લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ બચતકારોને લાંબા સમયથી પડતી મુશ્કેલી નિવારવા ઊંચા વ્યાજદર સાથેના પેન્શનર બોન્ડ્સ લાવવાનો સંકેત આપ્યો છે. આ બોન્ડ્સ તમામ વયજૂથ માટે હશે. બચતકારોની મદદ માટેની અન્ય યોજનામાં Isas પર બચતમર્યાદા દૂર કરવા સહિત કરરાહતોનો સમાવેશ થાય છે.વડા પ્રધાન મેએ ટોરી કોન્ફરન્સ સમક્ષ સંકેત આપ્યો હતો કે તેઓ બચતકારોને મદદ થાય તેવી નીતિઓ દાખલ કરશે. પૂર્વ પેન્શન્સ મિનિસ્ટર બેરોનેસ અલ્ટમાને સૂચવ્યું હતું કે ઊંચા વ્યાજદર સાથેના સરકાર સમર્થિત બોન્ડ્સ વર્ષો સુધી તળિયાનું વળતર મેળવનારા બચતકારોને મદદરૂપ નીવડશે. બેરોનેસે નાણા છાપવાની જોખમી નીતિએ બચતના વિશ્વને ઉંધું પાડી દીધું હોવા બાબતે સંમતિ દર્શાવી હતી. હાલ કેટલાક કંપની અને સરકારી બોન્ડ્સ નેગેટિવ વળતર આપે છે. સરકાર માત્ર ૬૫ વર્ષથી વધુના વયજૂથ માટે નહિ, તમામ માટે ખાસ બચત બોન્ડ્સ લાવી શકે. ઉદ્યોગોના નિષ્ણાતોને આ મહિનાના અંત સુધીમાં તેમના અભિપ્રાયો ટ્રેઝરીને મોકલી આપવા જણાવાયું છે.ગયા વર્ષે જાન્યુઆરી-મેના ગાળામાં ૬૫ વર્ષથી વધુના વયજૂથ માટે ઊંચા દરના ફિક્સ મુદતના સૌથી વધુ સફળ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ ગણાયેલા બોન્ડ્સ ઈસ્યુ કરાયા હતા. આ બોન્ડમાં એક વર્ષ માટે ૨.૮ ટકા અને ત્રણ વર્ષ માટે ૪ ટકાનું વ્યાજ ઓફર કરાયું હતું. માત્ર પાંચ મહિનામાં ૬૧૦,૦૦૦થી વધુ બચતકારોએ ૭.૫ બિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું હતું.


