લંડનઃ બ્રિટનમાં મતક્ષેત્રોના નવા સીમાંકનના કારણે લેબર પાર્ટીને સૌથી વધુ નુકસાન જવાના અહેવાલો પછી ઈલેક્ટોરલ કેલક્યુલસના માર્ટિન બેક્સટરના વિશ્લેષણના આધારે ધ ડેઈલી ટેલિગ્રાફનો રિપોર્ટ જણાવે છે કે વડા પ્રધાન થેરેસા મે ૨૦૨૦ની સામાન્ય ચૂંટણી ૧૦૦ બેઠકની બહુમતી સાથે જીતી જશે. જેરેમી કોર્બીનની નેતાગીરી હેઠળ લેબર પાર્ટી ૨૦૦થી ઓછાં સાંસદો સાથે પાછળ રહેશે. જોકે, ભારતીય કોમ્યુનિટી તેરેસા મેને સમર્થન આપશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી કારણકે વડા પ્રધાન તરીકે વરણી થયાં પછી થેરેસા મે અને ભારતીય કોમ્યુનિટી વચ્ચે વિશેષ ઈન્ટરએક્શન થયું નથી.
સમીક્ષા અને વર્તમાન ઓપિનિયન પોલ્સની આગાહી એવી છે કે હાઉસ ઓફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટી ૩૪૯ બેઠક મેળવશે, જ્યારે લેબર પાર્ટી માત્ર ૧૭૬ બેઠક મેળવશે. લેબર પાર્ટીને ૧૯૨૦ના દાયકા પછી ૨૦૦થી ઓછાં સાંસદ હોવાની આ પ્રથમ સ્થિતિ હશે. થેરેસા મે ૨૦૨૦ની સામાન્ય ચૂંટણી જીતવાની ૭૬ ટકા તક ધરાવે છે તેની સામે જેરેમી કોર્બીન ૨૦૨૦ની ચૂંટણી જીતવાની માત્ર છ ટકા તક ધરાવે છે.
મતક્ષેત્રોના સીમાંકનથી સાંસદોની સંખ્યા ૬૫૦થી ૬૦૦ જેટલી થઈ જશે અને દરેક મતક્ષેત્રમાં મતદારોનું પ્રમાણ પણ વહેંચાઈ જશે. લેબર પાર્ટીએ ‘અયોગ્ય, બિનલોકશાહી અને અસ્વીકાર્ય’ ફેરફારોનો સામનો કરવાનો સંકેત આપ્યો છે. બીજી તરફ, લંડનના મેયર સાદિક ખાને ચેતવણી આપી હતી કે લેબર પાર્ટીની નેતાગીરીએ અથવા કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારે આ સીમાંકન અને ફેરફારોનો ઉપયોગ અણગમતા લેબર સાંસદોને દૂર કરવા માટે કરવો નહિ જોઈએ. બીજી તરફ, સરકાર નહિ ચૂંટાયેલા લોર્ડ્સની સંખ્યા વધારી રહી છે તેવી ટીકા પણ તેમણે કરી હતી.


