ત્રીજા લોકડાઉનને કોમન્સની બહાલી

Wednesday 13th January 2021 04:48 EST
 

લંડનઃ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સે બુધવાર ૬ જાન્યુઆરીએ માર્ચ મહિના સુધીના ઈંગ્લેન્ડમાં નવા કડક ત્રીજા નેશનલ લોકડાઉનને ૫૨૪ વિરુદ્ધ ૧૬ મતથી બહાલી આપી હતી. ત્રીજા લોકડાઉનમાં કડકપણે ઘરમાં રહેવા તેમજ શાળાઓ બંધ કરવાનો સમાવેશ થાય છે. વડા પ્રધાન જ્હોન્સને નવા લોકડાઉન નિયમોનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમની સમક્ષ આવા કડક અંકુશો લાદવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

નવા નિયંત્રણોના અંતની ચોક્કસ તારીખ જાહેર કરવાની માગણી કરનારા બળવાખોર ટોરી સભ્યોને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મનાવી લીધા હતા. આ નિયંત્રણોની સમીક્ષા ફેબ્રુઆરીની મધ્યમાં કરાશે પરંતુ તેના કાયદા માર્ચના અંત સુધી યથાવત રહેશે. જોકે, લેબર પાર્ટીએ સરકારને ટેકો આપવાની જાહેરાત કરવા સાથે મતદાનનું પરિણામ અગાઉથી નિશ્ચિત જ હતું. નવા નિયંત્રણો ૫૦૮ની બહુમતીથી પસાર કરાયા હતા. જોકે, બેકબેન્ચ ૧૯૨૨ કમિટીના ચેરમેન ગ્રેહામ બ્રેડી, પૂર્વ મિનિસ્ટર્સ એસ્થર મેક્વે અને ડેસમન્ડ સ્વાયની સહિત ૧૨ ટોરી સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું. બળવાખોરોએ જ્હોન્સન પર આઝાદી અને જીવનનિર્વાહ પર આક્રમણનો આક્ષેપ લગાવ્યો હતો.

જહોન્સને લોકડાઉન નિયમો સ્પ્રિંગમાં ઉઠાવી લેવાશે તેવી આશા વ્યક્ત કરી હતી પરંતુ, નક્કર તારીખ આપવાની અસમર્થતા દર્શાવી હતી. આના પરિણામે, કડક નિયંત્રણો સાત સપ્તાહ કરતાં પણ વધુ લંબાવાશે તેવો ભય ટોરી સભ્યોમાં જણાયો હતો. વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે લોકડાઉન એક ઝાટકે ઉઠાવી નહિ લેવાય પરંતુ, તબક્કાવાર નિયંત્રણો દૂર કરાશે. આના કારણે જીવન ઝડપથી સામાન્ય બની રહેશે તેવી આશા પર પાણી ફેરવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter