ્તી જેટલા શ્વેત બ્રિટિશ લંડનવાસી રાજધાની છોડી ગયા હતા. આનો અર્થ એ છે કે દેશના સૌથી મોટા શહેરમાં વ્હાઈટ બ્રિટિશ લઘુમતીમાં છે.

• હાલમાં વ્હાઈટ બ્રિટિશર્સ કુલ વસ્તીના ૪૫ ટકાનો હિસ્સો ધરાવે છે, જે ૨૦૦૧માં ૫૮ ટકા હતો.

• છેલ્લે ૧૯૩૯માં લંડનની વસ્તી સૌથી વધુ હતી. આજે યુકેમાં વસતાં લોકોના ૧૩ ટકા લંડનવાસી છે, જ્યારે ૧૯૩૯માં ૧૮ ટકા વસ્તી લંડનમાં રહેતી હતી.

• ૧૯૩૯માં લંડનની વસ્તીમાં માત્ર ૨.૭ ટકા લોકો વિદેશમાં જન્મેલા હતા. આજે ૩૭ ટકા લંડનવાસી વિદેશમાં જન્મેલા છે.

• ૧૯૩૯માં લંડનમાં NHS અને ધુમ્મસ ન હતાં અને લોકોની આયુષ્યમર્યાદા સરેરાશ ૬૨ વર્ષ હતી. આજે આ બન્નેની હાજરી છતાં સરેરાશ આયુષ્યમર્યાદા ૮૨ વર્ષની છે.

• વિશ્વયુદ્ધ અગાઉ માત્ર બે ટકા લોકો (મોટા ભાગના પુરુષો) યુનિવર્સિટી શિક્ષણ મેળવતા હતા, આજે ૪૩ ટકા લોકો યુનિવર્સિટી જાય છે અને તેમાં સ્ત્રીઓની બહુમતી છે.

• ૧૯૩૯માં લંડનમાં દર ત્રણમાંથી આશરે એક વ્યક્તિ ઉત્પાદનક્ષેત્રમાં કામ કરતી હતી. આજે આ ક્ષેત્રની ૯૦ ટકા નોકરીઓ નાબૂદ થઈ છે અને મોટા ભાગના લોકો ૧૯૩૯માં કલ્પના ન હોય તેવા ઉદ્યોગક્ષેત્રોમાં કામ કરે છે. ૨૫૦,૦૦૦ લોકો આઈટી ક્ષેત્રે તેમજ ૨૫૦,૦૦૦ લોકો હોટેલ અને રેસ્ટોરાંમાં કામ કરે છે.

• ૧૯૩૯માં સેન્ટ પોલ સૌથી ઊંચી ઈમારત હતી અને આજે તેનો ૪૧મો ક્રમ છે. લંડનમાં સૌથી ઊંચુ બિલ્ડિંગ ધ શાર્ડ છે.

• લંડનમાં મકાનોની કિંમતમાં પણ અસાધારણ વૃદ્ધિ થઈ છે. ૧૯૩૯માં મકાનની સરેરાશ કિંમત ત્રણ વાર્ષિક પગાર જેટલી હતી, જે આજે વધીને ૧૬ વાર્ષિક પગાર જેટલી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter