થેરેસા મે યુકેના ૭૬મા વડા પ્રધાન

Wednesday 13th July 2016 07:01 EDT
 
 

એક સમયે લાગતું હતું કે વેસ્ટમિન્સ્ટર પાર્ટીની ચૂંટણીઓના લાંબા ઉનાળા માટે તૈયારી કરી રહ્યું હતું. ત્યારે ટોરી પાર્ટીના નેતૃત્વના એક મજબૂત ઉમેદવાર એન્ડ્રેઆ લીડસોમે ડેવિડ કેમરનના પૂર્વગામી બનવાની સ્પર્ધામાંથી ખસી જવાનું પસંદ કરતાં વડા પ્રધાન પદની સ્પર્ધામાં હોમ સેક્રેટરી થેરેસા મે એકમાત્ર અને આખરી ઉમેદવાર તરીકે મેદાનમાં રહ્યાં હતાં. થેરેસા મે શાસનના સૂત્રો સંભાળશે તેની સાથે ક્વિનના શાસન હેઠળ તેઓ ૧૩મા વડા પ્રધાન બની જશે. તેઓ બ્રિટનના બીજા મહિલા વડા પ્રધાન બનશે જે ટોરી પાર્ટીમાંથી જ હશે.

મંગળવારે અમે પ્રેસમાં જઈ રહ્યાં છીએ ત્યારે ‘ગુજરાત સમાચાર’ને જાણવા મળ્યું છે કે ડેવિડ કેમરન બ્રિટનના વડાપ્રધાન તરીકે બુધવારે તેમના આખરી ક્વેશ્ચન ટાઇમમાં હાજરી આપશે અને તે પછી ક્વિનને પોતાનું રાજીનામું સુપરત કરવા બકિગહામપેલેસ જવા રવાના થશે. ક્વિન હાલ સેન્ડ્રીંઘામ ખાતે રોકાણ કરી રહ્યા છે અને બુધવારે બપોર સુધીમાં લંડન આવી પહોંચશે. આમ, ઔપચારિક સત્તા હસ્તાંતરણ માટે કેમરન સાથે તેમની મુલાકાતમાં થોડો વિલંબ થશે. તેમણે પોતાની સરકારના નેતૃત્વ માટે નવા પ્રાઇમ મિનિસ્ટરની નિયુક્તિ કરવી પડશે.

થેરેસાની સરખામણી સતત બ્રિટનના પ્રથમ મહિલા વડા પ્રધાન માર્ગારેટ થેચર સાથે થઈ રહી છે. ત્યારે સૌથી લાંબી સેવા આપનારા હોમ સેક્રેટરી થેરેસા મેએ વડા પ્રધાન તરીકે ‘બહેતર બ્રિટન’ના નિર્માણનું વચન આપ્યું છે અને ઈયુની બહાર બ્રિટન માટે ‘નવી ભૂમિકાના સર્જન’ની બાંહેધરી પણ આપી છે. પાર્લામેન્ટની બહાર બોલતા મિસિસ મેએ કહ્યું હતું કે ડેવિડ કેમરનના અનુગામી બનવાનું ગૌરવ તેઓ નમ્રતા સાથે અનુભવી રહ્યાં છે. રિમેઇન છાવણીના ચુસ્ત સમર્થક હોવા છતાં રેફરન્ડમ પછી નેતૃત્વનો તેમનો પ્રથમ સંદેશ એ હતો કે ‘બ્રેક્ઝિટ મીન્સ બ્રેક્ઝિટ’.

ક્વિન સાથે મુલાકાત લીધા બાદ વડા પ્રધાન થેરેસા મેની મુખ્ય અને મહત્ત્વની કામગીરી આ પ્રમાણે રહેશે.

કેબિનેટની પસંદગીઃ શ્રીમતી મેના મહત્ત્વના એક પગલાંમાં પોતાની ટીમની પસંદગી ખાસ છે. તેઓ પોતાની કેબિનેટમાં એન્દ્રેઆ લીડસોમને કોઈ ભૂમિકા ઓફર કરશે કે નહીં તે જોવું રસપ્રદ બનશે. થેરેસા મેના સહયકોએ જણાવ્યું હતું કે તેમની કેબિનેટની પસંદગીમાં ‘એકતા અને સ્થિરતા’ વિશેષ સ્થાન ધરાવશે. લિઆમ ફોક્સ, ડેવિડ ડેવિસ, અને ક્રિસ ગ્રેલિંગ સહિત લીવ છાવણીના અગ્રણી સમર્થકો પણ નવી કેબિનેટમાં હોવાની ધારણા છે.

ક્રીસ ગેલિંગને મેના સફળ પ્રચાર બદલ હોમ સેક્રેટરીનું મહત્ત્વનું પદ અપાય તેવી પણ શક્યતા છે. જોકે જ્યોર્જ ઓસબોર્નને ચાન્સેલર તરીકે ચાલુ રાખવાની શક્યતા નથી અને નેતાગીરીની સ્પર્ધામાં નિષ્ફળ ગયેલા માઈકલ ગોવને બેક બેન્ચિસમાં ધકેલી દેવાય તેમ જણાય છે. આમ છતાં તેમને ફોરેન સેક્રેટરી અથવા બિઝનેસ સેક્રેટરી બનાવાય તેવી પણ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો માને છે કે બ્રિટનના પ્રથમ મહિલા ડિફેન્સ સેક્રેટરીને નિયુક્ત કરી થેરેસા મે નવો ઇતિહાસ રચશે. આ હોદ્દા માટેના ઉમેદવારોમાં એમ્બર રડ, એન્ના સોબ્રી અથવા પેની મોરડાઉન્ટની શક્યતા છે. વર્તમાન એજ્યુકેશન મિનિસ્ટર અને બ્રેક્ઝિટ સમર્થક પ્રિતી પટેલ પણ કેબિનેટમાં મહત્ત્વનું સ્થાન મેળવે તેવી ધારણા છે.

નેતૃત્વની સ્પર્ધામાં હોવા છતાં અને પાછળથી મેને સમર્થન આપનારાં સ્ટીફન ક્રેબ પણ મહત્ત્વની કેબિનેટ પોઝીશન મળે તેવી શક્યતા છે. જોકે ટૂંકા સમય માટે પણ નેતૃત્વના સ્પર્ધક બોરીસ જ્હોન્સનનું રાજકીય ભાવિ ડામાડોળ જણાય છે. આમ છતાં બ્રેક્ઝિટ કેમ્પેઇનના મહત્ત્વના ચહેરા રૂપે તેઓ નાઈજેલ ફરાજ સાથે મે માટે મૂલ્યવાન સાથી બની રહેશે. મેના પ્રચાર અભિયાનમાં અન્ય ચાવીરૂપ સભ્યોમાં એલન ડંકન, બ્રેન્ડન લૂઈ, માઇકલ એલિસ, ગેવિન વિલિયમસન, સામ ગીમાહ, રીચાર્ડ હેરિંગ્ટનનો પણ સમાવેશ થાય છે.

વડાપ્રધાન મે ઈયુ વાટાઘાટામાં સહાયક કરવા માટે સમર્પિત બ્રેકઝિટ મિનિસ્ટર નિયુક્ત કરે તેવી પણ અપેક્ષા છે.

બ્રેક્ઝિટમાં આગેકદમઃ મિસ મેએ કહ્યું હતું કે તેઓ ૨૦૧૭ના આરંભ સુધી યુરોપિયન યુનિયન છોડવા માટેની ઔપચારિક પ્રક્રિયા આર્ટિકલ ૫૦ને અમલી બનાવશે નહીં. પરંતુ હવે તેમણે બ્રેકઝિટની પ્રક્રિયાનો આરંભ કરવો પડશે. વડાપ્રધાન પદ થેરેસા મેના હસ્તક જવાના સમાચાર બ્રસેલ્સ માટે જૂન ૨૩ પછી સૌથી સારા બની રહ્યાં છે. બ્રેક્ઝિટ વોટ પછી બ્રિટનમાં જે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો હતો તેનાથી ઈયુના બાકીના ૨૭ સભ્યો વધુ સતર્ક બન્યાં હતાં. હવે સોદાબાજી સરળ નહીં હોય પરંતુ તેઓ કોઈ સમજૂતી પર ખાતરીઓ મેળવવા માટે તત્પર છે. તેનાથી ઈયુમાંથી બહાર નીકળવું અરાજક અને આર્થિક રીતે વિનાશક બની રહે નહીં.

બ્રેક્ઝિટ પ્રોસેસ અતિ ઝડપી બની રહેશે. કારણ કે ઈયુના કાયદાઓ અને વેપારનીતિને સંપૂર્ણ રીતે આવરી લેવા માત્ર બે વર્ષ છે. બ્રિટનની સ્થિતિ પ્રમાણમાં નબળી છે અને વાટાઘાટો કરવાની છે. જોકે પૂર્વ હોમ સેક્રેટરી તરીકે જસ્ટિસ અને હોમ એફેર્સની શીખર પરીષદોમાં છ મહિના નિયમિત હાજરી આપી હોવાથી બ્રસેલ્સમાં તેઓ જાણીતા છે.

ટ્રાઇડેન્ટ અંગે નિર્ણયઃ મેની સરકારની મુખ્ય કામગીરીમાં ટ્રાઇડન્ટ ન્યૂક્લિઅર ડેટરન્ટને પુનઃ કાર્યરત બનાવવા માટે સોમવાર ૧૮ જુલાઈએ પાર્લામેન્ટરી વોટનો સમાવેશ થાય છે. આ પછી પાર્લામેન્ટ સમર રિસેસ માટે વિરામ લેશે.

સામાન્ય ચૂંટણીઓ યોજાશે?ઃ થેરેસા મેએ અગાઉ કહ્યું છે કે તેઓ તત્કાળ જનરલ ઈલેક્શનની ઘોષણા નહીં કરે. જો કે દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીની તરફેણનો સામનો તેઓ કરી રહ્યાં છે. આ પક્ષોની દલીલ છે કે થેરેસા મે મતદારોની તો નહીં પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોનો મતાદેશ પણ ધરાવતા નથી.

ભારત સાથે થેરેસા મેના સંબંધો

થેરેસા મેએ ભારતની એક માત્ર મુલાકાત ૨૦૧૨માં લીધી છે પરંતુ યુકે માટે કડક ઈમિગ્રેશન નીતિઓ માટે તેઓ ભારતભરમાં જાણીતા છે. ભારત મુલાકાતમાં તેમણે નવેમ્બર ૨૦૧૨માં હૈદરાબાદ ખાતે નેશનલ પોલીસ એકેડમીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સંબોધન કર્યું હતું કે તેમણે ૨૦૦૮ના મુંબઈ હુમલામાંથી શીખેલો પાઠ બ્રિટનના સુરક્ષા દળોમાં સામેલ કર્યો છે.

વડાપ્રધાન મે ભારત પર કેમરનના ફોકસને આગળ વધારે તેવી શક્યતા છે. જેમાં ઈયુ છોડ્યા પછી ભારત, ચીન અને કોમનવેલ્થ રાષ્ટ્રો સાથે વેપારી સંબંધો આગળ વધારવા બ્રેક્ઝિટ છાવણીના વચનોને પણ સાકાર બનાવાશે.

કન્ઝર્વેટિવ સાંસદ આલોક શર્માએ ‘ગુજરાત સમાચાર’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન ડેવિડ કેમરન યુકે-ઈન્ડિયા સંબંધોને સફળતાપૂર્વક ઉચ્ચસ્તર સુધી લઈ જવા માટે જવાબદાર હતા અને મને ચોક્કસ ખાતરી છે કે વડાપ્રધાન થેરેસા મેના શાસનમાં પણ બંને મહાન દેશો વચ્ચેના વિશિષ્ટ સંબંધો વૃદ્ધિ પામી વધુ સમૃદ્ધ બનશે. થેરેસા મે અતિ સન્માનીય અને અનુભવી રાજકારણીય છે જેઓ યુકે અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિની અભૂતપૂર્વ ક્ષમતા જોઈ શકે છે. થેરેસા મેમાં ભારતને ઘણા સારા મિત્ર અને આ કરી શકાશે તેવા વલણવાળા ભાગીદાર મળશે.’

થેરેસામેએ ભારત સંબંધિત કોઈ મુદ્દાઓ પર પાર્લામેન્ટરી ચર્ચાઓમાં ભાગ લીધો નથી. છતાં યુકેમાં પ્રવાસીઓ તરીકે આવતાં પાંચ દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કરીને તેમણે ભારત સરકારનો રોષ વહોરી લીધો હતો. આ યાદી હેઠળના દેશોના નાગરિકોએ ૩૦૦૦ પાઉન્ડનું વિઝા બોન્ડ ભરવાનો થતો હતો અને તેઓ પોતાના દેશમાં પાછા ફરે ત્યારે આ રકમ રિફંડ કરાતી હતી. ભારે વિરોધ થયા પછી નવેમ્બર ૨૦૧૩માં આ યોજના પડતી મુકાઈ હતી.

હોમ સેક્રેટરી થેરેસા મેએ એપ્રિલ ૨૦૧૨માં સ્વનિર્ભર ભારતીય વિદ્યાર્થીઓમાં ભારે લોકપ્રિય પોસ્ટ સ્ટડી વર્ક વિઝા બંધ કરી દીધો હતો. જેના પરિણામે યુકે અભ્યાસ માટે આવતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. મોટી સંખ્યામાં ભારતીય અને અન્ય નોન ઈયુ વિદ્યાર્થીઓને કથિત પ્રવેશ આપતી બોગસ કોલેજોને બંધ કરી દેવા બદલ તેમની ભારે પ્રશંસા થઈ હતી. આ પછી તેમણે સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણો હળવા કરવા યુનિવર્સિટીઓ તેમજ અન્યો દ્વારા કરાતાં ભારે દબાણનો સતત પ્રતિકાર કર્યો છે. બ્રિટનમાં પાંચ વર્ષના રહેવાસ પછી કાયમી વસવાટ ઇચ્છતા લોકો તેમજ નોન ઈયુ જીવનસાથીને દેશમાં લાવવા ઈચ્છતા બ્રિટિશ નાગરિકો માટે વેતનની મર્યાદા લાદવાના તેમના નિર્ણયો સામે કાનૂની પડકાર કરાયાં છે.

વિઝા હેતુઓ માટે ફરજિયાત પરીક્ષા લેનારા ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ સેન્ટરોમાં ખામી બહાર આવતાં તેમના પરિણામો રદ કરી દેવાયા હતાં. મેના ડિપાર્ટમેન્ટના આ પગલાંથી હજારો ભારતીયોને અસર પહોંચી હતી. આ નિર્ણયને આખરે કોર્ટે ફગાવી દીધો હતો.

આ વર્ષની શરૂઆતમાં મેએ પ્રતિબંધિત સંસ્થાઓની યાદીમાંથી ખાલિસ્તાન તરફી ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનને પડતું મૂકતાં ભારત સરકારે નિરાશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ટાઇગર હનીફ જેવાં વોન્ટેડ ભારતીયોના પ્રત્યાર્પણ અંગેના નિર્ણય લેવામાં પણ તેમણે સતત વિલંબ કર્યો છે.

રાજકારણ ઉપરાંત, થેરેસા મે અને તેમના પતિ ફિલિપ જોન મે ક્રિકેટના ભારે પ્રશંસક છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભૂટ્ટો દ્વારા ૧૯૭૬માં થેરેસા અને ફિલિપનો પરિચય ઓક્સફર્ડ કન્ઝર્વેટિવ ડિસ્કોમાં કરાવાયો હતો. યુનિવર્સિટીમાં મેનું આ પ્રથમ વર્ષ હતું. થેરેસા મે તેમના મતવિસ્તાર મેઈડનહીડમાં ભારતીય ઉત્સવોમાં શાંતિપૂર્વક હાજરી આપતા હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter