લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટને વધુ સુરક્ષિત બનાવવા નવા પગલાંઓ લેવાયા છે. થેમ્સ નદીને કારણે પાર્લામેન્ટ પર જોખમની શક્યતા નિહાળતા નદીમાં સશસ્ત્ર સૈિનકો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્લામેન્ટના ૧૫,૦૦૦ કર્મચારીને નવા આઈડી કાર્ડ પણ જારી કરવામાં આવશે. વર્તમાન સિસ્ટમમાં અનેક છીંડા હોવાનું બહાર આવ્યા પછી નવા પગલાં વિચારાયાં હતાં
બ્રિટિશ પાર્લામેન્ટને નિહાળવા મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા રહે છે ત્યારે તેમના પર નજર રાખવાનું સરળ નથી. આ મુલાકાતી પાસીસની સંખ્યા ઘટાડવામાં આવશે. થોડા વખત પહેલાં જ બનાવટી પાસ પર એક મુલાકાતીએ પાર્લામેન્ટમાં ૧૨ કલાક વીતાવ્યા હતા. રાજકારણીઓ અને તેમનો સ્ટાફ, પત્રકારો, બિલ્ડર્સ, ક્લિનર્સ, રસોઈયાઓ સહિત લોકોને પાસ આપવામાં આવ્યા છે. નવા અપાનારા પાસીસમાં ખાસ હોલોગ્રામનો ઉપયોગ કરવામાં આવશે.
સંસદની આસપાસ ૩ ફૂટ ઊંચી વાડ સલામતી માટે જોખમી હોવાનું જણાયું હતું. તાજેતરમાં સંસદના વિરામ દરમિયાન સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી. આ પછી અધિકારીઓએ નદીમાં નવા અવરોધો ઊભાં કરવાની ભલામણ કરી હતી. આ સ્થળેથી કોઈપણ હુમલાખોર સંસદમાં પ્રવેશી ૧૦૦થી વધુ સાંસદોને બંધક બનાવી શકે છે.


