લંડનઃ નવી પાંચ-વર્ષીય ફિક્સ્ડ મોર્ગેજ ડીલ પર સરેરાશ વ્યાજ દર ત્રણ વર્ષમાં પહેલીવાર 6 ટકા સુધી પહોંચી ગયો છે. મનીફેક્ટ્સના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિને કારણે ઘર ખરીદનારાઓ અને પોતાની ફિક્સ્ડ ડીલ રીન્યુ કરાવનારાઓ માટે સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં 5 ટકાથી નીચા વ્યાજ દરવાળી લગભગ 1500 મોર્ગેજ ડીલ્સ બંધ થઈ ગઈ છે.
મનીફેક્ટ્સે જણાવ્યું હતું કે મુખ્ય હાઇ સ્ટ્રીટ બેંકોએ સપ્ટેમ્બર દરમિયાન ફિક્સ્ડ રેટમાં વારંવાર વધારો કર્યો હતો. બાર્કલેઝે ચાર વાર પસંદગીના ફિક્સ્ડ રેટ્સ વધાર્યા, જ્યારે HSBC, લોયડ્સ બેંક, નેશનવાઈડ, નેટવેસ્ટ, સેન્ટેન્ડર અને TSBએ ત્રણ વાર વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. આનો અર્થ એ થયો કે નવી પાંચ-વર્ષીય ડીલ પરનો સરેરાશ દર સપ્ટેમ્બર 2023 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે બે-વર્ષીય ડીલ્સ પર સરેરાશ દર ડિસેમ્બર 2023 પછીના સૌથી ઊંચા સ્તરે છે.


