લંડનઃ વડા પ્રધાન થેરેસા મેને સત્તાસ્થાનેથી હટાવવા કન્ઝર્વેટિવ પાર્ટીનાં ઓછામાં ઓછાં ૪૦ બેકબેન્ચર અસંતુષ્ટ સાંસદો નો કોન્ફિડન્સ પ્રસ્તાવને ટેકો આપવા તૈયાર થયા છે. બે કેબિનેટ સભ્યો- સર માઈકલ ફેલોન અને પ્રીતિ પટેલના રાજીનામાં પછી થેરેસા મેની સ્થિતિ નબળી પડી છે. હજુ વધુ રાજીનામાં પડે તેવી શક્યતા પણ દર્શાવાય છે. તેમના ગાઢ કેબિનેટ સાથી અને ડેપ્યુટી ડેમિયન ગ્રીન સામે તપાસ ચાલી રહી છે. થેરેસા મે ત્રણ મોરચે લડી રહ્યાં છે. વડા પ્રધાને સમજૂતી ન થવા સહિતના કોઈ પણ પરિણામની સ્થિતિમાં યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા ૨૯ માર્ચ ૨૦૧૯ની તારીખ જાહેર કરી છે ત્યારે રિપોર્ટ્સ અનુસાર લીડરશિપની ચૂંટણી કરાવવા અને થેરેસા મેને હટાવવા માટે આ જૂથને માત્ર આઠ વધુ સાંસદોની જરુર હોવાનું મનાય છે. બીજી તરફ, ઈયુના નેગોશિયેટરે ચિમકી આપી છે કે બ્રિટન બ્રેક્ઝિટ ડાઈવોર્સ બિલ સેટલ કરવા સંમત ના થાય તો માર્ચ સુધી વેપાર સમજૂતીની મં૬ણા અટકાવી દેવાશે.
પક્ષની બ્રેક્ઝિટ અને રીમેઈન છાવણીઓને એકસંપ રાખવાના ભારે પ્રયાસો કરવા છતાં થેરેસા મે દેશનો વહીવટ સંભાળવા સક્ષમ નહિ હોવાનું બંને જૂથના તત્વો માની રહ્યા છે. ગયા મહિને પૂર્વ ટોરી ચેરમેન ગ્રાન્ટ શાપ્સ દ્વારા મિસિસ મેને હટાવવા નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. તે સમયે સીનિયર કેબિનેટ મિનિસ્ટર્સે પ્રાઈમ મિનિસ્ટરને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. જોકે, નવા બળવા પાછળ હાર્ડલાઈન બ્રેક્ઝિટિયર્સ બોરિસ જ્હોન્સન અને માઈકલ ગોવનો દોરીસંચાર હોવાનું કહેવાય છે. તેમણે સોફ્ટ બ્રેક્ઝિટતરફી ચાન્સેલર ફિલિપ હેમન્ડને નિશાન બનાવ્યા છે. જ્હોન્સન અને ગોવે બ્રેક્ઝિટ મુદ્દે વડા પ્રધાન મેને લખેલો પત્ર લીક થઈ જતા સનસનાટી ફેલાઈ છે.
બીજી તરફ, ઈયુ સાથે આખરી સમજૂતી પર પાર્લામેન્ટમાં મતદાન નહિ કરાવવાનો ઈનકાર થતો રહેશે તો કોમન્સમાં થેરેસા મેને પરાજયનો સામનો કરવો પડશે તેવી ચેતવણી પણ ટોરી અને લેબર પાર્ટીના બેકબેન્ચર સાંસદોએ આપી છે. મહત્ત્વના સુધારા અને મતદાન મુદ્દે આગામી મહિના સુધીનો સમય છે પરંતુ, સરકારને હરાવવા પૂરતા સભ્યો હોવાનો દાવો કરતા હાર્ડ બ્રેક્ઝિટના વિરોધી ટોરી સાંસદો ક્રિસમસ અગાઉ હુમલો કરી પાર્લામેન્ટની સર્વોપરિતા સિદ્ધ કરવા કૃતનિશ્ચયી છે.


