લંડનઃ જંગી દેવાં તેમજ લોન રિપેમેન્ટ કરવા જેટલો નફો ન થવાથી આગામી ત્રણ વર્ષમાં બ્રિટનના ૨૫ ટકાથી વધુ અથવા લગભગ ૫,૦૦૦ કેર હોમ બંધ થવાની શક્યતા છે. રેડિયો-4 માટેના અભ્યાસ મુજબ કેર હોમનો ટેક્સ પહેલાનો સરેરાશ નફો ૧૭,૬૪૭ પાઉન્ડ હોય છે. નવા નેશનલ લિવિંગ વેજ સહિત વધતા ખર્ચથી કેર હોમ્સની નફાક્ષમતા ઘટી હોવાનું કહેવાય છે.
અભ્યાસ મુજબ દરેક કેર હોમ તેના વાર્ષિક બિઝનેસની રકમની લગભગ ૬૧ ટકા જેટલી રકમની લોન લે છે. આખી ઈન્ડસ્ટ્રીની આવી લોન ચાર બિલિયન પાઉન્ડ જેટલી થાય છે. દેશના ૨૦,૦૦૦ કેર હોમનું સંચાલન ૫,૮૭૧ ખાનગી માલિકો હસ્તક છે અને ઓપરેટર તરીકે તેમનો સરેરાશ નફો આશરે ૬૦,૦૦૦ પાઉન્ડનો છે.
દેશમાં ૪૭ કેર હોમનું સંચાલન કરતા ગ્રૂપના જહોન સ્ટ્રોબ્રિજે જણાવ્યું હતું કે નવા લિવિંગ વેજથી દર વર્ષે બે મિલિયન પાઉન્ડનો વધારાનો બોજ પડે છે. લોકલ ઓથોરિટીના રહીશો માટે ઓપરેટરોને ચૂકવાતી ફી કરતાં કેર હોમનો ખર્ચ વધુ હોય છે.


