લંડનઃ વડા પ્રધાન થેરેસા મે ૨૦ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી નવી પેઢીની ગ્રામર સ્કૂલ્સ લોન્ચ કરવાની યોજનામાં આગળ વધી રહ્યાં છે. જોકે, કેટલાક વરિષ્ઠ ટોરી સાંસદો તેમજ લેબર અને લિબ ડેમ સાંસદો પણ તેનો તીવ્ર વિરોધ કરશે તેવી ચેતવણી તેમને અપાઈ છે. વડા પ્રધાનની યોજનામાં ૧૦૦થી વધુ સાંસદોનું સમર્થન હોવાનું કહેવાય છે.
જોકે, ગ્રામર સ્કૂલ્સના ટીકાકારોએ આ વિચાર સામાજિક ગતિશીલતાને ઉત્તેજન આપતો હોવાનું નકાર્યું હતું. શેડો એજ્યુકેશન મિનિસ્ટર એન્જેલા રેનેરે વડા પ્રધાન રહસ્યમય સુવર્ણ યુગમાં પાછાં ફરવા માગતાં હોવાના આક્ષેપ સાથે કહ્યું હતું કે, ‘સિલેક્શન ઈતિહાસની કચરાટોપલીમાં દફન છે અને આધુનિક સમાજમાં તેને કોઈ સ્થાન નથી.’
ગ્રામર સ્કૂલ્સ સરકારી સેકન્ડરી સ્કૂલ્સ છે, જેના વિદ્યાર્થીઓની ૧૦-૧૧ વર્ષની વયે પરીક્ષા મારફત કરાય છે.ઈંગ્લેન્ડમાં ૩૦૦૦ સરકારી શાળાઓમાંથી આશરે ૧૬૩ ગ્રામર સ્કૂલ્સ છે, જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડમાં તેની સંખ્યા ૬૯ છે. જોકે, લેબર સરકાર દ્વારા ૧૯૯૮માં રચાયેલા કાયદા હેઠળ ઈંગ્લેન્ડમાં નવી ગ્રામર સ્કૂલ્સ ખોલવા પર પ્રતિબંધ છે. જ્યારે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ એજ્યુકેશન પોલિસી અલગ છે.


