લંડનઃ યુકે માટે બ્રેક્ઝિટ લક્ક્ડના લાડુ જેવું બની ગયું છે જે નથી ચાવી શકાતું કે નથી ફેંકી દેવાતું. યુકે કદાચ મધ્યસત્ર ચૂંટણી તરફ ઘસડાતું જાય છે. બ્રિટને ૧૨મી એપ્રિલે ઈયુ છોડવું પડે તેના ગણતરીના બાકી દિવસોની ગંભીર પરિસ્થિતિ મધ્યે વડા પ્રધાન થેરેસા મેએ મંગળવારે બોલાવેલી તાકીદની બેઠક સાત કલાક કરતા વધુ સમય ચાલી હતી, જેમાં વિવિધ વિકલ્પો વિચારાયા હતા. બેઠક પછી થેરેસા મેએ નિવેદનમાં જણાવ્યું હતું કે સમજૂતી વુિના બહાર નીકળવાનો પ્રશ્ન નથી. હું અને વિપક્ષના નેતા જેરેમી કોર્બીન ચોક્ક્સ મુદ્દે વાત કરીશું અને નવો વિકલ્પ શોધીશું, જેમાં મૂળ સમજૂતીના અંશો તો રહેશે જ. આ માટે બ્રેક્ઝિટની મુદત થોડો સમય લંબાવાશે. કોમન્સમાં સાંસદોએ સોમવારે પણ સૂચક મતદાનોમાં કસ્ટમ્સ યુનિયન, નોર્વે સ્ટાઈલ સોફ્ટ બ્રેક્ઝિટ, સેકન્ડ રેફરન્ડમ તેમજ બ્રેક્ઝિટ રદ કરવાના વિકલ્પોને ફગાવી દીધા હતા. સાંસદોએ પ્રથમ રાઉન્ડમાં આઠ વિકલ્પોને ફગાવી દીધા હતા. હવે આગામી સૂચક મતદાન બુધવારે કરાશે. આ પછી ગુરુવારે થેરેસા મેની સમજૂતી અને સોફ્ટ બ્રેક્ઝિટ વચ્ચે ટક્કર થાય તેવી સંભાવના છે. ઈયુના ચીફ નેગોશિયેટર માઈકલ બર્નિયરે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટન સમક્ષ કોઈ સમજૂતી વિના ઈયુ છોડવું અથવા આર્ટિકલ ૫૦ને લંબાવવા માગણી કરવી, એમ બે જ વિકલ્પ બાકી રહ્યા છે.
બ્રેક્ઝિટથી વિભાજિત થેરેસા કેબિનેટમાં પાંચ કલાક ગરમાગરમ ચર્ચા થવાનો સંભવ છે. જો થેરેસા મે પોતાની સમજૂતી પસાર કરાવી ન શકે તો તેઓ ઈલેક્શનની જાહેરાત કરી શકે તેવી અટકળો ચાલી છે ત્યારે ૧૫ જેટલા કેબિનેટ મિનિસ્ટર્સ નો-ડીલ બ્રેક્ઝિટની માગણી કરી રહ્યા છે ત્યારે બાકીના સોફ્ટ બ્રેક્ઝિટની તરફેણ કરે છે. ચાન્સેલર ફિલિપ હેમન્ડે તો ચેતવણી આપી છે કે પૂરતા ભંડોળના અભાવે ટોરી પાર્ટીને તો હાલ ચૂંટણી લડવાનું પોસાય તેમ નથી. આના બદલે સેકન્ડ રેફરન્ડમ યોજવું જોઈએ. સાજિદ જાવિદ, જેરેમી હન્ટ, લિઝ ટ્રસ અને માઈકલ ગોવ સહિતના મિનિસ્ટર્સ નો-ડીલની તરફેણ કરી રહ્યા છે જ્યારે, ચાન્સેલર હેમન્ડ, અમ્બર રડ અને મેના ડેપ્યુટી ડેવિડ લિડિંગ્ટન ઈયુ ડાઈવોર્સમાં કસ્ટ્મ્સ યુનિયનને ઉમેરવાનો આગ્રહ કરી રહ્યાં છે. ચાન્સેલર હેમન્ડે ચૂંટણીનાં બદલે સેકન્ડ રેફરન્ડમની તરફેણ કરી હતી, જેને વડા પ્રધાન મેના પ્રવક્તાએ ફગાવી દીધી હતી. છેલ્લા અભિપ્રાય મતદાનમાં પણ કોર્બીન પાંચ પોઈન્ટથી આગળ વધી ગયા છે પરિણામે, ટોરી પાર્ટીને ભારે નુકસાન સાથે પરાજય વેઠવો પડે તેમ નિષ્ણાતો કહી રહ્યા છે. લેબર પાર્ટીએ બીજા સૂચક મતદાનમાં સોફ્ટ બ્રેક્ઝિટ અને સેકન્ડ રેફરન્ડમ વિકલ્પોની તરફેણ કરી હતી.
થેરેસા મે ડીલ ત્રીજી વખત ફગાવાયું
બ્રિટિશ સાંસદોએ રાજકીય તોફાનમાં ઘેરાયેલા વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતી દરખાસ્તને હાઉસ ઓફ કોમન્સમાં સતત ત્રીજી વખત ફગાવી હતી. ગત શુક્રવારના મતદાનમાં થેરેસા સમજૂતીની તરફેણમાં ૨૮૬ અને વિરુદ્ધમાં ૩૪૪ મત પડ્યા હતા.આના પરિણામે, યુકેને હવે યુરોપિયન યુનિયનમાંથી નીકળવા વધુ સમય મળવાની શક્યતા ઘટી છે. જો યુકેને ઈયુ બ્લોકમાંથી બહાર નીકળવું હોય તો એણે ૧૨ એપ્રિલ સુધી કોઇ વૈકલ્પિક દરખાસ્ત મૂકવાની રહેશે. જોકે, થેરેસા મે વધુ એક વખત પોતાની દરખાસ્ત કોમન્સમાં મૂકવા મક્કમ છે. સમાધાનરુપે સોફ્ટ બ્રેક્ઝિટની દરખાસ્ત કરનારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નિક બોલ્સે ટોરી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી.
સાંસદોએ મેની દરખાસ્તને ફરીથી ફગાવતાં ૨૨ મે પછી રાજીનામાંની ઓફર કરનારાં વડા પ્રધાને હવે ૧૨ એપ્રિલ સુધી કોઇ નવી યોજના રજૂ કરવી પડશે. જો વડા પ્રધાનની દરખાસ્ત પાસ થઇ હોત તો બ્રિટિશ પાર્લામેન્ટને બ્રેક્ઝિટ સબંધિત તમામ નિયમો પસાર કરવા ૨૨ મે સુધીનો સમય મળી ગયો હોત. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે ૧૦ એપ્રિલે યુરોપિયન કાઉન્સિલની બેઠક બોલાવવા નિર્ણય કર્યો હતો.
પરિણામ પર ટિપપ્ણી કરતાં મેએ સાંસદોને કહ્યું હતું કે,‘ ગૃહના નિર્ણયની અસરો ખૂબ જ ગંભીર છે. મને ડર છે કે આપણે આ ગૃહમાં પ્રક્રિયાની અંતિમ સીમા સુધી પહોંચી રહ્યા છીએ. મારી સરકાર સમયબદ્ધ બ્રેક્ઝિટ ડાઈવોર્સ માટે દબાણ કરતી રહેશે જે લોકમતની માગ છે.’ તેમણે ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે સાંસદો કોઇ વિકલ્પ અંગેની ચર્ચામાં ભાગ લેશે.
બ્રેક્ઝિટને વિલંબમાં નાખવા નવો ખરડો
પાર્લામેન્ટમાં તમામ વિકલ્પો ફગાવી દેવાયા પછી પણ રીમેઈનર્સ લેબર પાર્ટીના ઈવેટ કૂપર અને ટોરી પાર્ટીના સર ઓલિવર લેટવિને બ્રેક્ઝિટ તારીખ ૧૨ એપ્રિલ પછી પણ થેરેસા મેને નો-ડીલ સાથે ઈયુમાંથી બહાર નીકળવાના બદલે બ્રેક્ઝિટને વિલંબમાં નાખવાની ફરજ પાડે તેવો ખરડો રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બંને સાંસદોએ આખરી પ્રયાસરુપે ક્રોસ-પાર્ટી બિલ રજૂ કર્યું છે. આ બિલની જોગવાઈ અનુસાર પ્રાઈમ મિનિસ્ટરે કોમન્સમાં પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે જેમાં તારીખ ૧૨ એપ્રિલ પછી બ્રેક્ઝિટ લંબાવવા તેમને સત્તા મળી શકે. સામાન્ય રીતે પાર્લામેન્ટમાં બિલ પસાર થતાં સપ્તાહો, મહિનાઓ અને વર્ષો લાગી જાય છે પરંતુ, આ સાંસદો બિલ ગુરુવારે જ તમામ તબક્કામાંથી કોમન્સમાં પસાર કરવાની ફરજ પડે તેવો ઈરાદો ધરાવે છે. સ્પીકરે પણ આ બિલને રજૂઆતની મંજૂરીનો સંકેત આપ્યો છે.
ચૂંટણીની અટકળોઃ હવે શું થશે?
આ બધુ વડા પ્રધાન થેરેસા મે પર આધાર રાખે છે. જો તેમની સમજૂતી પસાર થાય તો તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી પરંતુ, તે શરતી હતી. ઉપરાછાપરી હારથી થેરેસા મેની રાજકીય મૂડી ખલાસ થઈ ગઈ છે. ટોરી પાર્ટીની નેતાગીરી હાથ કરવા અન્ય નેતાઓ પણ મેદાનમાં છે. કોમન્સમાં મડાગાંઠ છે અને સરકાર પાસે કામ કરવા જેવી બહુમતી નથી. ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટના કારણે સરકાર ગાડુ ગબડાવી શકે પરંતુ, તેની સત્તા અર્થહીન બની રહેશે.
બીજી તરફ આ કાયદાના લીધે વડા પ્રધાન ક્વીનને કોમન્સનું વિસર્જન કરવા કહી ચૂંટણી જાહેર કરી શકે તેમ નથી. આના બદલે બે પદ્ધતિનો ઉપયોગ થઈ શકે. સરકાર કોમન્સમાં વહેલી ચૂંટણી માટેનો ઠરાવ મૂકી શકે છે. જોકે, આ ઠરાવ બે તૃતીઆંશ બહુમતીથી પસાર થવો જોઈએ. આનો અર્થ કે મુખ્ય પક્ષોમાંથી કોઈ પણ તેને અટકાવી શકે છે. બીજું, જો સરકાર નો કોન્ફિડન્સ પ્રસ્તાવમાં હારી જાય અને ૧૪ દિવસમાં નવી વ્યવસ્થા ન થઈ શકે તો ચૂંટણી યોજી શકાય. ટોરી બળવાખોરો કોર્બીનના પ્રસ્તાવમાં સાથ આપે તો આમ થઈ શકે છે.
પાર્લામેન્ટના વિસર્જનમાં એકથી બે સપ્તાહનો સમય લાગે છે અને ચૂંટણી યોજાય તો શરુ થવાંથી માડી તેના અંત સુધીમાં ઓછામાં ઓછો પાંચ સપ્તાહનો સમય લાગે છે. આને ધ્યાનમાં લઈએ તો મે મહિનાના પાછલા ભાગમાં મતદાન કરવાનું આવી શકે છે. જો ટોરી પાર્ટી આ પહેલા તેમની નેતાગીરીની ચૂંટણી યોજે તો દેશની ચૂંટણી જૂન મહિનાના પાછલા સપ્તાહમાં જઈ શકે છે.
ચૂંટણી નિષ્ણાત અને બ્રિટિશ પોલિંગ કાઉન્સિલના પ્રમુખ સર જ્હોન કર્ટિસે ચેતવણી આપી છે કે વહેલી ચૂંટણીથી પણ બ્રેક્ઝિટ મડાગાંઠ ઉકેલાશે નહિ અને ત્રિશંકુ પાર્લામેન્ટ રચાશે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ મુખ્ય પક્ષ બહુમતી માટે જરુરી ૩૨૦ બેઠક મેળવી નહિ શકે. તેમના માનવા અનુસાર ટોરી પાર્ટીને ૩૦૭ બેઠક અને લેબર પાર્ટીને ૨૫૬ બેઠક મળી શકે, જે અનુક્રમે સાત બેઠકનો ઘટાડો અને ૧૧ બેઠકનો વધારો સૂચવે છે.
સાંસદો દ્વારા પ્રથમ સૂચક મતદાન
વિકલ્પ તરફેણ વિરુદ્ધ
સેકન્ડ રેફરન્ડમ ૨૬૮ ૨૯૫
કસ્ટમ્સ યુનિયન ૨૬૪ ૨૭૨
લેબર વૈકલ્પિક યોજના ૨૩૭ ૩૦૫
કોમન માર્કેટ ૨.૦ ૧૮૮ ૨૮૩
આર્ટિકલ-૫૦ રદ કરવા ૧૮૪ ૨૯૩
નો ડીલ ૧૬૦ ૪૦૦
ટ્રાન્ઝિશન યથાવત ૧૩૯ ૪૨૨
સિંગલ માર્કેટ ૦૬૫ ૩૭૭
સાંસદો દ્વારા બીજું સૂચક મતદાન
વિકલ્પ તરફેણ વિરુદ્ધ
કસ્ટમ્સ યુનિયન ૨૭૩ ૨૭૬
કોમન માર્કેટ ૨.૦ ૨૬૧ ૨૮૨
સેકન્ડ રેફરન્ડમ ૨૮૦ ૨૯૨
બ્રેક્ઝિટ રદ કરવું ૧૯૧ ૨૯૨
---------------


