થેરેસા મેની હત્યાના પ્રયાસ બદલ ISIS ત્રાસવાદીને જેલ

Wednesday 05th September 2018 03:06 EDT
 
 

લંડનઃ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવેશદ્વારને બોમ્બથી ઉડાવી વડા પ્રધાન થેરેસા મેની હત્યાના પ્રયાસ બદલ ઈસ્લામિક સ્ટેટના ૨૧ વર્ષીય ત્રાસવાદી નાઈમૂર ઝકરિયાહ રહેમાનને ઓલ્ડ બેઈલી કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે. બ્રિટનમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓની તૈયારી કરવાના દોષિત ઠરાવાયેલા રહેમાનની ગત વર્ષે ૨૮ નવેમ્બરે ધરપકડ કરાઈ હતી.

નાઈમૂર રહેમાને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજાને બોમ્બથી ઉડાવી, ગાર્ડ્સને ખતમ કર્યા પછી વડા પ્રધાનની ચાકુ અથવા ગનથી હત્યા કરવાની યોજના ઘડી હતી. રહેમાનને સજા ફરમાવતા જસ્ટિસ હેડોન-કેવે તેને ખતરનાક વ્યક્તિ ગણાવ્યો હતો. તેણે આજીવન કેદની સજામાં ઓછામાં ઓછાં ૩૦ વર્ષ કેદમાં વીતાવવાના રહેશે. જસ્ટિસે તેને શાંતિનો પાઠ શીખવા જેલમાં કુરાનનું પઠન કરવા જણાવ્યું હતું. રહેમાને દાવો કર્યો હતો કે પોલીસે તેને ઈરાદાપૂર્વક ફસાવ્યો હતો. જોકે, જ્યૂરીએ ૧૩ કલાકની લાંબી વિચારણાનાં અંતે તેને દોષી ઠરાવ્યો હતો.

મૂળ બર્મિંગહામનો નોર્થ લંડનના ફિન્ચલેના નિવાસી રહેમાને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાણ સાધી વિસ્ફોટકો સાથેનું જેકેટ અને થેલો મેળવ્યાં હોવાનું માનતો હતો. જોકે, જેને તે IS હેન્ડલર માની વાતો કરતો હતો તે વાસ્તવ અંડરકવર ઓફિસર હતો. મેટ્રોપોલીટન પોલીસ, FBI અને MI5 તેના પર નજર રાખતી હતી.

લડવા માટે સીરિયા જનારા અને ગત જૂનમાં ડ્રોન હુમલામાં મોતને ભેટેલા તેના કાકાએ રહેમાનને પ્રોત્સાહન આપ્યું હતું. તેના અન્ય બે કાકાને ત્રાસવાદને ભંડોળ આપવા બદલ ઓગસ્ટ ૨૦૧૬માં જેલમાં મોકલાયા હતા. IS અધિકારીના સ્વાંગમાં રહેલા એજન્ટ સાથે વાતચીતમાં રહેમાને કહ્યું હતું કે,‘હું પાર્લામેન્ટ પર આત્મઘાતી હુમલો અને થેરેસા મેની હત્યાનો પ્રયાસ કરવા માગું છું. અહીં મોટા ગેસ ટેન્કર્સ સાથેની લોરીઓ છે, જો તેને પાર્લામેન્ટ હંકારી જવાય તો હું બોમ્બ ફેંકીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter