લંડનઃ યુરોપિયન કોર્ટે ઈસ્લામિક ત્રાસવાદી અબુ હમઝાની ક્રિમિનલ ભૂતકાળ ધરાવતી મોરોક્કન પુત્રવધુને માનવ અધિકારના નિયમો આગળ ધરી બ્રિટનમાંથી તેને હદપાર કરી ન શકાય તેવો ચુકાદો આપ્યો છે. અબુ હમઝા બેલમાર્શ જેલમાં રખાયો હતો ત્યારે તેને મોબાઈલ સિમ કાર્ડ પહોંચાડવાના પ્રયાસમાં એક સંતાનની માતાને ૨૦૧૨માં એક વર્ષની સજા કરાઈ હતી. અબુ હમઝાના પુત્ર સાથે લગ્ન કરી તે ૨૦૦૩માં બ્રિટન આવી હતી. સાંસદો અને કેમ્પેઈનર્સે દલીલ કરી છે કે આવી હાસ્યાસ્પદ સ્થિતિનો અંત લાવવાનો એક માત્ર માર્ગ ઈયુમાંથી બહાર નીકળવાનો છે. હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન અને લેબર સાંસદ કિથ વાઝે પણ રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
મોરોક્કન અપરાધીને ડિપોર્ટ કરવાની હોમ ઓફિસની નિષ્ફળતાના આ કેસ બ્રિટનના સાર્વભૌમત્વ પર યુરોપના પ્રભાવ અંગેની ચિંતાને વધુ તીવ્ર બનાવશે. આ ઉપરાંત, બ્રિટનને ઈયુમાં રાખવાના તેમજ યુકે માટે સારી સોદાબાજીના ડેવિડ કેમરનના પ્રયાસને પણ ધક્કો પહોંચશે. વડા પ્રધાનની વાટાઘાટોમાં બ્રિટિશ કાયદાઓ પર યુરોપિયન કોર્ટની સત્તાનો મુદ્દો હજુ આવ્યો નથી. કેમરને જણાવ્યું હતું કે યુરોપિયન કાયદાઓ પર કોમન્સના સાર્વભોમત્વને પ્રસ્થાપિત કરે તેવી કાનૂની દરખાસ્તો તેઓ આગળ કરશે. યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના એડવોકેટ જનરલે કહ્યું હતું કે તેની હદપારી તેના બ્રિટિશ નાગરિક નાના પુત્રના પારિવારિક જીવનના માનવ અધિકારને ‘સૈદ્ધાંતિક’ નુકસાન પહોંચાડશે.
કન્ઝર્વેટિવ બેકબેન્ચર ફિલિપ ડેવિસે યુરોપ ઈમિગ્રેશન કોર્ટના આદેશનો ભંગ કરીને પણ હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, આ મહિલાનું નામ જાહેર નહિ કરવા સાથે તેમણે કહ્યું હતું કે આ દેશની સુરક્ષા માટે અતિ ગંભીર બાબત છે. વોટ લીવના સમર્થકોએ ઈયુથી દેશની સુરક્ષાના જોખમનો મુદ્દો આગળ ધર્યો હતો. અબુ હમઝાનું પ્રત્યાર્પણ યુએસને કરાયું છે અને ત્રાસવાદી અપરાધો માટે તેને આજીવન કારાવાસની સજા કરાઈ છે.


