થેરેસા મેએ £૧ બિલિયનનો સોદો કરી લઘુમતી સરકાર બચાવી

બે વર્ષમાં નોર્ધર્ન આયર્લેન્ડને વધારાનું ભંડોળ આપવા ડીયુપી સાથે સોદોઃ ટ્રિપલ લોક પેન્શન સહિતની શરતો ટોરી પાર્ટીએ માન્ય રાખીઃ બે વર્ષ પછી નવી સમજૂતી કરાશે

Wednesday 28th June 2017 06:21 EDT
 
 

લંડનઃ થેરેસા મેની લઘુમતી સરકારને સત્તાસ્થાને જાળવી રાખવા કન્ઝર્વેટિવ પાર્ટી અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી વચ્ચે એક બિલિયન પાઉન્ડની સોદાબાજી થઈ છે. નોર્ધર્ન આયર્લેન્ડને આગામી બે વર્ષમાં ૧ બિલિયન પાઉન્ડ વધારાનું ભંડોળ આપવામાં આવશે. સોમવારે સવારે ડીયુપીના નેતા આર્લેન ફોસ્ટર અને વડા પ્રધાન થેરેસા મેએ આ સોદાબાજી માટે સંમતિ સાધી હતી. આ સોદાબાજી થતાં ડીયુપીના ૧૦ સાંસદનો ટેકો થેરેસા સરકારને મળશે અને કોમન્સમાં સરકારને પાતળી બહુમતી મળી રહેશે. લેબર પાર્ટીના જેરેમી કોર્બીને આ સોદાની ટીકા કરીને તેને રાષ્ટ્રીય હિતમાં ન હોવાનું જણાવ્યું હતું.

ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના ૧૦ સાંસદોનો ટેકો સરકાર રચવા માટે નિર્ણાયક હતો. સામાન્ય ચૂંટણીમાં મેને પુર્ણ બહુમતિ ન મળતાં ત્રિશંકુ સંસદ રચાઈ હતી. કન્ઝર્વેટીવ પાર્ટી અને ડીયુપી વચ્ચે છેલ્લા એક સપ્તાહથી વાટાઘાટો ચાલી રહી હતી. ટુંક સમયમાં ક્વીન્સ સ્પીચ પર મતદાન યોજાશે ત્યારે સોદાના પરિણામે મે સરકાર બચી જશે. કરારની શરતો અનુસાર ડીયુપી સરકારને બજેટ, બ્રેક્ઝિટ અને નેશનલ સિક્યુરિટી સંબંધિત કાયદા અંગે સરકારને સમર્થન આપશે.

ડીયુપીના નેતા ફોસ્ટરે જણાવ્યું હતું કે આ સોદો ઉત્તર આયર્લેન્ડ અને બ્રિટન બંને માટે સારો છે. ડીયુપીએ જણાવ્યું હતું કે આ સોદો પાર્લામેન્ટના પાંચ વર્ષના પૂર્ણકાળ સમય સુધીનો રહેશે. જો કે બે વર્ષ બાદ તેની સમીક્ષા થશે. આ સોદા અંતર્ગત ડીયુપીએ સંસદમાં રજૂ થતાં તમામ બિલોમાં સમર્થન આપવું જરૂરી નથી. પરંતુ સરકારની નીતિઓને સમર્થન આપવાનું છે.

ટોરી પાર્ટીએ આ સોદામાં કેટલીક શરતો માન્ય રાખી હતી જેમાં સરકારી પેન્શન ટ્રિપલ લોક યોજનામાં અને પેન્શનરોને વિન્ટર ફ્યુલ ચુકવણીમાં કોઈ ફેરફાર નહિ કરવાનો સમાવેશ થાય છે. નોર્ધર્ન આયર્લેન્ડને મળનારા વધારાના ભંડોળમાંથી ૪૦૦ મિલિયન પાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ૨૦૦ મિલિયન પાઉન્ડ આરોગ્યસેવાની સુધારણામાં વપરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter