લંડનઃ મોતના ઉપદેશક અંજેમ ચૌધરી અને મોહમ્મદ મિનાઝુર રહેમાનને ત્રાસવાદની ઉશ્કેરણી બદલ સાડા પાંચ વર્ષની સજાનો આરંભ થઈ ગયો છે, જે તેની પ્રેરણાથી કરાયેલા દરેક મુખ્ય ત્રાસવાદી મર્ડર પ્લોટ માટે એક વર્ષની સજા કરતા પણ ઓછી છે. તેમણે કસ્ટડીમાં અનુક્રમે ગાળેલા ૧૪૦ અને ૧૪૩ દિવસની સજામાંથી કપાત કરાશે. ત્રાસવાદના ગોડફાધર અંજેમ ચૌધરીને સાડા પાંચ વર્ષની સજા ભલે કરાઈ હોય, પરંતુ તે માત્ર અઢી વર્ષમાં યુકેની શેરીઓમાં મુક્ત થઈને ફરશે અને ફરીથી ત્રાસવાદનો મહિમા ગાશે.
ગત બે દાયકા દરમિયાન કટ્ટરવાદી જૂઓથોમાં અગ્ર સ્થાન હાંસલ કરવા સાથે ઈસ્લામિક સ્ટેટ જેવી ત્રાસવાદી સંસ્થા સાથે સંકળાવાની પ્રતિજ્ઞા લેનારા અને અન્યોને તે માટે પ્રોત્સાહિત કરનારા ઈસ્ટ લંડનના ઉગ્રવાદી ઉપદેશક અંજેમ ચૌધરી અને તેના બગલબચ્ચા જેવા મોહમ્મદ રહેમાનને સાડા પાંચ વર્ષની સજા ફરમાવાઈ છે. ચૌધરી અને રહેમાનને કોર્ટના પિંજરામાંથી લઈ જવાતા હતા ત્યારે તેમના સમર્થકોએ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા. અન્ય કેદીઓને ઉગ્રવાદનું શિક્ષણ આપી શકે નહિ તે માટે ચૌધરી અને રહેમાનને જેલના નવા આઈસોલેશન યુનિટ્સમાં રાખવામાં આવશે. ચૌધરી-રહેમાનના રિમાન્ડને ગણતરીમાં લેવાયા પછી જ પેરોલના નિયમો અમલી બનશે અને તેમનું વર્તન સારું રહેશે તો આ બે ગુનેગારોને અઢી વર્ષથી વધુ સમય જેલના સળિયા પાછળ રાખી શકાશે નહિ. જજે બન્ને અપરાધીએ મુક્ત થયા પછી પણ ૧૫ વર્ષ સુધી તેઓ ક્યાંથી તેની જાણકારી પોલીસને આપતા રહેવાનો પણ નોટિફિકેશન ઓર્ડર કર્યો હતો.
તેમના ગુનાઓ માટે મહત્તમ ૧૦ વર્ષની સજા આપી શકાઈ હોત પરંતુ, ઓલ્ડ બેઈલીના જજ મિ. જસ્ટિસ હોલરોઈડે ચૌધરીને ઘણી હળવી સજા આપી હોવાનો મત નિષ્ણાતોએ દર્શાવ્યો છે. આ હળવી સજા સામે રોષ પણ પ્રવર્તી રહ્યો છે. પ્રોફેસર એન્થની ગ્લીસે જણાવ્યું હતું કે,‘આ સજાએ ન્યાયને હાસ્યાસ્પદ બનાવ્યો છે. તે અઢી વર્ષમાં જેલની બહાર હશે. આ અતિ ખતરનાક વ્યક્તિ છે, જેનાથી રક્ષણ મેળવવાનો આપણો અધિકાર છે. કોર્ટે ફરી એક વખત હળવી સજા ફરમાવી છે જે તેના માટે જરા પણ દાખલારુપ નથી.’
અંજેમ ચૌધરીનું નહિ, કાયદાનું શાસન આવશ્યક
સમાજમાં ૨૦ વર્ષ સુધી ઘૃણાના પ્રસારનું અભિયાન ચલાવનારા ઉગ્રવાદના ઉપદેશક અંજેમ ચૌધરીને ઓલ્ડ બેઈલી કોર્ટે મંગળવાર છઠ્ઠી સપ્ટેમ્બરે સાડા પાંચ વર્ષની કેદની સજા ફરમાવી છે તે પેનલ્ટી કદાચ યોગ્ય લાગતી હશે. આમ છતાં, આવા અપરાધ માટે ૧૦ વર્ષની મહત્તમ સજાની જોગવાઈ છે, જે ચૌધરી જેવા અપરાધી માટે વધુ યોગ્ય ગણાશે. એટર્ની જનરલે આ સજા વધુપડતી હળવી હોવાની ભૂમિકાએ અપીલ કરવાનું વિચારવું જોઈએ. આપણી ન્યાયપદ્ધતિની ખામી કે વિશેષતાના કારણે તે ૨૦૧૯ના પૂર્વાર્ધમાં મુક્ત થઈ જશે. જો કાયદાએ ચૌધરી અને તેના જેવા લોકો દ્વારા ઉભાં કરાતાં જોખમો સામે ખરેખર અવરોધક બનવાનું જ હોય તો કાયદાનો અમલ વધુ કડકાઈ સાથે કરવાની આવશ્યતા રહેશે.
ચૌધરી છૂટીને બહાર આવશે તો કદાચ કાયદાની યોગ્ય બાજુએ રહેવાની કાળજી અવશ્ય લેશે, કારણકે કાયદાના લાંબા હાથમાં જ તે પકડાયો હતો. તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવેન્ટ (Isil)ની તરફેણમાં સમર્થનની સક્રિય તરફેણ કરતો હોવાના પુરાવા હાથ લાગ્યા ત્યારે જ તેને એન્ટિ-ટેરરિઝમ કાયદા હેઠળ દોષિત થરાવી શકાયો હતો. કોર્ટમાં ચૌધરી અને તેના દ્વારા સંચાલિત પ્રતિબંધિત સંગઠનોને ત્રાસવાદના પ્રવેશદ્વાર ગણાવાયા સાથે ૨૦૧૩માં લી રિગ્બીના હત્યારાઓ સહિત યુવાનો અને યુવતીઓને કટ્ટરવાદી બનાવાયાની રજૂઆત થઈ હતી. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. Isilના જલ્લાદ તરીકે જેહાદી જ્હોનનું સ્થાન લેનારા ઉગ્રવાદી સિદ્ધાર્થ ધર પણ ચૌધરીથી પ્રભાવિત હતો.
આમ છતાં, તેને જ્યારે જેલમાં લઈ જવાતો હતો ત્યારે એક લાગણી એવી થતી હતી કે છેલ્લો વિજય તો ચૌધરીનો જ થયો છે. સજા અપાતી વખતે કોર્ટમાં ઉભા રહેવાનો તેણે ઈનકાર કર્યો ત્યારે પણ બ્રિટિશ મૂલ્યો પ્રતિ તિરસ્કાર સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો.
શા માટે બેનિફિટ્સ પર જીવો છો? કટ્ટરવાદીઓને જજનો સવાલ
ટ્રાયલ જજ મિ. જસ્ટિસ ટિમોથી વિક્ટર હોલરોઈડે પશ્ચિમને તિરસ્કારતા હોવાનો દાવો કરતા હોવા સાથે બેનિફિટ્સ પર નભતા ઈસ્લામિસ્ટ કટ્ટરવાદીઓને પડકાર ફેંક્યો હતો. અંજેમ ચૌધરી અને મોહમ્મદ નિઝાનુર રહેમાનને સજા સંભળાવતા અગાઉ જજે પ્રશ્ન કર્યો હતો કે, જે વ્યક્તિ આ દેશને ઘૃણા કરવાનો ઉપદેશ કરે છે તે આ દેશની ઉદારતા પર આધાર રાખવાનું કેવી રીતે પસંદ કરી શકે. આ પ્રશ્ન આપણે અલગ રીતે પૂછવો જોઈએઃ જે વ્યક્તિ દેશનો વિનાશ ઈચ્છતો હોય તેને નાણાકીય ટેકો દેશ શા માટે આપે છે?
ચૌધરી આટલા વર્ષ બેનિફિટ્સ પર જીવ્યો, પરંતુ હકીકત એ છે કે આ નાણા તેની પ્રવૃત્તિઓ માટે ચુકવાયા ન હતા. તેને કથિતપણે બીમાર માતાની સંભાળ લેવા માટે વર્ષે અંદાજે ૨૬,૦૦૦ પાઉન્ડ વેલ્ફેર પેમેન્ટના મળતા હતા. સરકારી બેનિફિટ્સ પર જીવતાં ચૌધરી, તેની પત્ની રુબાના અખ્તર અને પાંચ બાળકો નોર્થ-ઈસ્ટ લંડનના ઈલ્ફોર્ડમાં રહે છે. ચૌધરીએ યુકેમાં ૨૦ વર્ષ બેનિફિટ્સ પર ગાળ્યા છે અને સમયગાળામાં તેણે સરકાર પાસેથી ૫૦૦,૦૦૦ પાઉન્ડની રકમ ક્લેઈમ કરી હોવાનું મનાય છે. ચૌધરી આ નાણાને ‘Jihadiseekers’ Allowance’ તરીકે પણ ઓળખાવતો હતો અને અન્ય ઈસ્લામિક ઉગ્રવાદીઓને કામ કરવાના બદલે આ એલાવન્સ લેવાની સલાહ આપતો હતો.
આ દેશ તેની સહિષ્ણુતા માટે ગૌરવાન્વિત છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે ભારે નુકસાન કરવા માટે ખોટા ધાર્મિક ઔચિત્યનો તર્ક લડાવતા લોકોને નભાવવા કરદાતાઓએ શા માટે નાણા ચુકવવા જોઈએ. ચૌધરીને એક વખત પ્રશ્ન કરાયો હતો કે જે દેશને તે આટલી નફરત કરે છે તો તેની દયા (બેનિફિટિસ) પર શા માટે નભે છે, તેણે ઉત્તર વાળ્યો હતો કે, ‘તેઓ અમને નાણા આપે છે, પરંતુ અમે તેમની સિસ્ટર પર પ્રહાર કરીએ છીએ. જો મને સંપત્તિ આપવામાં આવશે તો હું ચોક્કસ લઈશ.’ હવે આપણે માર્ગ શોધવો રહ્યો કે તે જ્યારે મુક્ત થઈને બહાર આવે ત્યારે તેને આવા લાભ મળે નહિ.
સાંસદોએ હવે હેટ પ્રીચર્સને બેનિફિટ્સ મેળવતા અટકાવવા હોમ સેક્રેટરીને વધુ સત્તા આપવાની હિમાયત કરી છે. જોકે, પૂર્વ વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ઈયાન ડન્કન સ્મિથે ૨૦૧૩માં તેમના કાર્યકાળમાં કરાવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે ટેરરિઝમના શંકાસ્પદોને સરકારી બેનિફિટ્સ લેતા અટકાવવાની કોઈ કાનૂની જોગવાઈ નથી. જે લોકો દોષી સાબિત ન થાય તેમની સામે કોઈ પગલાં લઈ શકાતાં નથી અને સરકારી ભંડોળ પર નભતાં તેમના પરિવારજનોને લાભો નકારવાનું શક્ય નથી.


