ત્રીજા લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડમેપ ૨૨ ફેબ્રુઆરીએ જાહેર કરાશે

Wednesday 10th February 2021 04:10 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ ખોલવાની યોજના સાથે ત્રીજા નેશનલ લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડમેપ ૨૨ ફેબ્રુઆરીની સમીક્ષા સમયે જાહેર કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે શાળાઓ ૮ માર્ચ પહેલા નહિ ખોલાય અને સંક્રમણનું સ્તર હજુ ઊંચું છે ત્યારે વર્તમાન નિયંત્રણો હળવા કરવાનું ઘણું વહેલું ગણાશે. આ ગાળામાં વેક્સિનની અસરકારકતા વિશે વૈજ્ઞાનિકોને પણ પૂરતો ખ્યાલ આવી જશે. જોકે, ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ લોકડાઉના નિયંત્રણોમાં ગણનાપાત્ર હળવાશની શક્યતા પર ઠંડુ પાણી રેડી દીધું હતું. વડા પ્રધાન જ્હોન્સને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે સરકાર ૨૨ ફેબ્રુઆરીએ લોકડાઉનમાંથી બહાર નીકળવા બાબતે રોડમેપ જાહેર કરશે.

તેમણે કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં શાળાઓ ખોલવા માટે ૮ માર્ચ યોગ્ય તારીખ હોવાનું સરકાર માને છે. ત્રણ સપ્તાહ પછી સૌથી અસલામત જૂથોને કોવિડ વેક્સિન આપી દેવાઈ હશે અને રોગ પ્રતિકારકતા પણ આવી હશે. આપણી પાસે આગળ વધવાનું ટાઈમટેબલ છે અને પાછા જવા માગતા નથી. NHS ટ્રેસ અને ટેસ્ટ ૯૦ ટકા કોન્ટેક્ટ્સને પહોંચે છે. તેની પાસે રોજના ૮૦૦,૦૦૦ લોકો સુધી પહોંચવાની વિશાળ ક્ષમતા છે.

લોકડાઉન હળવું થવાની વધુ આશા ન રાખશો

પ્રોફેસર ક્રિસ વ્હિટીએ જણાવ્યું હતું કે માર્ચમાં લોકડાઉન હળવું કરાશે તે વિશે વધુપડતી આશા રાખશો નહિ. લોકડાઉનના કઠોર પગલાં માર્ચથી પણ આગળ અમલી રાખવાની જરુર પડશે. ૭૦થી વધુ વયના લોકોને વેક્સિન આપી દેવાયા પછી પણ NHS પરનું ભારણ ઓછું થાય તેમ લાગતું નથી.

પ્રોફેસર વ્હિટીએ કહ્યું હતું કે શાળાઓ બાળકો માટે સલામત સ્થળ છે. શાળાઓ ખોલવાની તારીખનો નિર્ણય મિનિસ્ટર્સ પાસે છે પરંતુ, બાળકોને કોવિડ-૧૯નો ચેપ લાગવાની શક્યતા સૌથી ઓછી છે. ઈંગ્લેન્ડમાં કોરોનાનો વધુ પ્રમાણમાં ચેપી વેરિએન્ટ પ્રસરતો અટકાવવા શાળાઓ બંધ કરવી પડી છે. સંક્રમણ દર ધીરે ધીરે નીચે આવતો જાય છે પરંતુ, હજી તે નોંધપાત્રપણે ઊંચો છે. કોમ્યુનિટીમાં વાઈરસનો દર ઊંચો હોવાથી આપણે વેક્સિનની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ જરુરી રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વેક્સિનેશન પછી ઈમ્યુનિટી મજબૂત બનતા કેટલાક સપ્તાહ લાગી જાય છે.

NHS પરનું ભારણ ઓછું નહિ થાય

લોકડાઉનના પરિણામે બ્રિટનમાં કોરોનાના બીજાં મોજાંને હઠાવાયું છે અને રોગચાળો અંકુશ હેઠળ લવાયો છે છતાં, ૩૫,૦૦૦ કોવિડ પેશન્ટ્સ હજુ હોસ્પિટલોમાં છે જે ગત સ્પ્રિંગ- એપ્રિલમાં રોગના ઊંચા શિખર વખતે ૨૦,૦૦૦ પેશન્ટ્સ કરતા ઘણા વધારે છે. ૫૦થી વધુ વયના સહિત બાકીના છ પ્રાયોરિટી ગ્રૂપ્સને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી ન દેવાય ત્યાં સુધી તો NHS પરનું ભારણ ઓછું નહિ થાય. એક અભ્યાસ અનુસાર જાન્યુઆરીની મધ્ય સુધીમાં ઈંગ્લેન્ડમાં સાતમાંથી આશરે એક વ્યક્તિમાં એન્ટિબોડીઝ આવી ગયા હતા. હેલ્થ ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ દર સપ્તાહે અગાઉની સરખામણીએ કોરોના કેસીસ અને મૃત્યુમાં આશરે ૨૫ ટકાનો ઘટાડો થતો જાય છે. એમ પણ જણાવાયું હતું કે ૧૦ મિલિયન અસલામત બ્રિટિશરોએ કોરોના વાઈરસ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે અને ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વેક્સિન મેળવનારા સૌથી અસલામત લોકોની સંખ્યા ૧૪ મિલિયન જેટલી થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter