થેરેસા ઐતિહાસિક બ્રેક્ઝિટ વોટ હાર્યાં, પણ વિશ્વાસનો મત જીત્યાં

બ્રેક્ઝિટ મુદ્દે થેરેસા મેનો ૨૦૨ વિરુદ્ધ ૪૩૨ મતે ઐતિહાસિક પરાજયઃ નો-કોન્ફિડન્સ વોટમાં ૩૨૫ વિરુદ્ધ ૩૦૬ મતથી વિજેતા

Thursday 17th January 2019 02:33 EST
 
 

વડા પ્રધાન થેરેસા મે તેમની બ્રેક્ઝિટ સમજૂતી પર ઐતિહાસિક ૨૦૨ વિરુદ્ધ ૪૩૨ મતથી પરાજય મેળવ્યાં પછી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને રજૂ કરેલા નો-કોન્ફિડન્સ વોટમાં ૩૨૫ વિરુદ્ધ ૩૦૬ મતના વિજય સાથે ઉગરી ગયાં છે. જોકે, તેમના માટે રાજકીય કટોકટી પૂર્ણ થઈ નથી. બ્રિટિશ પાર્લામેન્ટમાં ૧૫ જાન્યુઆરી, મંગળવારની રાત ઐતિહાસિક અને નિર્ણાયક બની રહી હતી. વડા પ્રધાન થેરેસા મેએ બ્રસેલ્સ સાથે ત્રણ વર્ષ લાંબી વાટાઘાટોના અંતે ઘડેલાં બ્રેક્ઝિટ પેકેજને કોમન્સમાં ૧૫ જાન્યુઆરીના મતદાનમાં સાંસદોએ ૨૩૦ મતની ઐતિહાસિક અને અભૂતપૂર્વ બહુમતીથી પરાજિત કર્યું હતું. થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીની તરફેણમાં ૨૦૨ અને વિરુદ્ધમાં ૪૩૨ મત પડ્યા હતા. ટોરી પાર્ટીના ૧૧૮ બળવાખોર સાંસદો અને સત્તામાં સમર્થક ડીયુપીના ૧૦ સાંસદોએ સમજૂતી વિરુદ્ધ મતદાનમાં લેબર પાર્ટી, લિબરલ ડેમોક્રેટ્સ, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અન્ય પક્ષોને સાથ આપ્યો હતો. ગત સદીમાં શાસક પક્ષ માટે આ સૌથી મોટો પરાજય છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને રજૂ કરેલા નો-કોન્ફિડન્સ વોટ પર બુધવાર, ૧૬ જાન્યુઆરીની રાત્રે મતદાન યોજાયું હતું, જેમાં થેરેસા મે ૩૨૫ વિરુદ્ધ ૩૦૬ મતથી વિજેતા નીવડ્યાં હતાં. આ પછી તેમણે વિપક્ષી નેતાઓ સાથે ભાવિ પગલાં વિશે વાતચીત આરંભી હતી. જોકે, લેબર નેતા કોર્બીને વાતચીતમાં જોડાવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

થેરેસા મે નો-કોન્ફિડન્સ વોટમાં વિજેતાઃ નેતાઓ સાથે વાતચીતનો આરંભ

બ્રેક્ઝિટ સમજૂતી પર ઐતિહાસિક પરાજય પછી થેરેસા મે તેમની સરકાર સામે રજૂ કરાયેલા અવિશ્વાસ મતમાં ૩૨૫ વિરુદ્ધ ૩૦૬ મતથી વિજયી નીવડતાં તેમણે થોડી હાશ અનુભવી હતી. ટોરી પાર્ટીના બળવાખોરો તેમજ સરકારને સમર્થન આપતા ડીયુપીના ૧૦ સાંસદોએ થેરેસા મેમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. જો તેઓ આ મતદાનમાં હારી ગયાં હોત તો લેબર પાર્ટીની માગણી અનુસાર સામાન્ય ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હોત. થેરેસા મેએ તમામ પક્ષના નેતાઓને બ્રેક્ઝિટ મુદ્દે ઉપાય શોધવામાં સાથ આપવા અનુરોધ કરવા સાથે વાતચીત આરંભી હતી. જોકે, શ્રીમતી મે નો-ડીલ નહિ લાવવા ખાતરી આપે તો જ વાતચીતમાં જોડાશે તેમ કહી લેબર નેતા કોર્બીને મેના અનુરોધને ઠુકરાવી દીધો હતો. કોર્બીનના આવા વલણ સામે ટોરી અને લેબર સાંસદોએ રોષ દર્શાવ્યો હતો. સાંસદોએ કહ્યું હતું કે ડાબેરી નેતા કોઈ શરત વિના ત્રાસવાદીઓ સાથે બેસવા તૈયાર છે પરંતુ, દેશ સામેની સૌથી મોટી કટોકટીને ઉકેલવા યુકેમા નેતાને મળવા નકારે છે.

મેએ કહ્યું હતું કે તેમણે લિબ ડેમ નેતા વિન્સ કેબલ, સ્કોટિશ નેશનલ પાર્ટીના નેતા ઈયાન બ્લેકફોર્ડ અને પ્લેઈડ સિમરુના લિઝ સેવિલ રોબર્ટ્સ સાથે સકારાત્મક બેઠકો યોજી હતી. તેઓ ડીયુપીના નેતા અર્લેન ફોસ્ટરને પણ મળ્યાં હતાં.

બ્રિટિશ પાર્લામેન્ટમાં ૧૫ જાન્યુઆરી, મંગળવારની રાત ઐતિહાસિક અને નિર્ણાયક બની રહી હતી. વડા પ્રધાન થેરેસા મેએ બ્રસેલ્સ સાથે ત્રણ વર્ષ લાંબી વાટાઘાટોના અંતે ઘડેલાં બ્રેક્ઝિટ પેકેજને કોમન્સમાં ૧૫ જાન્યુઆરીના મતદાનમાં સાંસદોએ ૨૩૦ મતની ઐતિહાસિક અને અભૂતપૂર્વ બહુમતીથી પરાજિત કર્યું હતું. થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીની તરફેણમાં ૨૦૨ અને વિરુદ્ધમાં ૪૩૨ મત પડ્યા હતા. ટોરી પાર્ટીના ૧૧૮ બળવાખોર સાંસદો અને સત્તામાં સમર્થક ડીયુપીના ૧૦ સાંસદોએ સમજૂતી વિરુદ્ધ મતદાનમાં લેબર પાર્ટી, લિબરલ ડેમોક્રેટ્સ, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અન્ય પક્ષોને સાથ આપ્યો હતો. ગત સદીમાં શાસક પક્ષ માટે આ સૌથી મોટો પરાજય છે. પાર્લામેન્ટની બહાર બ્રેક્ઝિટતરફી અને વિરોધીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે ગૃહમાં વડા પ્રધાન મેએ સાંસદોના ચુકાદાને તત્કાળ સ્વીકારી લીધો હતો અને સરકારમાં અવિશ્વાસના પ્રસ્તાવને આવકારશે તેમ જણાવતાં જ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કહ્યું હતું કે અન્ય વિપક્ષી નેતાઓના સમર્થન સાથે લેબર પાર્ટીએ સત્તાવાર નો-કોન્ફિડન્સ મોશન રજૂ કરી છે. જોકે, વડા પ્રધાન મેને રાહત સમાન જાહેરાતમાં ટોરી પાર્ટીના બળવાખોર સહિત તમામ સાંસદો અને ડીયુપીએ સરકારની તરફેણમાં જ મતદાન કરવાની સ્પષ્ટતા કરી હતી, જેથી લેબર પાર્ટી સામાન્ય ચૂંટણી લાવી શકે તેની શક્યતા ઘટી છે.

હવે વડા પ્રધાન મે તેઓ કઈ દિશામાં આગળ વધવા માગે છે તે અંગે ૨૧ જાન્યુઆરી, સોમવારે નિવેદન કરશે. સાંસદોને તેમાં સુધારાવધારા કરવાની પણ તક મળશે અને નોર્વે સ્ટાઈલનું સોફ્ટ બ્રેક્ઝિટ, કેનેડા સ્ટાઈલનું ફ્રી ટ્રેડ બ્રેક્ઝિટ તેમજ સેકન્ડ રેફરન્ડમ સહિતના વિકલ્પો પણ બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે યુકે ૨૯ માર્ચે ઈયુમાંથી બહાર નીકળશે તે અગાઉ તમામ વિકલ્પો વિશે વિચારણા કરી લેવાની રહેશે.

ઈયુ અને યુકેના નાગરિકો સ્પષ્ટતા માગે છેઃ થેરેસા

પરિણામ બાદ દેખીતી રીતે જ આઘાતગ્રસ્ત થેરેસા મેએ જણાવ્યું હતું કે, ‘સરકાર આ અવશ્ય સાંભળશે.’ શ્રીમતી મેએ વ્યંગમાં કહ્યું હતું કે, ‘હાઉસ આ ડીલને સમર્થન નથી કરતું એ તો સ્પષ્ટ છે. પરંતુ, આજનો મત આપણને તે શેનું સમર્થન કરે છે તે પણ કહેતો નથી. પાર્લામેન્ટે જે જનમત લેવાનો નિર્ણય કર્યો હતો તેમાં બ્રિટિશ પ્રજાની ઈચ્છાને માન આપવા શું અને કેવી રીતે કરાશે તે કશું જ જણાવાયું નથી. લોકો અને ખાસ કરીને અહીં ઘર કરીને રહેતા ઈયુ નાગરિકો અને ઈયુમાં રહેતા બ્રિટિશ નાગરિકો આ પ્રશ્નોની વેળાસર સ્પષ્ટતા કરાય તેમ ઈચ્છે છે. જેમની નોકરીઓ ઈયુ સાથે આપણા વેપારને આધારિત છે તેઓ પણ આ સ્પષ્ટતા ઈચ્છે છે.’ શ્રીમતી મેએ બ્રેક્ઝિટ ડીલમાંથી આઈરિશ બોર્ડર બેકસ્ટોપ જોગવાઈ રદ કરવાની તેમને સત્તામાં સમર્થન આપતા ડીયુપીની માગણીને ફગાવતાં કહ્યું હતું કે તેઓ સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમના વડા પ્રધાન છે અને રાષ્ટ્રીય હિતમાં ન હોય તેવી કોઈ બાબતની ભલામણ કરશે નહિ. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર છે. જેરેમી કોર્બીને આ પડકાર ઝીલી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે થેરેસા હવે અંતિમ રેખાએ પહોંચી ગયાં છે અને સામાન્ય ચૂંટણી હવે અતિ આવશ્યક છે.

ડીલવિરોધી જૂથોમાં આનંદ ફેલાયો

બ્રેક્ઝિટ બિલ ફગાવી દેવાયાના સમાચાર પ્રસરતા જ પાર્લામેન્ટની બહાર એકત્ર અગણિત વિરોધીઓએ તેને હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા. ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ જણાવ્યું હતું કે કારમા પરાજયનું આ પરિણામ બ્રેક્ઝિટ પ્રોસેસને વધુ અરાજકતામાં ધકેલી દેશે. હવે વરિષ્ઠ પાર્લામેન્ટેરિયનોએ માર્ગ શોધવા સાથે આવવું પડશે. ઈયુમાંથી યુકેના બહાર નીકળવાની શક્યતા ઓછી હોવાનું જણાતા બજારો સુધર્યાં હતાં અને યુએસ ડોલર અને યુરોની સામે પાઉન્ડમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. થેરેસા બ્રેક્ઝિટ સમજૂતી ફગાવી દેવાતાં રીમેઈનર્સ અને બ્રેક્ઝિટીઅર્સ જૂથોમાં આનંદ ફેલાયો હતો. પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને તો જણાવ્યું હતું કે આ તો તેમની ધારણાથી પણ વધુ છે અને તેમણે આઈરિશ બોર્ડર બેકસ્ટોપ જોગવાઈ પડતી મૂકવા માગણી કરી હતી. ઈયુતરફી જૂથોએ આ પરિણામનો લાભ લઈ સેકન્ડ રેફરન્ડમની માગણી દોહરાવી હતી. સ્કોટિશ નેશનલ પાર્ટીના સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સરકારના પરાજયને વધાવી લીધો હતો જ્યારે, લિબરલ ડેમોક્રેટસે આ હારને ‘બ્રેક્ઝિટના અંતના આરંભ’ તરીકે ગણાવી હતી.

નો-કોન્ફિડન્સ વોટનું પરિણામ અલગ હશે

ચોતરફથી ઘેરાયેલાં અને ઘવાયેલાં વડા પ્રધાન થેરેસા મે લેબર પાર્ટીના નેતા દ્વારા મૂકાયેલા નો-કોન્ફિડન્સ વોટના કારણે વધુ એક રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યાં છે. જોકે, કટોકટીની આ વૈતરણી પાર ઉતરવાની શક્યતા વધુ છે કારણકે બોરિસ જ્હોન્સન સહિત યુરોસ્કેપ્ટિક્સ (યુરોસંશયી) ટોરી બળવાખોરો અને ડીયુપીએ તેમને સમર્થન જાહેર કરી દીધું છે. જો આ મતમાં પણ સરકારનો પરાજય થશે તો જનરલ ઈલેક્શનનો માર્ગ મોકળો બનશે. જો વડા પ્રધાન અવિશ્વાસના મતમાંથી પાર ઉતરે તો કોર્બીનને સેકન્ડ બ્રેક્ઝિટ રેફરન્ડમના દબાણનો સામનો કરવો પડશે. જોકે, લેબર નેતા જેરેમી કોર્બીનના પ્રવક્તાએ સંકેત આપ્યો હતો કે બુધવારનો પ્રસ્તાવ મતદાનમાં નિષ્ફળ જાય તો લેબર પાર્ટી બીજો નો-કોન્ફિડન્સ પ્રસ્તાવ લાવી શકે છે. થેરેસા મેની ઈયુ સમજૂતીને ૪૩૨ વિરુદ્ધ ૨૦૨ મતથી પરાજિત કરવામાં ૧૧૮ ટોરી બળવાખોરોએ લેબર પાર્ટીને સાથ આપ્યો હતો. અગાઉ, ૧૯૨૪માં લેબર પાર્ટીની લઘુમતી સરકારનો ૧૬૬ મતથી પરાજય થયો હતો તેની સરખામણીએ થેરેસા સરકારનો ૨૩૦ મતથી પરાજય અભૂતપૂર્વ અને ઐતિહાસિક બન્યો છે. ડીયુપી નેતા અર્લેન ફોસ્ટરે જણાવ્યું હતું કે કોન્ફિડન્સ વોટમાં તેમની પાર્ટી સરકારનું સમર્થન કરશે.

યુરોપિયન યુનિયને આઘાત વ્યક્ત કર્યો

યુરોપીય યુનિયને આ હાર અંગે આઘાત વ્યક્ત કર્યો હતો. ઈયુ કમિશનના પ્રમુખ જીન ક્લૌડ-જુન્કરે સમજૂતીને સૌથી શ્રેષ્ઠ ગણાવી દિલગીરી સાથે જણાવ્યું હતું કે હવે નો-ડીલ બ્રેક્ઝિટની શક્યતા ઘણી વધી છે. ઈયુ કાઉન્સિલના વડા ડોનાલ્ડ ટસ્કે સંકેત આપ્યો હતો કે તેમના મતે બ્રેક્ઝિટ રદ થઈ શકે છે. તેઓ હવે બ્રેક્ઝિટમાંથી પાછા વળાય તેમ ઈચ્છે છે. બ્રેક્ઝિટ સમજૂતીની હારના પગલે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલે યુકેને વધુ છૂટછાટની ખાતરી આપી હોવાના દાવાને જર્મન સરકારે ફગાવી દીધો હતો. જોકે, જર્મન ફોરેન મિનિસ્ટર હેઈકો માસે મંત્રણાઓ પુનઃ કરી શકાય તેવું સૂચન કર્યું છે.

ભાવિ પગલાં વિશે કેબિનેટમાં મતભેદ

ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ જણાવ્યું હતું કે મે બ્રેક્ઝિટ મુદ્દે નિરાકરણ અને નવો માર્ગ શોધવા તમામ પક્ષોના વરિષ્ઠ સાંસદોને મળશે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ સમજૂતીનો ઉકેલ શોધવાની કવાયતમાં તેઓ બીજા જનમતની તરફેણ કરતા તેમજ સંપૂર્ણ કસ્ટમ્સ યુનિટનના હિમાયતી લેબર પાર્ટીના સાંસદો સાથે વાતચીતને નજરઅંદાજ નહિ કરે. બ્રસેલ્સ સાથે ત્રણ વર્ષ લાંબી વાટાઘાટોની મહેનતના અંતે ઘડી કઢાયેલા બ્રેક્ઝિટ પેકેજને કારમી હાર સાંપડતા રાજકારણીઓ સ્તબ્ધ છે. જોકે, ભાવિ રણનીતિ બાબતે થેરેસા કેબિનેટમાં ભારે મતભેદ પ્રવર્તે છે. અમ્બર રડ, ડેવિડ ગૌકે અને ડેવિડ લિડિંગ્ટન પાર્લામેન્ટમાં ‘ઈન્ડિકેટિવ’ વોટની તરફેણ કરે છે જ્યારે, સાજિદ જાવિદ, એન્દ્રેઆ લીડસોમ અને જેરેમી હન્ટ તેના વિરોધમાં છે. પૂર્વ ફોરેન સેક્રેટરી જ્હોન્સને જણાવ્યું હતું કે ઈયુ સમક્ષ જઈ નવા એક્ઝિટ પેકેજની પુનઃ વાટાઘાટ માટે હજુ સમય છે. પૂર્વ મિનિસ્ટર્સ નિક બોલ્સ, નિકી મોર્ગન અને સર ઓલિવર લેટવિન બ્રેક્ઝિટ મુદ્દાનો અંકુશ પાર્લામેન્ટ હસ્તક રહે તેની યોજના આગળ વધારવા મક્કમ છે. જોકે, ડિસેમ્બર મહિનામાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ થેરેસા મેની નેતાગીરી સામે અવિશ્વાસ પ્રસ્તાવને બહુમતીથી ફગાવી દીધા પછી પાર્ટીના નિયમો અનુસાર આગામી ૧૨ મહિના સુધી તેમની નેતાગીરીને પડકારી શકાય તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter