લંડનઃ યુકેની સૌથી મોટી વોટર કંપની થેમ્સ વોટર તેના 14 બિલિયન પાઉન્ડના દેવાને ચૂકવવામાં નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થતાં સરકાર કન્ટીજન્સી પ્લાન તૈયાર કરી રહી છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર જો આગામી સપ્તાહોમાં કંપની પ્રાઇવેટ ફાઇનાન્સ મેળવવામાં નિષ્ફળ જાય તો તેનું હંગામી રાષ્ટ્રીયકરણ કરવા સહિતના પગલાં અંગે પર્યાવરણ મંત્રાલય ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફવોટ સાથે ચર્ચા કરી રહ્યું છે.
વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી મેલ સ્ટ્રાઇડે જણાવ્યું હતું કે, સરકાર અને ઓફવોટ કોઇપણ પ્રકારની સ્થિતિ માટે તૈયાર છે. મને વિશ્વાસ છે કે થેમ્સ વોટર સાથે ગમે તે થાય પરંતુ પાણીનો પૂરવઠો જારી રહેશે. ઓફવોટના અધિકારી થેમ્સ વોટર કંપનીની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. સરકારે થેમ્સ વોટર કંપની માટે ઇમર્જન્સી વ્યવસ્થાઓ તૈયાર રાખી છે જેથી કોઇપણ સ્થિતિમાં પાણીનો પૂરવઠો જારી રાખવાના પગલાં લઇ શકાય.
અખબારી અહેવાલ પ્રમાણે સરકાર અને ઓફવોટે થેમ્સ વોટર કંપનીને સ્પેશિયલ એડમિનિસ્ટ્રેશન હેઠળ મૂકવાની તૈયારી કરી લીધી છે જેથી કંપનીને હંગામી ધોરણે સરકારના નિયંત્રણ હેઠળ લાવી શકાય.
થેમ્સ વોટરના સીઇઓ સારાહ બેન્ટલીનું રાજીનામું
કંપની દ્વારા અપાયેલા 1.6 મિલિયન પાઉન્ડના ભથ્થાં અને ગટરોમાં લીકેજના કારણે થતી ટીકાઓના પગલે થેમ્સ વોટર કંપનીના સીઇઓ સારાહ બેન્ટલીએ તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. તેઓ 3 વર્ષ કરતાં પણ ઓછા સમય માટે કંપનીના સીઇઓ પદે રહ્યાં હતાં.


