લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે ફેશનપરસ્ત છે પરંતુ, તેમના દ્વારા લેધર ટ્રાઉઝર પહેરવાના મુદ્દે બ્રિટિશ રાજકારણમાં ‘ટ્રાઉઝરગેટ’ વિવાદની ગરમી વ્યાપી છે. થેરેસા મે કેબિનેટની બેઠકમાં ૯૯૫ પાઉન્ડની કિંમત (રુપિયા ૮૫,૦૦૦)નો અમાન્ડા વેક્લી દ્વારા નિર્મિત ફેશનેબલ ડ્રેસ પહેરીને આવતાં નિકી મોર્ગન દ્વારા તેમની ભારે ટીકા થઈ હતી. એમ કહેવાય છે કે આ ટીકાના પગલે નિકીને બ્રેક્ઝિટ બેઠક માટે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં આવવા મનાઈ ફરમાવાઈ હતી.
બ્રિટનના પ્રથમ મહિલા વડા પ્રધાન માર્ગારેટ થેચરને અનુસરી રહેલાં થેરેસા મે પણ ફેશનેબલ ડિઝાઈનર વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. થેરેસાએ ભારતપ્રવાસમાં બેંગલુરુના મંદિરની મુલાકાત લીધી ત્યારે સિલ્કની સાડી પહેરી હતી. સામાન્ય રીતે બ્રિટનમાં આવી બાબતોને વિવાદમાં ઘસડાતી નથી પરંતુ, લફબરોના સાંસદ અને પૂર્વ એજ્યુકેશન મિનિસ્ટર નિકી મોર્ગને વડા પ્રધાન મેના વસ્ત્રોની ટીકા કરતાં આ મુદ્દો ચગ્યો છે. વડા પ્રધાન મેએ તેમના ઘરમાં સન્ડે ટાઈમ્સને પોતાનાં બાળપણ તથા બ્રેક્ઝિટ મુદ્દાથી તેમની નિદ્રા હરામ થઈ હોવા સહિતની બાબતો વિશે ઈન્ટરવ્યૂ આપતી વેળાએ આ ઘેરાં ચોકલેટી રંગનો લેધર ટ્રાઉઝર્સ ડ્રેસ પહેર્યો હતો.
મિસ મોર્ગને ટીકા કરતાં કહ્યું હતું કે,‘લફબરોમાં મારે આનો ખુલાસો કેવી રીતે કરવો તે જ મારાં દિમાગમાં રમતું હોય છે. પાર્ટી સર્કલ્સમાં થેરેસા મેના ટ્રાઉઝર્સ પર ધ્યાન ગયું હતું અને તેની ચર્ચા પણ થઈ હતી. મેં મારાં વેડિંગ ડ્રેસ સિવાય કશાં પર આવો ભારે ખર્ચ કર્યો નથી.’
ઉલ્લેખનીય છે કે યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રુપિયા ૧૦ લાખની કિંમતનો સૂટ પહેર્યો હતો ત્યારે તેમની પણ ભારે ટીકા થઈ હતી. આ સુટમાં સોનાના તાર મઢેલા હતાં અને નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી નામ લખાયું હતું.


