ત્રાસવાદી સામગ્રી સાથે ઝડપાયેલા ત્રણ વ્યક્તિને કુલ ૧૪ વર્ષની જેલ

Wednesday 02nd June 2021 02:27 EDT
 
 

લંડનઃ ઇસ્લામિક આતંકવાદ સંબંધિત સામગ્રી સાથે મળી આવેલા પીટરબરાના મોહમ્મદ તાહિર (૧૯), માન્ચેસ્ટરના મુહમ્મદ સઈદ (૨૩) અને નોર્થ લંડનના મોહમ્મદ ઇસ્માઇલ (૨૩)ને ૨૦મે ગુરુવારે કિંગ્સટન ક્રાઉન કોર્ટે સંયુક્તપણે ૧૪ વર્ષની જેલની સજા ફરમાવી હતી. તેમણે અગાઉની સુનાવણીઓમાં ત્રાસવાદના અપરાધોમાં દોષી હોવાની કબૂલાતો કરી હતી.

કિંગ્સટન ક્રાઉન કોર્ટે જૂન ૨૦૨૦માં ગુનો કબૂલનારા સઇદને પાંચ કાઉન્ટ બદલ પાંચ વર્ષ, ડચ નાગરિક ઇસ્માઇલે ૨૦૨૦ની ૧૬ ઓક્ટોબરે ગુનો કબૂલ્યો હતો અને તેને આતંકવાદના પ્રકાશનના પ્રસારણના બે કાઉન્ટ માટે ચાર વર્ષ જ્યારે ૨૦૨૦ના નવેમ્બરમાં ગુનો કબૂલનારા તાહિરને આતંકવાદના પ્રકાશનના પ્રસારના ગુના બદલ દોષિત ઠરાવી પાંચ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

તાહિર, સઈદ અને ઇસ્માઇલે ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૧૯ના ગાળામાં ઇન્ટરનેટ ચેટ જૂથો પર એકબીજા સાથે વાતચીત કરવા ઉપરાંત, ઇસ્લામિક ઉગ્રવાદી માનસિકતા દર્શાવતા સંદેશાઓ મોકલ્યા હતા. તેઓ એકબીજાને ક્યારેય રુબરુ મળ્યા ન હતા. તેમણે ઉગ્રવાદી સામગ્રી, દાએશની પ્રચાર સામગ્રી, વિડિઓઝ અને આતંકવાદી હુમલાના જુદા જુદા પ્રકાર દર્શાવતા પ્રકાશનો શેર કર્યા હતા. એક વાતચીતમાં સઇદે છરી વડે લંડનમાં આતંકવાદી હુમલો કરવાની આવી હતી. ઓનલાઇન વાતચીતમાં, ત્રણેય વ્યક્તિઓએ દેશના લક્ષ્યો અને ‘ધર્મમાં નહિ માનનારા’ લોકો સામે હિંસક જેહાદનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

કેટલાંક મહિનાની તપાસ બાદ, મેટ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ દ્વારા ૨૦૧૯ની ૩૦ ડિસેમ્બરે તેમની ધરપકડ કરાઈ હતી અને ૨૦૨૦ની ૧૨ જાન્યુઆરીએ તેમના પર ચાર્જીસ લગાવાયા હતા. કમાન્ડના વડા કમાન્ડર રિચાર્ડ સ્મિથે કહ્યું હતું કે ‘તાહિર અને ઇસ્માઈલે આતંકવાદ સંબંધિત ગેરકાયદે દસ્તાવેજો અને સામગ્રી ઓનલાઇન શેર કરી હતી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter