લંડનઃ ત્રાસવાદીઓ સાથે સહાનુભૂતિ માટે જાણીતા કેજ જૂથ સાથે સંકળાયેલા ઈસ્લામિક એક્ટિવિસ્ટો ત્રાસવાદ સામે યુદ્ધની સરકારની પ્રીવેન્ટ પોલિસીને નબળી પાડવાનું અભિયાન ચલાવે છે. આ કાર્યકરો મુખ્ય પ્રવાહની બીબીસી સહિત સમાચાર સંસ્થાઓને સંકલિત સમાચારો પહોંચાડી સરકારની ત્રાસવાદવિરોધી નીતિ અંગે મુસ્લિમ કોમ્યુનિટીઝમાં ભય અને ગૂંચવાડો ફેલાવી રહ્યા છે.
ટેલિગ્રાફ અખબારની તપાસમાં બહાર આવ્યું છે કે પ્રીવેન્ટ વિશે તાજેતરમાં પ્રસિદ્ધ અહેવાલો ખોટાં અથવા વધારી-ચડાવીને કહેવાયા હતા. ઘણા કહેવાતા ‘સામાન્ય મુસ્લિમ’ અસરગ્રસ્તો વાસ્તવમાં પ્રીવેન્ટ વોચ નામના કેમ્પેઈન જૂથના સભ્યો હતા. મુસ્લિમોને સીરિયા માટે લડવા દેવાની માગણી કરતા કટ્ટરવાદી જૂથ મેન્ડ સાથે તેના સંબંધો છે. પ્રીવેન્ટ વોચ સંકળાયેલું છે તે કેજ ગ્રૂપે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટના હત્યારા જેહાદી જ્હોનનો બચાવ કર્યો હતો.
પ્રચારકથાઓમાં વર્ગમાં ઈકોટેરરિઝમ શબ્દપ્રયોગ કરવા બદલ લંડનની શાળાના મુસ્લિમ વિદ્યાર્થીની અપરાધી જેવી પૂછપરછ કરાયાનો પણ સમાવેશ થાય છે. આ વાત મીડિયા સમક્ષ લઈ જનારી માતા ઈફાત સ્મિથે પોતાની જાતને આઘાત પામેલી લંડનવાસી તરીકે ઓળખાવી હતી. વાસ્તવમાં તે પ્રીવેન્ટ વોચની અગ્ર સભ્ય અને ઈસ્લામિસ્ટ મુસ્લિમ બ્રધરહુડમાં અગ્રણી છે. આ સંસ્થા સેક્યુલર લોકશાહી સરકારના સ્થાને ઈસ્લામિક સરકાર સ્થાપવામાં માને છે. કોર્ટના ચુકાદામાં બાળકની શાળા અને સરકાર વિરુદ્ધ મિસિસ સ્મિથના કાનૂની દાવાને પાયાવિહોણો ગણાવી ફગાવી દેવાયો છે અને કોર્ટનો સમય વેડફવા બદલ ૧,૦૦૦ પાઉન્ડ ચુકવવા આદેશ કરાયો છે.

