થેરેસા મેએ પરાજયની કટોકટી ટાળીઃ બ્રેક્ઝિટ ડીલ પર મતદાન મુલતવી

નવી ખાતરીઓ મેળવવા થેરેસા ઈયુના વડાઓને મળવા નીકળ્યાંઃ બ્રેક્ઝિટ સમજૂતી વિશે ફરીથી વાટાઘાટો કરવા ઈયુનો ઈનકાર

Tuesday 11th December 2018 02:27 EST
 
 

લંડનઃ ઈયુ સાથે બ્રેક્ઝિટ સમજૂતી મુદ્દે ટોરી પાર્ટીમાં લગભગ એકલાં પડી ગયેલાં વડા પ્રધાન થેરેસા મેએ આખરે તેમની બ્રેક્ઝિટ સમજૂતીના ડ્રાફ્ટ પર હાઉસ ઓફ કોમન્સમાં ૧૧ ડિસેમ્બર, મંગળવાર રાત્રે થનારું મતદાન આખરે મુલતવી રાખ્યું છે. તેમણે નવા મતદાન માટેની તારીખ પણ જાહેર કરી નથી. જો આ મતદાન થયું હોત તો તેમણે ઐતિહાસિક પરાજય વેઠવો પડે અને સત્તા ગુમાવવી પડે તેવી શક્યતા હતી. હવે શું કરી શકાય તેની ખાતરી મેળવવા તેઓ ઈયુના વડાઓને મળવા પ્રવાસે નીકળી ગયાં છે. જોકે, ઈયુ દ્વારા સ્પષ્ટ કરી દેવાયું છે કે આઈરિશ બેકસ્ટોપ શરત સહિત બ્રેક્ઝિટ સમજૂતી વિશે ફરીથી વાટાઘાટો કરવામાં નહિ આવે. ઈયુ કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે કહ્યું છે કે યુકે દ્વારા સમજૂતીને બહાલી અપાય તે માટે શું કરી શકાય તેની જ ચર્ચા કરાશે. તેમણે ચેતવણી આપી હતી કે ગુરુવાર ૧૩ ડિસેમ્બરે ઈયુ નેતાઓની બેઠક છે તેમાં નો ડીલ બ્રેક્ઝિટની ચર્ચા પણ થઈ શકે છે.

વડા પ્રધાન થેરેસા મેએ ચેતવણી આપી હતી કે તેમની સમજૂતીને મતદાનમાં પરાજિત કરવાનો અર્થ ‘નો બ્રેક્ઝિટ’ જ થશે. જોકે, મતદાન પોતાની સમજૂતી વિરુદ્ધ જ થશે તે સમજી ગયેલાં વડા પ્રધાને મતદાન મુલતવી રાખ્યું હતું. કટોકટીની પરિસ્થિતિમાંથી બહાર આવવાં વડા પ્રધાન મેએ કેબિનેટની ઈમર્જન્સી બેઠક યોજવા ઉપરાંત, ઈયુ કમિશનના પ્રમુખ જીન-ક્લોડ જુનકર, ઈયુ કાઉન્સિલ પ્રમુખ ડોનાલ્ડ ટસ્ક, આઈરિશ વડા પ્રધાન લીઓ વરાડકર, ડચ નેતા માર્ક રુટે અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ ટેલિફોન પર વાતચીતો કરી હતી. અગાઉ, સરકારના મિનિસ્ટર્સે વડા પ્રધાનને બ્રસેલ્સ સાથે નવી વાટાઘાટો કરી વિવાદાસ્પદ આઈરિશ બેકસ્ટોપ શરતને બદલવા સહિત વિવિધ છૂટછાટો મેળવવાં સલાહ આપી હતી. વડા પ્રધાન મે ૧૦૦થી વધુ બળવાખોર ટોરી સાંસદોને મનાવવા છેલ્લી ઘડીના પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કન્ઝર્વેટિવ પક્ષને પોતાની બ્રેક્ઝિટ સમજૂતીને ટેકો આપવા અથવા લેબર પાર્ટીના જેરેમી કોર્બીનને સત્તા સોંપવા અને બ્રિટન ઈયુમાં જ રહે તેનો સામનો કરવા ચેતવણી આપી હતી.

સાજિદ જાવિદ, બોરિસ પણ રેસમાં

બીજી તરફ, કોમન્સમાં સરકારના સંભવિત પરાજય પછી થેરેસા મેએ રાજીનામું આપે તેવી પરિસ્થિતિમાં હોમ સેક્રેટરી સાજિદ જાવિદ, ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ, પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસન, પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબ પણ ઉચ્ચ હોદ્દાને હાંસલ કરવા મેદાને પડ્યા છે. સાજિદ જાવિદે ટોરી સાંસદોનો ટેકો હાંસલ કરવાની હિલચાલ પણ આરંભી હોવાનું કહેવાય છે. જો થેરેસા મે બ્રેક્ઝિટ ડીલ પછી નો-કોન્ફિડન્સ વોટ પણ ગુમાવે તો પાર્લામેન્ટે કદાચ ક્રિસમસના દિવસે પણ બેઠક યોજવી પડશે કારણકે ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ એક્ટ થકી નવી સરકાર રચાઈ શકે તે માટે ૧૪ કેલેન્ડર દિવસો નક્કી કરાયા છે. આનો અર્થ એ છે કે કોમન્સમાં બહુમતી જીતવા માટે કોઈ પણ ગઠબંધન માટે ૨૫ ડિસેમ્બર છેલ્લી તક બની રહેશે. એમ મનાય છે કે કોમન્સમાં ક્રિસમસના દિવસે બેઠક છેલ્લે ૧૬૫૬માં યોજાઈ હતી. સરકાર બ્રેક્ઝિટ મુદ્દે અરાજકતાનો સામનો કરી રહી છે ત્યારે વડા પ્રધાનના ડેપ્યુટી ડેવિડ લિવિંગ્ટન અને જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે સહિત સીનિયર મિનિસ્ટર્સે બીજા રેફરન્ડમ અથવા નોર્વે સ્ટાઈલની સમજૂતીની શક્યતા તપાસવા લેબર સાંસદો સાથે મંત્રણા હાથ ધરી હતી.

હવે શું થઈ શકે છે?

મતદાન મુલતવી રાખવું

ટોરી પાર્ટીના ૧૦૦થી વધુ સાંસદોએ લેબર પાર્ટી, લિબ ડેમ્સ અને સ્કોટિશ નેશનલ પાર્ટીના સભ્યો સાથે મળી વડા પ્રધાન મેની બ્રેક્ઝિટ સમજૂતીની વિરુદ્ધ મતદાન કરવાનો સંકેત આપ્યો છે ત્યારે મતદાનમાં થેરેસા મેના પરાજયની સંભાવના વધુ જણાય છે. આમ છતાં, થેરેસા મે સત્તા નહિ છોડે અથવા મતદાનને પાછળ ઠેલે તેવા સંજોગોમાં તેઓ સમજૂતીની શરતો સુધરાવવા બ્રસેલ્સ જઈ શકે છે. નવી સમજૂતીમાં બેકસ્ટોપની સમયમર્યાદામાં રાહત અથવા યુકે એકપક્ષીય રીતે ઈયુમાંથી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થાનો સમાવેશ થઈ શકે છે. આ પછી, ક્રિસમસ અગાઉ પાર્લામેન્ટમાં નવેસરથી મતદાન થશે અને તેમાં વડા પ્રધાન જીતે તો બ્રેક્ઝિટ અમલ આગળ વધી શકે છે.

ટોરી પાર્ટીમાં બળવો અને નેતૃત્ત્વ પરિવર્તન

જો યુરોપીય સંઘ દ્વારા થેરેસા મેને સમજૂતીમાં રાહત ન અપાય તો ટોરી બેકબેન્ચર્સ એટલે કે બળવાખોરો તેમના નેતાને બદલવાની દિશામાં આગળ વધી શકે છે. જો ૪૮ સભ્યોના પત્ર કમિટીને મળી જાય તે સંજોગોમાં ટોરી પાર્ટીમાં નેતા-થેરેસા મે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન લેવાશે. બોરિસ જ્હોન્સન જેવા કટ્ટર બ્રેક્ટિઝવાદી નેતાઓનો તેમની સામે પડકાર ન હોય તો થેરેસા મે જીતી પણ શકે છે. ઉદાર બ્રેક્ટિઝવાદી નેતા કેનેડા સ્ટાઈલની સમજૂતી માટે પ્રયાસ કરી શકે છે, જે આઈરિશ બેકસ્ટોપ કરતા વધુ સમસ્યા ઉભી કરશે.

અવિશ્વાસ પ્રસ્તાવ અને ચૂંટણી

લેબર પાર્ટી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. જો સમજૂતી પસાર થાય તો પણ થેરેસા સરકારને ટેકો આપનારી ડીયુપી પાર્ટી સમજૂતીને સપોર્ટ આપશે નહિ. જો ટોરી પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવમાં હારી જાય અને લેબર પાર્ટી પણ લઘુમતી સરકાર રચી શકે નહિ તો તત્કાળ ચૂંટણી યોજાઈ શકે છે. આના પરિણામે જેરેમી કોર્બીન સરકાર રચે અને પોતાની જ બ્રેક્ઝિટ સમજૂતીની વાટાઘાટો કરે તે શક્ય છે.

નોર્વે વિકલ્પનો સહારો

જો વડા પ્રધાન મેની સમજૂતી મતદાનમાં ફગાવી દેવાય તો પાર્લામેન્ટ હસ્તક અંકુશ આવી શકે છે. કોઈ સાંસદ બ્રિટન યુરોપિયન ઈકોનોમિક એરિયામાં જોડાય તે માટે સુધારો રજૂ કરી શકે છે. આ રીતે જોડાણથી બીન-ઈયુ સભ્યોને પણ સિંગલ માર્કેટની સુવિધા પ્રાપ્ત થાય છે. જોકે, લેબર પાર્ટી આવી સમજૂતીની વિરુદ્ધ છે અને લોકોની અવરજવરને મુક્તિ આપતી આ યોજનાનો ટોરી પાર્ટીના બ્રેક્ઝિટવાદીઓ પણ વિરોધ કરશે.

નવેસરથી રેફરેન્ડમ

ઈયુમાં રહેવાની તરફેણ કરનારાઓમાંથી કોઈ સાંસદ બ્રેક્ઝિટ ડીલ પર બીજો જનમત લેવાની સુધારા દરખાસ્ત મૂકી શકે છે. આના પરિણામે બ્રસેલ્સને આર્ટિકલ ૫૦ને લંબાવવાનો સ્વીકાર કરવો પડે, જેથી ૨૯ માર્ચ, ૨૦૧૯નો બ્રેક્ઝિટ ડે મુલતવી રહી જશે. આ માટે હાઉસ ઓફ કોમન્સમાં મતદાન કરવું પડે. જોકે, ટોરી અને લેબર પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ૨૦૧૬ના રેફરન્ડમ પરિણામને માન આપવાનું વચન આપ્યું છે. જો બીજો જનમત યોજાય તો બ્રિટન ઈયુમાં જ રહે તેમ પણ બની શકે છે.

સમજૂતી વિના જ ઈયુમાંથી એક્ઝિટ

જો થેરેસા મેની સમજૂતીની હાર થાય અને ઈયુ દ્વારા વધુ કોઈ છૂટછાટ ન અપાય તો બ્રિટન કોઈ સમજૂતી વિના જ ઈયુમાંથી બાહર નીકળી શકે છે. આનો અર્થ એ થાય કે બ્રિટને તેના પાડોશીઓ સાથે WTOની શરતો આધારિત વેપાર કરવાનો થશે. આના પરિણામે દવાઓની અછત તેમજ બંદરો પર લાંબી લાઈનો લાગે તેવી શક્યતાઓ સર્જાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter