થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાન-બીને સુધારા સાથે સાંસદોની બહાલી

પ્લાન-બીને ૩૧૭ વિરુદ્ધ ૩૦૧ મતથી બહાલીઃ લેબર પાર્ટીના ૧૪ સાંસદોએ તરફેણ કરીઃ નવી સમજૂતી માટે ૧૩ ફેબ્રુઆરી સુધીનો સમયઃ ઈયુ નેતાઓએ નવી વાટાઘાટનો વિચાર ફગાવ્યો

Wednesday 30th January 2019 06:26 EST
 
 

લંડનઃ આ મહિનાની શરૂઆતમાં બ્રેક્ઝિટ સમજૂતી પર ઐતિહાસિક પરાજય વેઠનારાં વડા પ્રધાન થેરેસા મેનાં પ્લાન-બીને સાંસદોએ ૨૯ જાન્યુઆરી, મંગળવારે ૩૧૭ વિરુદ્ધ ૩૦૧ મતથી બહાલી આપી છે. બ્રિટિશ સાંસદોએ આઈરિશ બેકસ્ટોપ સહિત બ્રેક્ઝિટ સમજૂતી પર નવી વાટાઘાટો કરવા વડા પ્રધાન મેને આદેશ આપતા ટોરી સાંસદ સર ગ્રેહામ બ્રેડીના સુધારાને ટેકો આપ્યો હતો, જેમાં સાત લેબર સાંસદો પણ જોડાયા હતા. બીજી તરફ, સાંસદોએ ૩૧૮ વિરુદ્ધ ૩૧૦ મતથી નો-ડીલ બ્રેક્ઝિટ શક્યતાને ફગાવતા ક્રોસ-પાર્ટી સુધારાને પણ બહાલી આપી હતી. બ્રેક્ઝિટને માર્ચ ૨૯ પછી પણ આગળ લંબાવી વિલંબમાં મૂકવા જેરેમી કોર્બીનના ટેકા સાથેની દરખાસ્ત વિરુદ્ધ મત આપીને લેબર પાર્ટીના ૧૪ સાંસદોએ થેરેસા મેનાં પ્લાન-બીને બચાવી લીધો હતો. આ મતદાનના પગલે વડા પ્રધાન મે હવે વિવાદાસ્પદ આઈરિશ બેકસ્ટોપના બદલે વૈકલ્પિક વ્યવસ્થા વિચારવા ઈયુ નેતાઓ સાથે નવેસરથી મંત્રણા કરશે. જોકે, ઈયુ નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ યથાવત રહેશે અને નવી દરખાસ્તો નહિ વિચારાય. જો ૧૩ ફેબ્રુઆરી સુધી કોઈ સમજૂતી શક્ય નહિ બને તો સાંસદો ૧૪ ફેબ્રુઆરીએ નવી દરખાસ્તો પર ચર્ચા અને મતદાન કરી શકશે તેવી ખાતરી વડા પ્રધાન થેરેસાએ પોતાના વક્તવ્યમાં આપી હતી. મંગળવારના મતદાનના બે સપ્તાહ અગાઉ જ સાંસદોએ ૨૩૦ મતની ઐતિહાસિક સરસાઈ સાથે થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતી ફગાવી દીધી હતી. લેબર પાર્ટીના કૂપર સુધારાનો પરાજય થતા કોર્બીન પૂર્વશરતો વિના જ થેરેસા સાથે બ્રેક્ઝિટ મુદ્દે વાતચીત કરવા તૈયાર થયા હતા.

થેરેસા મે માટે નવી વાટાઘાટોનું કપરું ચઢાણ

નવી બ્રેક્ઝિટ વાટાઘાટો માટે કોમન્સ દ્વારા મેન્ડેટ અપાયો હોવાં છતાં વડા પ્રધાન મે માટે માર્ગ આસાન નહિ રહે. હવે થેરેસાએ ઈયુના નેતાઓને સમજાવવાની કુશળતા દર્શાવવી પડશે. કોમન્સમાં પ્લાન-બી પરના મતદાનનું પરિણામ જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું હતું કે નવેસરથી વાટાઘાટો કરવાની તેમની દરખાસ્ત વિશ્વસનીય નથી. જ્યારે યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ જીન-ક્લૌડ જુન્કરે કહ્યું હતું કે થેરેસા પોતાનો સમય વેડફી રહ્યાં છે. ચીફ નેગોશિયેટર માઈકલ બર્નીઅર અને યુરોપિયન પાર્લામેન્ટ બ્રેક્ઝિટ કો-ઓર્ડિનેટર ગાય વર્હોફ્ડેટ સાથે યુરોક્રેટ્સની તાકીદે બેઠક યોજાયા પછી જાહેર કરાયું હતું કે થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીમાં આઈરિશ બેકસ્ટોપ ઈન્સ્યુરન્સ સમાન છે, જે યથાવત રહેવું જ જોઈએ. ફ્રેન્ચ પ્રમુખ એમાન્યુએલ મેક્રોંએ કહ્યું હતું કે બ્રેક્ઝિટ સમજૂતી વાટાઘાટને પાત્ર નથી અને તેમણે નો-ડીલ શક્યતા અંગે તૈયાર રહેવાની ઈયુ નેતાઓને ચેતવણી પણ આપી હતી. આઈરિશ સરકારે પણ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ પર પુનઃ વાટાઘાટને નકારી કાઢી હતી.

આઈરિશ બેકસ્ટોપના બદલે વૈકલ્પિક વ્યવસ્થા સાથેના પ્લાન-બીને બહાલી મળ્યા પછી વડા પ્રધાન મેએ કહ્યું હતું કે હવે સમજૂતી સાથે ઈયુમાંથી બહાર નીકળવા નોંધપાત્ર બહુમતી મળી છે. ટોરી સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન સપ્તાહના અંત સુધીમાં ઈયુ પાસેથી છૂટછાટો મેળવવાં બ્રસેલ્સની મુલાકાત લેશે.

વડા પ્રધાન થેરેસાનું બધું ધાર્યું થયું નથી

ઈયુ સાથે નવી વાટાઘાટો કરવાને બહાલી મળ્યાં છતાં થેરેસા મે ધારેલું બધું મેળવી શક્યાં નથી. નો-ડીલ બ્રેક્ઝિટ વિચારને ફગાવી દેતા ક્રોસ-પાર્ટી સુધારાને સાંસદોએ ૩૧૮ વિરુદ્ધ ૩૧૦ મતથી પસાર કર્યો હતો. આ મતદાનનું વિશેષ મહત્ત્વ નથી છતાં કોઈ પણ હિસાબે નો-ડીલ બ્રેક્ઝિટ ટાળવા થેરેસા મે દબાણ હેઠળ રહેશે. ૧૪ ફેબ્રુઆરીએ નો-ડીલ બ્રેક્ઝિટ અટકાવવાના પ્રયાસ તરીકે રીમેઈનતરફી ટોરી સાંસદોને મતદાનની તક આપવાની વડા પ્રધાનને ફરજ પડી છે. આ પગલાંથી અમ્બર રડ અને રિચાર્ડ હેરિંગ્ટન સહિતના રીમેઈનતરફી મિનિસ્ટર્સે રાજીનામાંની ધમકી પાછી ખેંચી હતી. આનો અર્થ એ થાય છે કે કોમન્સમાં નવેસરથી બળના પારખાં કરવપાં પડે તે અગાઉ બ્રેક્ઝિટ ડીલ હાંસલ કરવા થેરેસા મે પાસે માત્ર બે સપ્તાહ રહ્યા છે. પીઢ ટોરી સાંસદ સર ગ્રેહામ બ્રેડીએ પક્ષને એકજૂટ રાખવા શરતી સુધારો રજૂ કર્યો હતો, જેનાથી મે સામે નેતાગીરીના હરીફ બોરિસ જ્હોન્સન અને અન્ય બળવાખોરોએ થેરેસાના પ્લાન-બીને ટેકો આપ્યો હતો.

પ્લાન-બીને સમર્થન પછી હવે શું થશે?

આઈરિશ બેકસ્ટોપમાં ફેરફાર અને છૂટછાટો માગવા થેરેસા મે બ્રસેલ્સકની મુલાકાત લેશે. જોકે, ઈયુ નેતાઓએ નવી વાટાઘાટ કે છૂટછાટની શક્યતા નકારી કાઢતા તેઓ વચ્ચે મુલાકાત યોજાશે તે મુદ્દે પણ અટકળો વધી ગઈ છે.

વડા પ્રધાને કોમન્સમાં કહ્યું છે તેમ જો ૧૩ ફેબ્રુઆરી સુધીમાં નવી સમજૂતી થઈ ન શકે તો ૧૪ ફેબ્રુઆરીએ સાંસદો મળશે અને સરકાર વધુ દરખાસ્તો ગૃહ સમક્ષ રજૂ કરશે અને સાંસદો તેના પર મતદાન કરશે.

ધ યુરોપિયન યુનિયન (વિથ્ડ્રોઅલ) એક્ટ ઓફ ૨૦૧૮ અન્વયે યુકે ઈયુમાંથી બહાર નીકળે તેની આખરી તારીખ અને સમય હાલના તબક્કે તો ૨૯ માર્ચના સવારના ૧૧ કલાક છે. જો આ તારીખ સુધીમાં પણ કોઈ સમજૂતી શક્ય નહિ બને તો ૨૯ જાન્યુઆરીના પ્લાન-બી મતદાન છતાં યુકે કોઈ સમજૂતી વિના જ ઈયુમાંથી બહાર નીકળશે.

લેબર સાંસદોએ પણ બળવો પોકાર્યો

બ્રેક્ઝિટના આર્ટિકલ-૫૦ની મુદતને લંબાવવા ઈવેટ કૂપરના સુધારાને લેબર નેતા જેરેમી કોર્બીનના સમર્થન અને પક્ષના આદેશ છતાં પીઢ ડાબેરી ડેનિસ સ્કીનર સહિત ૧૪ બેકબેન્ચર લેબર સાંસદોએ બળવો પોકારી થેરેસા મેના પ્લાન-બીની તરફેણમાં મત આપ્યો હતો. આ સાંસદો સામે શિસ્તભંગના પગલાં લેવાની પણ વાત ચાલી છે. બળવાખોર સાંસદોમાંથી સાત સાંસદોએ ટોરી સભ્ય સર ગ્રેહામ બ્રેડીના નવેસરથી વાટાઘાટના સુધારાની તરફેણ કરી હતી. કૂપર પ્લાનમાં ઈયુ અને યુકે વચ્ચે સમજૂતી શક્ય બનાવવા યુકે આ વર્ષના અંત સુધી ઈયુમાં રહી શકે તે માટે આર્ટિકલ-૫૦ની મુદતને લંબાવવાનો સમાવેશ થયો હતો. લેબર ફ્રન્ટ બેન્ચ તથા નિક બોલ્સ સહિત કેટલાક ટોરી સભ્યોએ તેને ટેકો આપવા છતાં સુધારાનો ૨૯૮ વિરુદ્ધ ૩૨૧ મતથી પરાજય થયો હતો. પાર્ટીના સુધારાનો પરાજય થતા કોર્બીન પૂર્વશરતો વિના થેરેસા સાથે બ્રેક્ઝિટ મુદ્દે વાતચીત કરવા તૈયાર થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter