થેરેસા મેના પ્રધાનમંડળમાં બ્રેક્ઝિટતરફીઓની બોલબાલા

બોરિસ ફોરેન સેક્રેટરી, હેમન્ડ ચાન્સેલર, રડ હોમ સેક્રેટરીઃ ગોવ, ઓસ્બોર્ન, મોર્ગન, લેટવિન, વ્હિટિંગડેલની હકાલપટ્ટી

Wednesday 20th July 2016 08:22 EDT
 
 

લંડનઃ નવા વડા પ્રધાન થેરેસા મેએ કેમરન યુગથી અળગા થવાના સ્પષ્ટ સંકેત અને વિભાજીત ટોરી પાર્ટીમાં એકતા લાવવાના પ્રયાસમાં પોતાની કેબિનેટની રચના કરી હતી. વડા પ્રધાન બનવાનું સ્વપ્ન નિષ્ફળ ગયાના ગણતરીના દિવસોમાં જ બોરિસ જ્હોન્સનને ફોરેન સેક્રેટરી તરીકે પોતાની કેબિનેટમાં સ્થાન આપીને વડા પ્રધાન થેરેસા મેએ સૌને ભારે આંચકો આપ્યો હતો. યુકેના બીજા મહિલા વડા પ્રધાનપદે સ્થાપિત થયાં પછી થેરેસાએ કેબિનેટના મહત્ત્વપૂર્ણ મંત્રાલયોના વડાની જાહેરાત કરી હતી. ફિલિપ હેમન્ડને ચાન્સેલર, એમ્બર રડને હોમ સેક્રેટરી, ડેવિડ ડેવિસને બ્રેક્ઝિટના ચીફ નેગોશિયેટર, ડો. લિઆમ ફોક્સને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ, માઈકલ ફેલોનને ડિફેન્સ સેક્રેટરી, જસ્ટિન ગ્રીનિંગને એજ્યુકેશન, લિઝ ટ્રુસને જસ્ટિસ સેક્રેટરીના હોદ્દા ફાળવાયાં છે. હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટને હોદ્દા પર જાળવી રખાયા છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી પેટ્રિક મેકલઘલિનને કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન અને ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર તરીકે અને બોવેઝ પાર્કના બેરોનેસ નેટેલી ઈવાન્સને હાઉસ ઓફ લોર્ડ્સના નેતાપદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદને કોમ્યુનિટીઝ સેક્રેટરીનો હોદ્દો અપાયો છે. વડા પ્રધાનપદની સ્પર્ધામાં છેલ્લી ઘડીએ પીછેહઠ કરનારાં એન્દ્રેઆ લિડસોમને એન્વિરોન્મેન્ટ, ફૂડ એન્ડ રુરલ એફેર્સ મંત્રાલયનો હવાલો સુપરત કરાયો છે, જ્યારે પૂર્વ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલને બઢતી આપીને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી બનાવાયાં છે.

ઉલ્લેખનીય છે કે મે કેબિનેટમાં બ્રેક્ઝિટતરફીઓને મહત્ત્વના હોદ્દા અપાયા છે. ઓસ્બોર્નના સ્થાને આવેલા નવા ચાન્સેલર ફિલિપ હેમન્ડે કહ્યું હતું કે ઈમર્જન્સી બજેટ નહિ લવાય, જ્યારે ચીફ બ્રેક્ઝિટ નેગોશિયેટર ડેવિડ ડેવિસે વર્ષના અંત સુધીમાં ઈયુમાંથી બહાર નીકળવા સંદર્ભે આર્ટિકલ-૫૦ને કાર્યરત બનાવવાની શક્યતા દર્શાવી હતી.

બીજી તરફ, વડા પ્રધાનપદના ઉમેદવાર અને જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ, ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન, નિકી મોર્ગન, ઓલિવર લેટવિન અને જ્હોન વ્હિટિંગડેલને કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. દરમિયાન, નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી થેરેસા વિલિયર્સે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાને મને હોદ્દો ઓફર કર્યો હતો, પરંતુ હું તે સ્વીકારી શકું તેમ ન હતું.’ આ ઉપરાંત, પૂર્વ વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી અને નેતાપદના એક ઉમેદવાર સ્ટીફન ક્રેબે પણ પારિવારિક કારણોસર સરકારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

દરમિયાન, બ્રેક્ઝિટ ચીફ નેગોશિયેટર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડના બે નવા હોદ્દા ઉભા કરવામાં આવ્યા છે. પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ સૌથી ક્રાંતિકારી નિર્ણયમાં ડિપાર્ટમેન્ટ ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટ ચેન્જ રદ કરી તેને નવા ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીમાં સામેલ કરી દીધું છે.

આધુનિક શાસનકાળમાં થેરેસા મેએ ૧૧ વરિષ્ઠ મિનિસ્ટર્સને હટાવ્યા હતા. ‘નોટિંગ હિલ સેટ’ વર્ષોનો સૌથી ક્રૂર અંત લાવતાં વડા પ્રધાને ડેવિડ કેમરન અને જ્યોર્જ ઓસ્બોર્નના સાથીઓની સેવા લેવાનો ઇન્કાર કર્યો હતો અથવા રાજીનામાં મેળવાયાં હતાં. અગાઉ, ૧૯૬૨માં હેરોલ્ડ મેકમિલને કેબિનેટ પુનર્રચનામાં સાત પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા હતા.

અભિનંદનોની વર્ષા થઈ

વડા પ્રધાન તરીકે વરણી થયા બાદ થેરેસા મે પર અભિનંદનની વર્ષા થઈ હતી. યુએસએના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ શ્રીમતી મેને અભિનંદન પાઠવ્યા હતા અને સિક્યુરિટીની ચર્ચા સાથે ખાતરી આપી હતી કે બ્રેક્ઝિટના કારણે બન્ને દેશ વચ્ચેના વિશિષ્ટ સંબંધોને કોઈ અસર થશે નહિ. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાન્દ તથા આઈરિશ તાઓસીચ એન્ડા કેનીએ વડા પ્રધાન મે સાથે વાત કરી હતી.

દરમિયાન, ફોરેન સેક્રેટરી બન્યા પછી પ્રથમ ટીપ્પણીમાં બોરિસ જ્હોન્સને બ્રિટનને વધુ ‘વૈશ્વિક ખેલાડી’ બનાવવાની પોતાની કલ્પના સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે બ્રેક્ઝિટનો અર્થ બ્રિટન યુરોપ છોડી દે છે એવો થતો નથી. જોકે, લિબરલ ડેમોક્રેટ નેતા ટિમ ફેરોને એવી આગાહી કરી છે કે નવા ફોરેન સેક્રેટરી પોતાની કામગીરી બજાવવા કરતા તેમણે જે દેશોને દુભવ્યા છે તેમની માફી માગવામાં જ વધુ સમય વીતાવશે.

થેરેસા મે કેબિનેટનું અવનવું

• આધુનિક ઈતિહાસમાં સૌથી મોટી ફેરબદલ સાથે સરકારની રચના કરાઈ છે. માત્ર ૨૪ કલાકમાં માઈકલ ગોવ અને જ્યોર્જ ઓસ્બોર્ન સહિત ૧૧ વરિષ્ઠ મિનિસ્ટરને રુખસદ આપી દેવાઈ હતી.

• માત્ર ચાર કેબિનેટ મિનિસ્ટરના હોદ્દા જળવાઈ રહ્યાં છે, જેમાં ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોન, હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ, વેલ્થ સેક્રેટરી એલન કેઈર્ન્સ અને સ્કોટિશ સેક્રેટરી ડેવિડ મુન્ડેલનો સમાવેશ થયો છે.

• કેબિનેટમાં વડા પ્રધાન થેરેસા મે સહિત રિમેઈન કેમ્પનું સમર્થન કરનારા ૧૬ કેબિનેટ સભ્ય છે, જ્યારે સાત સભ્યોએ બ્રેક્ઝિટનો પ્રચાર કર્યો હતો.

• થેરેસા કેબિનેટમાં આઠ મહિલા મિનિસ્ટર છે, જે ટોની બ્લેર સરકારના વર્ષોમાં રેકોર્ડની સમકક્ષ છે અને કેમરન સરકાર કરતા એક સભ્ય વધુ છે.

• એમ્બર રડ હોમ સેક્રેટરી બન્યાં છે અને લિઝ ટ્રુસ પ્રથમ મહિલા લોર્ડ ચાન્સેલર બન્યાં છે, જે લગભગ ૧,૦૦૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત છે.

• થેરેસા મેની કેબિનેટમાં ૩૦ ટકા સભ્યોએ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો છે. સાત સભ્ય ગ્રામર સ્કૂલ્સ અને ૧૦ સભ્ય કોમ્પ્રીહેન્સિવ સ્કૂલમાં હતા.

• એટોનિયન વિદ્યાર્થી અને નવા ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન પ્રાઈવેટ સ્કૂલમાં ગયેલા પાંચ કેબિનેટ સભ્યોમાંના એક છે.

• મે કેબિનેટના ૪૪ ટકાએ નોન-સીલેક્ટિવ સરકારી સ્કૂલ્સમાં અભ્યાસ કર્યો છે, જે કેમરનની ૨૦૧૫ની કેબિનેટ (૪૩ ટકા) અથવા ૨૦૧૦ની ગઠબંધન સરકાર (૨૧ ટકા) કરતા વધુ છે. ગ્રામર સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય તો ૭૦ ટકાએ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે.

મેના કેબિનેટ પ્રધાનોએ ક્યાં અભ્યાસ કર્યો

ટોરી પાર્ટીના ઈતિહાસમાં સરકારી શાળામાં અભ્યાસ કરનારા સૌથી વધુ મિનિસ્ટર સાથેની કેબિનેટ રચવા બદલ નવા વડા પ્રધાન થેરેસા મેની ભારે પ્રશંસા કરાઈ હતી. ટોપ રેન્કના માત્ર ૩૦ ટકા મિનિસ્ટરે ખાનગી શાળામાં અભ્યાસ કર્યો છે, જે ૧૯૪૫માં લેબર વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીની નવી સરકાર રચાઈ તે પછી સૌથી ઓછું પ્રમાણ છે. ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન એકમાત્ર એટોનિયન વિદ્યાર્થી છે.

ગ્રામર સ્કૂલઃ પ્રીતિ પટેલ, એન્દ્રેઆ લિડસોમ, ડેવિડ ડેવિસ, બેરોનેસ ઈવાન્સ, ક્રિસ ગ્રેલિંગ, ડેમિયન ગ્રીન અને જેમ્સ બ્રોકેનશાયર

કોમ્પ્રીહેન્સિવ સ્કૂલઃ જસ્ટિન ગ્રીનિંગ, પેટ્રિક મેકલઘલિન, લિઝ ટ્રુસ, ફિલિપ હેમન્ડ, લિઆમ ફોક્સ, સાજિદ જાવિદ, એલન કેઈર્ન્સ, ડેવિડ મુન્ડેલ, કારેન બ્રેડલી અને ગ્રેગ ક્લાર્ક

પ્રાઈવેટ સ્કૂલઃ બોરિસ જ્હોન્સન, એમ્બર રડ, ડેવિડ લિડિંગ્ટન, જેરેમી હન્ટ અને માઈકલ ફેલોન

થેરેસા મેની કેબિનેટના સભ્યો

થેરેસા મે- વડા પ્રધાન

એમ્બર રડ- હોમ સેક્રેટરી,

ફિલિપ હેમન્ડ- ચાન્સેલર

બોરિસ જ્હોન્સન- ફોરેન સેક્રેટરી

ડેવિડ ડેવિસ- બ્રેક્ઝિટના ચીફ નેગોશિયેટર,

ડો. લિઆમ ફોક્સ- સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ

માઈકલ ફેલોન- ડિફેન્સ સેક્રેટરી

જેરેમી હન્ટ- હેલ્થ સેક્રેટરી

જસ્ટિન ગ્રીનિંગ- એજ્યુકેશન એન્ડ ઈક્વલિટીઝ સેક્રેટરી

લિઝ ટ્રુસ- જસ્ટિસ સેક્રેટરી

પેટ્રિક મેકલઘલિન- ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર

ગ્રેગ કલાર્ક- ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી

પ્રીતિ પટેલ- ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી

એન્દ્રેઆ લિડસોમ- એન્વિરોન્મેન્ટ, ફૂડ એન્ડ રુરલ એફેર્સ (Defra)

સાજિદ જાવિદ- લોકલ ગવર્મેન્ટ, કોમ્યુનિટીઝ સેક્રેટરી

ક્રિસ ગ્રેલિંગ- ટ્રાન્સપોર્ટ સેક્રેટરી

ડેમિયન ગ્રીન- વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી

કારેન બ્રેડલી- કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ

જેમ્સ બ્રોકેનશાયર- નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી

ડેવિડ મુન્ડેલ- સ્કોટલેન્ડ સેક્રેટરી

એલન કેઈર્ન્સ- વેલ્સ સેક્રેટરી

ગેવિન વિલિયમસન- ચીફ વ્હીપ

ડેવિડ ગોકે- ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી

ડેવિડ લિડિંગ્ટન- લીડર ઓફ ધ કોમન્સ

બેરોનેસ નાતાલી ઈવાન્સ- હાઉસ ઓફ લોર્ડ્સના નેતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter