થેરેસા મેએ કોર્પોરેશન ટેક્સનો દર સૌથી નીચો રાખવા ખાતરી આપી

Tuesday 22nd November 2016 13:07 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ દેશના બિઝનેસ અગ્રણીઓને બ્રેક્ઝિટને અપનાવવા અથવા લોકોના રોષનો સામનો કરવાની ચેતવણી આપી છે. તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ વર્ષો સુધી ઈયુ સાથે સંકળાયેલા રહેવાય તેવા ટ્રાન્ઝીશનલ ડીલ કરવા ઈચ્છે છે. સોમવારે કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક કોન્ફરન્સમાં બોલતાં તેમણે યુરોપમાં યુકેના નાગરિકો અને યુકેમાં ઈયુ નાગરિકોના સ્ટેટસ અંગે વહેલા કરારની ખાતરી આપી હતી. વડા પ્રધાને કોર્પોરેશન ટેક્સને વર્તમાન ૨૦ ટકાથી ઘટાડી જી-૨૦ દેશોમાં સૌથી નીચો દર રાખવાનો નિર્ધાર જાહેર કર્યો હતો અને મહત્ત્વના સંશોધનો માટે વાર્ષિક વધારાના બે બિલિયન પાઉન્ડ ફાળવવાની પણ જાહેરાત કરી હતી.

થેરેસા મેએ બિઝનેસ અગ્રણીઓને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો હતો કે પ્રજા તેમનો વિશ્વાસ કરતી નથી અને તેમણે ઐતિહાસિક ઈયુ રેફરન્ડમ દ્વારા પરિવર્તનની માગને અપનાવવી જ જોઈએ. થોડાં લોકો સમગ્ર બિઝનેસ કોમ્યુનિટીની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લઘુમતી બિઝનેસનું વર્તન બહુમતીને જોખમમાં મૂકે છે. સરકાર સુધારાઓની દરખાસ્ત ઘડશે તેમ પણ તેમણે કહ્યું હતું.

જોકે, વડા પ્રધાને યુકેમાં કંપનીઓને આકર્ષવા કોર્પોરેશન ટેક્સમાં ભારે કાપ મૂકવાનો મક્કમ નિર્ધાર જાહેર કરી બિઝનેસ કોમ્યુનિટી સાથે સમાધાનનો સંદેશ પણ આપ્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે જી-૨૦ દેશોમાં બ્રિટન કોર્પોરેટ ટેક્સનો સૌથી નીચો દર ધરાવે તે માટે સરકાર કામ કરશે. વર્તમાન ૨૦ ટકાનો દર ૨૦૨૦ સુધીમાં ઘટી ૧૭ ટકા થશે. બીજી તરફ, યુએસના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે ૧૫ ટકા દર રાખવાનું વચન આપ્યું છે. આનો અર્થ એ થાય કે બ્રિટને તેનાથી પણ નીચો દર રાખવાનો થશે. તેઓ કામદારોને કંપની બોર્ડ્સમાં સ્થાન આપવાની અગાઉની કટિબદ્ધતામાંથી પીછેહઠ કરતાં હોવાનું પણ જણાયું હતું.

બ્રિટિશ અર્થતંત્રની ઘણી શક્તિઓની પ્રશંસા કરતાં થેરેસા મેએ કહ્યું હતું કે અનેક ક્ષેત્રોમાં તે વિશ્વસ્તરીય છે. રેફરન્ડમના પરિણામ પછી બિઝનેસીસે અહીં રોકાણને પસંદગી આપીને બ્રિટનમાં વ્યાપક વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, બ્રેક્ઝિટ પ્રક્રિયા દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રકચરની સુધારણા અને યુવાનો માટે તકોને પ્રોત્સાહન સહિત કેટલાક દીર્ઘકાલીન માળખાકીય પડકારોનું નિરાકરણ પણ લાવવું પડશે. વડા પ્રધાને ઈયુ સાથે ટ્રાન્ઝીશનલ સંધિનો પણ સંકેત આપ્યો હતો જેથી ઈયુ છોડ્યા પછી પણ વર્ષો સુધી તેની સાથે સંકળાયેલા રહેવાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter