થેરેસા-કોર્બીનની વાટાઘાટઃ સોફ્ટ બ્રેક્ઝિટ માટે તૈયારી

એક વર્ષના ફ્લેક્સીબલ વિલંબની ઓફરઃયુકે પોલમાં હવે નો-ડીલની તરફેણઃથેરેસા કસ્ટમ્સ યુનિયનની કોર્બીનની માગણી સ્વીકારી શકેઃ

Wednesday 10th April 2019 01:50 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મે ઈયુમાંથી બહાર નીકળવા ૩૦ જૂન સુધી ટુંકી મુદતના વિલંબ માટે ફ્રાન્સ અને જર્મનીના નેતાઓને સમજાવવા આ દેશોની મુલાકાતે પહોંચ્યા છે. આર્ટિકલ-૫૦ની મુદત લંબાવવા મુદ્દે ઈયુ નેતાઓની બેઠક ૧૦ એપ્રિલે બ્રસેલ્સમાં મળી રહી છે. જો કોઈ સમજૂતી ન થાય તો યુકે ૧૨ એપ્રિલે યુકેમાંથી નીકળશે પરંતુ સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળવાની શક્યતા સંસદીય કાયદાથી ખતમ થઈ છે. આમ ઘણી અરાજક પરિસ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં થેરેસા મેએ લેબર નેતા જેરેમી કોર્બીન સાથે બે વખત મંત્રણાઓ કરી હતી પરંતુ, તેમાં કોઈ સફળતા મળી નથી. આમ છતાં, હવે ટેલિફોન દ્વારા વાતચીત ચાલુ કરાઈ છે. થેરેસા મેએ સ્પષ્ટ કર્યું છે કે હવે લેબર પાર્ટીના સહયોગ વિના બ્રેક્ઝિટ શક્ય નહિ બને.

બીજી તરફ, બ્રિટન કોઈ સમજૂતી વિના (નો-ડીલ) ઈયુમાંથી બહાર નીકળી શકે નહિ તેવી વડા પ્રધાનને ફરજ પાડતા બેકબેન્ચર્સના ખરડાને પાર્લામેન્ટે માત્ર ત્રણ દિવસમાં ઐતિહાસિક મંજૂરી આપી છે. લેબર પાર્ટીના ઈવેટ કૂપર અને ટોરી પાર્ટીના સર ઓલિવર લેટવિન દ્વારા અસાધારણ સંજોગોમાં મૂકાયેલા બિલને સોમવારે સાંજે કોમન્સ અને તે જ રાત્રે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પસાર કરાયું હતું. કોમન્સના આખરી તબક્કામાં આ બિલ ૩૯૨ વિરુદ્ધ ૮૫ એટલે કે ૩૦૭ મતની બહુમતીથી પસાર કરાયું હતું. ધ ઈયુ વીથ્ડ્રોઅલ (નંબર-૫) એક્ટને રાત્રે ૧૧ વાગે શાહી મંજૂરી પણ મળી ગઈ હતી. હવે બ્રેક્ઝિટની પ્રગતિ સરકાર નહિ પરંતુ, પાર્લામેન્ટ હસ્તક રહેશે.

થેરેસા કસ્ટમ્સ યુનિયનની કોર્બીનની માગણી સ્વીકારી શકે

વડા પ્રધાન થેરેસા મે પોતાની બ્રેક્ઝિટ સમજૂતીને બચાવવા કસ્ટમ્સ યુનિયનમાં યુકેના સભ્યપદ માટે સંમત થઈ શકે છે. ભવિષ્યમાં કટ્ટર બ્રેક્ઝિટવાદી નેતા આ સમજૂતીને ફગાવી શકે તેવી સંભાવના અટકાવવા વડાપ્રધાને લેબર નેતા જેરેમી કોર્બીનને વધારાના ‘બોરીસ લોક’ની પણ ઓફર કરી છે. જોકે, આ પગલાથી બ્રેક્ઝિટતરફી ટોરી સાંસદોમાં રોષ વધી શકે છે.

ટોરી સાંસદોએ થેરેસા ડીલને સ્વીકાર્યું નથી ત્યારે લેબર પાર્ટીનો સાથ મેળવવા થેરેસા મે ઝૂકવાં તૈયાર થયાં હોવાનું મનાય છે. સૂત્રો અનુસાર સરકાર કસ્ટમ્સ યુનિયન સભ્યપદ સ્વીકારી શકે છે પરંતુ, તેને કોઈ અલગ નામથી ઓળખાવું જોઈએ, જેથી ટોરી પાર્ટીમાં વિરોધ સર્જાય નહિ. લેબર પાર્ટીએ પણ કહ્યું છે કે તેમને શબ્દો સાથે નહિ, વ્યવસ્થા સાથે જ મતલબ છે. ટોરી અને લેબર પાર્ટીના વાટાઘાટકારોએ સેકન્ડ રેફરન્ડમ માટે સાંસદોમાં વોટિંગ કરાવવા વિશે પણ ચર્ચા કરી હતી. જોકે, બંનેમાંથી કોઈ પક્ષ નવા રેફરન્ડમ માટે તૈયાર નથી. લેબર પાર્ટી દ્વારા કરાયેલા મતદાનમાં ૪૨ ટકા મતદારે બંને પક્ષ વચ્ચેની મંત્રણાને આવકારી છે જ્યારે,૨૭ ટકાએ વિરોધ કર્યો છે.

બોરિસ સોફ્ટ બ્રેક્ઝિટના સખ્ત વિરોધમાં

પૂર્વ ફોરેન સેક્રેટરી અને કટ્ટર બ્રેક્ઝિટતરફી બોરિસ જ્હોન્સને કસ્ટમ્સ યુનિયનમાં બ્રિટિશ સભ્યપદ સાથેના સોફ્ટ બ્રેક્ઝિટનો જોરદાર વિરોધ કર્યો છે. થેરેસા મે લેબર નેતા જેરેમી કોર્બીન સાથે સમજૂતી સાધવા આગળ વધી રહ્યાં હોવાના મુદ્દે જ્હોન્સને જણાવ્યું હતું કે ટોરી સાંસદો થેરેસા મેને સોફ્ટ બ્રેક્ઝિટ તરફ આગળ વધવા નહિ દે. તેમણે કહ્યું હતું કે કસ્ટમ્સ યુનિયનમાં રહેવાની બાબત રેફરન્ડમના પરિણામને હાસ્યાસ્પદ બનાવી દેશે. આ રીતે આપણે ઈયુમાંથી બહાર જઈશું પરંતુ, અનેક રીતે ઈયુના દોરીસંચાર હેઠળ રહીશું.

એક વર્ષના ફ્લેક્સીબલ વિલંબની ઓફર

થેરેસા મે ૩૦ જૂન સુધી બ્રેક્ટિઝમાં વિલંબની માગણી કરી રહ્યાં છે તેની સામે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે એક વર્ષના ફ્લેક્સીબલ વધારાની મુદતની ઓફર કરી છે. આવી ઓફરમાં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા વીથ્ડ્રોઅલ એગ્રીમેન્ટને બહાલી મળી જાય તો એક વર્ષ અગાઉ ઈયુ છોડી શકાય તેવો વિકલ્પ પણ છે. અગાઉ પણ થેરેસા મેએ ૩૦ જૂન સુધી મુદત લંબાવવા માગણી કરી હતી, જેને ઈયુ નેતાઓએ ફગાવી દીધી હતી. બ્રસેલ્સમાં બુધવારની ઈમર્જન્સી બેઠકમાં નવી તારીખ અંગે કરાર નહિ થાય તો બ્રિટન સમજૂતી વિના જ ૧૨ એપ્રિલે ઈયુમાંથી બહાર નીકળી શકે છે. જો ૩૦ જૂન સુધીની મુદતને મંજૂરી મળે તો થેરેસા મે લેબર પાર્ટી સાથે શક્ય વિકલ્પોમાંથી સંભવિત પસંદગી માટે લેબર પાર્ટી સાથે સમજૂતી કરવાની આશા ધરાવે છે. આના પરિણામે, પાર્લામેન્ટ સમજૂતીને બહાલી આપી આવશ્યક કાયદા પસાર કરી શકે છે અને ૨૨ મે પહેલા ઈયુ છોડી શકે છે, જેથી યુરોપીય સંસદની ચૂંટણી ટાળવાનો સમય મળી જાય.

યુકે પોલમાં હવે નો-ડીલની તરફેણ

સમગ્ર યુકેમાં લંડન સિવાયના વિસ્તારો કોઈ સમજૂતી વિના જ ઈયુમાંથી બહાર નીકળવા રાજી હોવાનું YouGovના એક પોલમાં બહાર આવ્યું છે. મિડલેન્ડ્સ અને વેલ્સમાં ૪૬ ટકા લોકોએ નો-ડીલની તરફેણ કરી હતી જ્યારે, ૩૧ ટકા ઈયુમાં રહેવા માગે છે. સાઉથમાં ૪૪ ટકા નો-ડીલ અને ૩૪ ટકા ઈયુમાં રહેવાની તેમજ નોર્થ ઓફ ઈંગલેન્ડમાં ૪૧ ટકા નો-ડીલ અને ૩૪ ટકા ઈયુમાં રહેવાની તરફેણમાં છે. જોકે, લંડનમાં નો-ડીલને માત્ર ૨૬ ટકાનું સમર્થન છે અને ૪૮ ટકા ઈયુમાં રહેવા માગે છે. સ્કોટલેન્ડમાં પણ નો-ડીલને માત્ર ૨૮ ટકાએ ટેકો આપ્યો હતો.પોલમાં એવો પ્રશ્ન કરાયો હતો કે જો બ્રિટન ૧૨ એપ્રિલ સુધીમાં સમજૂતી ના કરી શકે તો તમારા મતે શું થવું જોઈએ? મોટા ભાગના એટલે કે ૭૨ ટકા કન્ઝર્વેટિવ્ઝે નો-ડીલની તરફેણ કરી હતી અને ૧૫ ટકાએ આર્ટિકલ-૫૦ રદ કરવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter