થેરેસા મેનું રાજીનામુઃ વડા પ્રધાન પદની રેસમાં ૧૦ ઉમેદવારઃ બોરિસ મોખરે

Wednesday 12th June 2019 02:51 EDT
 
ટોરી નેતાગીરીના ઉમેદવારોઃ (ઉપર ડાબેથી) બોરીસ જ્હોન્સન, ડોમિનિક રાબ, જેરેમી હન્ટ, રોરી સ્ટુઅર્ટ, માર્ક હાર્પર, સાજિદ જાવિદ અને (નીચે ડાબેથી) એસ્થર મેક્વે, મેટ હેનકોક, આન્દ્રેઆ લીડસોમ, માઈકલ ગોવ, સામ ગીમાહ, તેમજ વિદાય લેતાં વડા પ્રધાન થેરેસા મે 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ ત્રણ વર્ષ કન્ઝર્વિટવ પાર્ટીના નેતા રહ્યા પછી શુક્રવાર, સાત જૂને હોદ્દાનો સત્તાવાર ત્યાગ કર્યો છે. જોકે, જુલાઈમાં તેમના અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં કાર્યવાહક વડા પ્રધાન તરીકે રહેશે. આ માટે જુલાઈના અંત સુધીનો સમય જણાવાયો છે. ડેવિડ કેમરને ૨૦૧૬માં રાજીનામું આપ્યું તે પછી ત્રણ મહિનામાં નવા નેતાની ચૂંટણી કરવાની હતી. જોકે, થેરેસા મે આખરી ઉમેદવાર રહેતાં એક મહિનાથી ઓછાં સમયમાં તેઓ વડા પ્રધાન બન્યાં હતાં. આ સ્પર્ધામાં ૧૦ ઉમેદવાર હોવાં છતાં પાંચ ઉમેદવાર સાંસદોના આવશ્યક સમર્થન સાથે આગળ વધે તેવી સંભાવના છે. માનવા અનુસાર આ સ્પર્ધકોમાં ૫૭ સાંસદના ટેકા સાથે બોરિસ જ્હોન્સન મોખરે છે, જ્યારે માઈકલ ગોવ (૩૪ સાંસદ), જેરેમી હન્ટ (૩૦ સાંસદ), ડોમિનિક રાબ (૨૫ સાંસદ) અને સાજિદ જાવિદ ૨૧ સાંસદનો ટેકો ધરાવે છે. સોમવાર, ૧૦ જૂનથી નોમિનેશન પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે.

મુખ્ય પાંચ સ્પર્ધકોના વાયદા અને વચનો

સ્પર્ધકોમાં બ્રેક્ઝિટ સમજૂતી વિશે તેઓ શુ કરશે તે મુદ્દે હોડ લાગી છે. સ્પર્ધામાં સૌથી આગળ બોરિસ જ્હોન્સન ૩૧ ઓક્ટોબરની આખરી સમયમર્યાદા સુધીમાં સમજૂતી સાથે કે સમજૂતી વિના ઈયુમાંથી બહાર જવા મક્કમ છે. આ સાથે સારી શરતો ન મળે ત્યાં સુધી ૩૯ બિલિયન પાઉન્ડની બ્રેક્ઝિટ ડાયવોર્સ ચૂકવણી અટકાવી રાખવાની પણ તેમની તૈયારી છે. તેમણે ઈંગ્લેન્ડમાં સેકન્ડરી શાળાઓનું બજેટ વિદ્યાર્થીદીઠ ઓછામાં ઓછાં ૫,૦૦૦ પાઉન્ડ વધારવાનું અને જો તેઓ વડા પ્રધાન બનશે તો ઈન્કમટેક્સની ૪૦ પેન્સની મર્યાદા ૫૦,૦૦૦ પાઉન્ડથી વધારી ૮૦,૦૦૦ પાઉન્ડ કરવાનું પણ વચન આપ્યું છે. આનો લાભ મુખ્યત્વે ધનવાન લોકોને મળવાની શક્યતા છે.

બીજા ક્રમના સ્પર્ધક માઈકલ ગોવ બ્રેક્ઝિટ સમજૂતી માટે જરુર પડે ૩૧ ઓક્ટોબરની સમયમર્યાદા લંબાવવાની તરફેણ કરે છે. ગોવ પણ શાળાઓ પાછળ ખર્ચામાં વધુ ઉદારતા દાખવી વર્ષે વધારાના એક બિલિયન પાઉન્ડ ફાળવવા તેમજ બ્રેક્ઝિટ પછી ૩૦ લાખ ઈયુ નાગરિકોને મફત બ્રિટિશ નાગરિકત્વનું વચન આપે છે. માઈકલ ગોવે ૨૦ વર્ષ અગાઉ ઘણી વખત કોકેઈન લીધાનો અને જેલ જવાથી બચી જવાને એકરાર કર્યા પછી તેમની પ્રતિષ્ઠાને ભારે ધક્કો વાગ્યો છે.

ત્રીજા મહત્ત્વના સ્પર્ધક જેરેમી હન્ટ મધ્યમમાર્ગી છે. તેઓ નવી ટીમ સાથે ઈયુથી બહાર નીકળવા નવી સમજૂતીના પ્રયાસનું વચન આપે છે.તેઓ બ્રેક્ઝિટ પછીના દાયકામાં સંરક્ષણ બજેટ બમણું કરવા તૈયાર છે. હન્ટ કોર્પોરેશન ટેક્સનો દર ૧૯ ટકાના બદલે ૧૨.૫ ટકા કરવાની તરફેણ કરે છે. આ ઉપરાંત, હન્ટે ગર્ભપાતની કાનૂની સમયમર્યાદા ૨૪ સપ્તાહથી ઘટાડી ૧૨ સપ્તાહ કરવાને સમર્થન આપ્યું છે.

ચોથા ક્રમના સ્પર્ધક ડોમિનિક રાબ સમજૂતી વિના પણ ઈયુ છોડવા અને સાંસદો તેને અટકાવી ન શકે તે માટે પાર્લામેન્ટને સુષુપ્ત રાખવા પણ તૈયાર છે. રાબે આગામી પાર્લામેન્ટના ગાળામાં ઈન્કમટેક્સમાં પાંચ પેન્સ સુધીનો એટલે કે ૨૦ પેન્સથી ઘટાડી ૧૫ પેન્સ જેવો ઘટાડો કરવા વચન આપ્યું છે. કેટલાકના મતે આની પાછળ ૨૫ બિલિયન પાઉન્ડનો બોજો પડી શકે છે.

પાંચમા ક્રમના અને એશિયન મૂળના ઉમેદવાર સાજિદ જાવિદ પણ ૩૧ ઓક્ટોબર સુધીમાં ઈયુ છોડવા તૈયાર છે. તેઓ ઈમિગ્રેશન નીતિ હળવી કરવાનો અને વિદેશી વિદ્યાર્થીઓ યુકેમાં નોકરી કરવા વધુ સમય રોકાઈ શકે તેવો મત ધરાવે છે. કોઈની પણ સરકાર બને, સાજિદ જાવિદ મહત્ત્વનો પોર્ટફોલિયો મેળવશે તે નક્કી છે. જાવિદે ઈન્કમટેક્સ ચુકવવાની મર્યાદા ૧૫૦,૦૦૦ પાઉન્ડ કરવાનું સૂચન પણ કર્યું છે.

નેતાગીરી સ્પર્ધામાં બોરિસ જ્હોન્સન સૌથી આગળ

વડા પ્રધાન થેરેસા મેનું સ્થાન મેળવવાની સ્પર્ધામાં પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન સૌથી આગળ છે. આ સ્પર્ધામાં આ સ્પર્ધામાં એન્વિરોનમેન્ટ સેક્રેટરી માઈકલ ગોવ, સામ ગીમાહ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક, માર્ક હાર્પર, ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ, હોમ સેક્રેટરી સાજિદ જાવિદ, કોમન્સના પૂર્વ નેતા આન્દ્રેઆ લીડસોમ, એસ્થર મેક્વે, પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબ અને ઈન્ટરનેશનલ ટ્રેડ રોરી સ્ટુઅર્ટ સહિત ૧૦ ઉમેદવાર છે.

પોલિટિકલ સ્ટ્રેટેજી ગ્રૂપ CTF Partners દ્વારા ટોરી પાર્ટીની સૌથી છેવાડાની ૪૮ બેઠકો પર લેવાયેલા ખાનગી પોલ અનુસાર આગામી ચૂંટણીમાં પક્ષથી અળગા થયેલા સમર્થકોને પુનઃ જીતવા અને લેબર પાર્ટીના જેરેમી કોર્બીનને પરાજિત કરવાના મુદ્દે પણ જ્હોન્સન આગળ છે. બ્રેક્ઝિટ પાર્ટી અને Ukipના ૧૦માંથી છ એટલે કે જૂના ૬૦ ટકા સમર્થકોએ કહ્યું છે કે જો બોરિસ જ્હોન્સન પાર્ટીના નેતા બનશે તો તેઓ ટોરી પાર્ટીમાં પાછા ફરી શકે છે. આની સામે માઈકલ ગોવ (૩૧ ટકા), સાજિદ જાવિદ (૨૩ ટકા), ડોમિનિક રાબ (૨૦ ટકા) અને જેરેમી હન્ટ (૧૫ ટકા)નો ટેકો ધરાવે છે. ઈયુ છોડવા (લીવ) અને ઈયુમાં રહેવાની (રીમેઈન) બંને છાવણીના મતદારોએ કહ્યું હતું કે અન્ય પ્રતિસ્પર્ધીઓની સરખામણીએ કોર્બીનને હરાવવા માટે બોરિસ શ્રેષ્ઠ ઉમેદવાર છે.

નેતાની ચૂંટણી માટેના નિયમો બદલાયા

ટોરી પાર્ટીએ નેતાની ચૂંટણી માટેના નિયમો બદલવા સંમતિ સાધી છે જેથી થોડું સમર્થન ધરાવતા ઉમેદવારને ગણતરીમાં ન લેવાય. ટોરી બેકબેન્ચર્સની ૧૯૨૨ કમિટી દ્વારા નિયમ બદલવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. કમિટીએ એવો નિર્ણય પણ લીધો છે કે નેતાગીરીની સ્પર્ધામાં ઝૂકાવવા ઈચ્છનારે ઓછામાં ઓછાં આઠ સભ્યોનું સમર્થન મેળવવું પડશે. આ નિયમોના કારણે નેતાગીરીના ૧૩ સ્પર્ધકમાંથી બે સ્પર્ધક ઓછાં થઈ હવે ૧૧ ઉમેદવાર વડા પ્રધાન થેરેસા મેની ખુરશી મેળવવા મેદાનમાં છે. નોર્થ વેસ્ટ હેમ્પશાયરના સાંસદ અને હાફસિંગ મિનિસ્ટર કિટ માલ્ટહાઉસે ટ્વીટ કરીને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

સોમવાર ૧૦ જૂને નોમિનેશન ખુલ્લા થશે અને તે જ સાંજે બંધ કરી દેવાશે. ઉમેદવારોએ ચૂંટણીમાં આગળ વધવા પ્રથમ બેલેટમાં પાંચ ટકા (૧૬ સાંસદ) અને સેકન્ડ બેલેટમાં ૧૦ ટકા (૩૨ સાંસદ) મત જીતવાના રહેશે. ૧૯૨૨ કમિટીએ નિર્ણય લીધો છે કે પ્રથમ રાઉન્ડ પછી જે ઉમેદવારને ૧૭થી ઓછાં સાંસદના મત મળશે તે સ્પર્ધામાંથી બહાર જશે. બીજા રાઉન્ડ પછી આ મર્યાદા ૩૩ સાંસદની થશે. ટોરી સાંસદો દ્વારા પ્રથમ નેતૃત્વ મતદાન ૧૩ જૂને કરાશે અને તે પછી ૧૮,૧૯ અને ૨૦ જૂને મતદાન નિર્ધારિત કરાયા છે. ટોરી સાંસદો એક વખત બે ઉમેદવાર પર આખરી પસંદગી વ્યક્ત કરે તે પછી પાર્ટીના આશરે ૧૬૦,૦૦૦ સભ્યો પોસ્ટલ વોટ્સ દ્વારા તેમાંથી નવા નેતાની પસંદગી કરશે તેમ સાંસદ માઈકલ ફેબ્રીકાન્ટે જણાવ્યું હતું. બે આખરી ઉમેદવારની પસંદગી આગામી સપ્તાહ સુધીમાં કરી લેવાશે અને જુલાઈના અંત સુધીમાં નવા વડા પ્રધાનની પસંદગી થઈ જશે.

પીટરબરા બેઠક લેબર પાર્ટીએ જાળવી 

પીટરબરા પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના લિઝા ફોર્બસના વિજય સાથે પાર્ટીએ બેઠક જાળવી રાખી છે. નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીએ જોરદાર લડત આપવા છતાં લેબર પાર્ટીના લિઝા ફોર્બસને ૧૦૪૮૪ મત અને બ્રેક્ઝિટ પાર્ટીના માઈક ગ્રીનને ૯૮૦૧ મત મળ્યાં હતાં. કન્ઝર્વેટિવ પાર્ટી ૭,૨૪૩ મત સાથે ત્રીજા સ્થાને જ્યારે લિબરલ ડેમોક્રેટસ (૪,૧૫૯) અને ગ્રીન્સ (૧૦૩૫) પાર્ટીઓ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને રહી હતી. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને જણાવ્યું હતું કે સરકારી ભંડોળોમાં કાપ અને બ્રેક્ઝિટમાં નિષ્ફળતાના કારણે ટોરી પાર્ટીની હાર થઈ છે. બ્રેક્ઝિટ પાર્ટીની આ પ્રથમ પેટાચૂંટણી હતી તે જોતા ફરાજે આનંદ વ્યક્ત કર્યો હતો. ચાર મહિના અગાઉ જ સ્થપાયેલી બ્રેક્ઝિટ પાર્ટીએ ગયા મહિને યુરોપિયન પાર્લામેન્ટ ચૂંટણીમાં ૨૯ બેઠક સાથે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter