થેરેસા મે બ્રેક્ઝિટમાં ભેરવાયાઃ એપ્રિલમાં મધ્યસત્ર ચૂંટણી?

કોમન્સમાં ૧૫ જાન્યુઆરીએ મતદાન?ઃ ૨૦૦થી વધુ મતે પરાજયના એંધાણઃ એપ્રિલ મહિનામાં ચૂંટણી જાહેર કરાવાની શક્યતા

Friday 11th January 2019 05:20 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મે તેમની બ્રેક્ઝિટ સમજૂતીના પરાજયનો સામનો કરી રહ્યાં છે. કોમન્સમાં ૧૫ જાન્યુઆરીએ થનારા મતદાનમાં ૨૦૦થી વધુ મતના રેકોર્ડ માર્જિનથી તેમની સમજૂતી ફગાવી દેવાય તેવા અણસાર મળી રહ્યા છે. અગાઉ, ૧૯૨૪માં લેબર પાર્ટીની લઘુમતી સરકારનો ૧૬૬ મતના વિક્રમી માર્જિનથી પરાજય થયો હતો. યુકે કોઈ સમજૂતી વિના જ ઈયુમાંથી બહાર નીકળે તેવી પરિસ્થિતિમાં વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી અંબર રડ સહિતના કેબિનેટ મિનિસ્ટર્સ રાજીનામાં આપી દે તેવી શક્યતા જણાય છે. ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટે એવો સંકેત આપ્યો છે કે પાર્લામેન્ટ નો-ડીલ બ્રેક્ઝિટને પણ અટકાવી શકે છે. વડા પ્રધાન મે પોતાના પ્લાનને બચાવવા લેબર પાર્ટીના સાંસદો અને યુનિઅન નેતાઓ સાથે મુલાકાતો સહિતના પ્રયાસો કરી રહ્યાં છે. જો વડા પ્રધાનની યોજના ફગાવી દેવાય તો શું કરવું તેના વિશે નેતાઓમાં મતમતાંતર પ્રવર્તે છે. લેબર પાર્ટી થેરેસા મે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા વિચારે છે અને ટોરી પાર્ટીના એક ડઝનથી વધુ સાંસદો તેને સમર્થન આપવા તૈયાર છે. આ સંજોગોમાં ચોથી એપ્રિલે ચૂંટણી કરવા માર્ચ મહિનામાં જ પાર્લામેન્ટનું વિસર્જન કરી દેવાની સલાહ પણ થેરેસા મેને આપવામાં આવી છે.

કોમન્સમાં સતત બીજી વખત પરાજય

ટોરી બળવાખોર સાંસદો અને લેબર પાર્ટીએ હાથ મેળવી લેતાં નવ જાન્યુઆરીના બ્રેક્ઝિટ વોટમાં થેરેસા મે સરકારનો કોમન્સમાં બીજી વખત પરાજય થયો હતો. સરકારની તરફેણમાં ૨૯૭ અને વિરુદ્ધમાં ૩૦૬ મત પડ્યા હતા. નો-ડીલ બ્રેક્ઝિટ નહિ આવે તેવી સ્પષ્ટતા કરવા વડા પ્રધાન થેરેસા મે પર ભારે દબાણ છે. કોઈ સમજૂતી વિના એટલે કે નો-ડીલ બ્રેક્ઝિટથી બ્રિટનને ભારે આર્થિક નુકસાન જશે અને મોટા પાયે નોકરીઓ ગુમાવવાનું જોખમ હોવાની દલીલો થઈ રહી છે. અગાઉ, લેબર પાર્ટીના ઈવેટ કૂપર અને ટોરી નિકી મોર્ગને નો-ડીલ બ્રેક્ઝિટ પછી ટેક્સની સત્તાઓમાં નિયંત્રણ મૂકવા ફાઈનાન્સ બિલમાં સુધારા રજૂ કર્યા હતા. ટોરી પાર્ટીના ૨૦ બળવાખોર સાંસદોએ આ સુધારાને ટેકો આપ્યો હતો. જો કોમન્સના આગામી સપ્તાહે થનારા આખરી મતદાનમાં થેરેસા મે પાર્લામેન્ટનું સમર્થન મેળવી નહિ શકે તો સેકન્ડ રેફરન્ડમની શક્યતા વધી જશે. બીજી શક્યતા એપ્રિલ મહિનામાં ચૂંટણી જાહેર કરાવાની પણ છે. વધુ એક શક્યતા બ્રેક્ઝિટને પાછળ ઠેલવાની છે, જે માટે પણ ઈયુ સાથે પાછલા બારણે ચર્ચા ચાલી રહી છે.

કોમન્સમાં ૧૫ જાન્યુઆરીએ મતદાન?

થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતી પર હવે મંગળવાર, ૧૫ જાન્યુઆરીએ મતદાન યોજાશે. આ મતદાન હવે પાછું નહિ ઠેલાય તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત મહિને કોમન્સમાં પરાજ્ય નિશ્ચિત જણાયા પછી વડા પ્રધાન મેએ મતદાનને અભરાઈએ ચડાવી દીધું હતું અને વિવાદાસ્પદ બેકસ્ટોપ જોગવાઈ મુદ્દે ઈયુ પાસેથી નવી ખાતરીઓ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઈયુ નેતાઓએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. દરમિયાન નો-ડીલ બ્રેક્ઝિટની શક્યતા નકારવાની માગણી સાથે ૨૦૦થી વધુ સાંસદોએ થેરેસા મેને પત્ર લખ્યો હતો. એરબસ, રોલ્સ રોયસ, જગુઆર એન્ડ લેન્ડ રોવર, ફોર્ડ સહિત યુકેના મોટા ઉદ્યોગગૃહો પણ નો-ડીલ વિકલ્પની વિરુદ્ધ છે. ઈયુથી અલગ થવાની શરતો અને ઈયુ-યુકેના ભાવિ સંબંધોના માળખા મુદ્દે ઈયુના નેતાઓ સાથે સમજૂતી સધાઈ જ છે પરંતુ, તેને સ્વીકારાય તે અગાઉ સાંસદોએ મતદાન દ્વારા તેને બહાલી અપાય તે આવશ્યક છે. આ સમજૂતીનો સ્વીકાર થાય કે ન થાય બ્રિટન ૨૯ માર્ચે ઈયુમાંથી બહાર નીકળી જશે.

એપ્રિલ મહિનામાં ચૂંટણી જાહેર કરાવાની શક્યતા

થેરેસા મે પોતાની બ્રેક્ઝિટ સમજૂતી બચાવવા સાંસદો સામે કટોકટીની લડાઈ લડી રહ્યાં છે. ઈયુમાં રહેવા ઈચ્છતા ટોરી અને લેબર સાંસદો કોઈ સમજૂતી વિના ઈયુમાંથી બહાર નીકળવા (નો-ડીલ બ્રેક્ઝિટ)ને અટકાવવા તમામ તાકાત લગાવી રહ્યા છે. ડઝનથી વધુ ટોરી સાંસદોએ સરકારમાં અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપવાની પણ ધમકી આપી છે. આ સંજોગોમાં બળવાખોર ટોરી સાંસદોનો સામનો કરવા માર્ચમાં પાર્લામેન્ટનું વિસર્જન કરવાની સલાહ પણ સીનિયર મિનિસ્ટર્સ દ્વારા વડા પ્રધાનને અપાઈ છે, જેથી એપ્રિલમાં ચૂંટણી માટે પ્રચારનો એક મહિનાનો સમય પણ મળી રહે. બ્રિટન ૨૯ માર્ચે ઈયુમાંથી બહાર નીકળી જાય ત્યારે નો-ડીલ બ્રેક્ઝિટ અટકાવવા વિસર્જિત સંસદમાં સાંસદો જ નહિ હોય. આ પછી, ચોથી એપ્રિલે ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીપ્રચાર દરમિયાન સરકાર સત્તાસ્થાને હોય અને સિવિલ સર્વિસ પણ અગાઉની નીતિનો અમલ કરાવી શકે. જોકે, આ પગલાથી બંધારણીય કટોકટી સર્જાઈ શકે, કેબિનેટ મિનિસ્ટર્સના રાજીનામાં પણ પડી શકે છે.

ફાઈનાન્સ બિલમાં પણ સરકારનો પરાજય

નો-ડીલ બ્રેક્ઝિટની શક્યતામાં ટ્રેઝરીના હાથ બાંધી દેતા સુધારાને ટોરી બળવાખોરોએ આપેલા ટેકાથી થેરેસા મે સરકારનો આઠ જાન્યુઆરીના મતદાનમાં પરાજય થયો હતો. લેબર પાર્ટીના ઈવેટ કૂપરે ફાઈનાન્સ બિલમાં મૂકેલા સુધારાની તરફેણમાં ૩૦૩ અને વિરિદ્ધમાં ૨૯૬ મત પડ્યા હતા. ટોરી બળવાખોરોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં માર્ચના અંતે નો-ડીલ બ્રેક્ઝિટ આગળ વધવા નહિ દે અને સરકારને પરાજિત કરવા લેબર પાર્ટી સાથે જોડાણ કરશે. બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટે સ્વીકાર્યું હતું કે આ સુધારાથી થોડી તકલીફ પડશે પરંતુ, ટ્રેઝરીને ટેક્સ એકત્ર કરતા અટકાવી શકાશે નહિ. ટોરી પાર્ટીના રીમેઈનતરફી સાંસદો અને વિરોધપક્ષ વચ્ચે સફળ જોડાણ વડા પ્રધાન અને સરકારને ગંભીર મુદ્દાઓ પરત્વે આગામી મહિનાઓમાં ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે. પસાર થયેલો સુધારો નો-ડીલ બ્રેક્ઝિટની સ્થિતિમાં ટેક્સ સંબંધિત ફેરફારો કરવાની સરકારની આઝાદીને અંકુશમાં મૂકશે. સરકારને ટેક્સ એકત્ર કરતા અટકાવી નહિ શકાય પરંતુ, ટેક્સ કાયદાઓમાં નાના ફેરફારોને પણ સંસદનું સમર્થન નહિ હોય. સંપૂર્ણ સત્તા માટે સરકારે નો-ડીલની તરફેણમાં સંસદનું સમર્થન હાંસલ કરવું પડશે, જે વર્તમાન બળવાની હાલતમાં શક્ય નહિ હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter