થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાનને તોડી પાડવા ટોરી બળવાખોરો મક્કમ

Wednesday 05th September 2018 03:03 EDT
 
 

લંડનઃ પૂર્વ મિનિસ્ટર્સ ઈઆન ડંકન સ્મિથ અને પ્રીતિ પટેલ સહિત ટોરી બળવાખોરો વડા પ્રધાન થેરેસા મેના ચેકર્સ બ્રેક્ઝિટ પ્લાનને તોડી પાડવા બેકબેન્ચના અભિયાનમાં સામેલ થઈ ગયા છે. ‘The Stand Up 4 Brexit’ ગ્રૂપમાં આશરે ૨૦ કન્ઝર્વેટિવ સાંસદ જોડાયા હોવાનું મનાય છે.પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે ચેકર્સ પ્લાનની દરખાસ્તો વિરુદ્ધ મત આપવાનું જાહેર કરવા સાથે નેતાગીરી બદલવાની જરૂર ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. બીજી તરફ, પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને વડા પ્રધાનની ચેકર્સ યોજનાને ઈયુના વિજય સમાન ગણાવી હતી.

હાઉસ ઓફ કોમન્સમાં થેરેસાની મર્યાદિત બહુમતી છે ત્યારે તેમના જ પક્ષના બેકબેન્ચર્સનો નાનો બળવો પણ સરકારને પરાજિત કરી શકે છે. ‘The Stand Up 4 Brexit’ ગ્રૂપ મુક્ત અવરજવરનો અંત લાવવા ઉપરાંત, બ્રિટનને માલસામાન મુદ્દે ઈયુના ધોરણો સાથે જોડાયેલું રાખવાની યોજનાનો વિરોધ કરી રહ્યું છે. ચેકર્સ પ્લાન મુદ્દે બ્રેક્ઝિટ સેક્રેટરીના હોદ્દા પરથી રાજીનામું આપનારા ડેવિડ ડેવિસે પણ મિસિસ મેની દરખાસ્તો વિરુદ્ધ મત આપવાનું જાહેર કર્યું છે. જોકે, ચૂંટણી વ્યૂહબાજ લિન્ટન ક્રોસ્બી મેના સ્થાને બોરિસ જ્હોન્સનને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં બોઠવવાની યોજના ઘડતા હોવાના દાવાઓ મધ્યે ડેવિસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાર્ટીની નેતાગીરી બદલવામાં માનતા નથી.

બોરિસ જ્હોન્સને ટેલિગ્રાફમાં તેમની કોલમમાં વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ રણનીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે યુરોપ છોડવાનું કૌભાંડ ‘એ નથી કે આપણે નિષ્ફળ ગયા છીએ પરંતુ આપણે પ્રયાસ જ નથી કર્યો તેનું છે.’ લંડનના પૂર્વ મેયર જ્હોન્સને ટેલિગ્રાફમાં લખ્યું હતું કે વાટાઘાટો ‘ફિક્સ’ જ કરાયેલી છે, જે બ્રસેલ્સને વિજય તરફ દોરી જશે. જ્હોન્સનની તાજી ટીપ્પણીઓથી મિસિસ મે પર દબાણ વધી જશે.

ઈયુ બ્રિટનને વિશિષ્ટ ડીલ ઓફર કરશે

દરમિયાન, ઈયુના ચીફ વાટાઘાટકાર માઈકલ બર્નીએરે આખરે બ્રેક્ઝિટ વિશે પોતાનું વલણ હળવું બનાવતા કહ્યું છે કે ઈયુ બ્રિટનને વિશિષ્ટ ડીલ ઓફર કરશે. બર્નીએરે અન્ય કોઈ ત્રીજા દેશ સાથે કરાઈ ન હોય તેવી પાર્ટનરશિપ બ્રિટન સાથે રાખવાની ખાતરી આપી હતી. આમ છતાં, સિંગલ માર્કેટનો અર્થ સિંગલ માર્કેટ જ થાય છે. બધામાંથી થોડું થોડું મેળવાય તે સિંગલ માર્કેટ નથી, તેમ પણ તેમણે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter