લંડનઃ લગભગ ત્રીજા ભાગના બ્રિટિશ બિલિયોનેર્સ દેશ છોડીને ટેક્સ હેવન્સમાં સ્થળાંતર કરી ગયા છે અથવા તેની કાર્યવાહી કરી રહ્યા છે. બ્રિટનમાં ૯૩ બિલિયોનેર છે, જેમાંથી ૨૮ અન્યત્ર ચાલી ગયા છે અથવા તેની તૈયારીમાં હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. આના પરિણામે બ્રિટનને ટેક્સની આવકમાં ભારે માર પડે છે.
ધ ટાઈમ્સના વિશ્લેષણ અનુસાર બ્રિટનમાં સૌથી ધનવાનોમાં એક સર જિમ રેટક્લિફ જેવા બિલિયોનેર ટેક્સ ચુકવવો ન પડે તેવા ટેક્સ હેવન્સમાં સ્થળાંતર કરી રહ્યા છે. માત્ર મોનાકોમાં રહેતા બ્રિટિશ બિલિયોનેર પાસેથી યુકેને ટેક્સ રુપે વર્ષે એક બિલિયન પાઉન્ડની રકમ ગુમાવવી પડે છે. બ્રિટન બહાર રહેતા લોકોએ સ્થાનિક કરવેરાના કાયદાનું પાલન કરવું પડે છે પરંતુ, તેઓ HMRCને ડિવિડન્ડ્સમાં ૩૮.૧ ટકા અથવા શેરોના વેચાણમાં ૨૦ ટકા જેવી જંગી રકમો ચૂકવવાનું ટાળે છે.
HMRC કહે છે કે તેની પાસે નુકસાનના સત્તાવાર આંકડા નથી પરંતુ, અગાઉના અંદાજો મુજબ યુકેને માત્ર મોનાકોમાં રહેતા બ્રિટિશ લોકો પાસેથી વાર્ષિક ટેક્સમાં એક બિલિયન પાઉન્ડ જેટલી રકમ ગુમાવવી પડે છે. મોનાકો બ્રિટિશ બિલિયોનેર્સ માટે સૌથી પસંદગીનું ટેક્સ હેવન છે. આ પછી, ચેનલ આઈલેન્ડ્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને આઈલ ઓફ મેન આવે છે. મોનાકો સ્થળાંતર કરનારાઓમાં બ્રિટનના સૌથી ધનવાન સર જિમ રેટક્લિફનો સમાવેશ થાય છે. રિપોર્ટ્સ અનુસાર રેવન્યુ વિભાગને કર તરીકે ચાર બિલિયન પાઉન્ડ જેટલી રકમ ગુમાવવી પડી શકે છે.
નિષ્ણાતો બિલિયોનેર્સના સ્થળાંતર માટે લેબર પાર્ટીની સરકારે ૨૦૧૦માં સૌથી વધુ આવક રળનારાઓ પર જે ભારે ઈન્કમ ટેક્સ લાદ્યો હતો તેને જવાબદાર ગણાવી રહ્યા છે. જોકે, ત્રણ વર્ષ પછી ટોરી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને આ કરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.