લંડનઃ વડા પ્રધાન થેરેસા મેને તેમની સામે નેતાગીરીના પડકારમાંથી હાલ રાહત મળી છે. તેમણે ચાર મહિના અગાઉ ૧૨ ડિસેમ્બરે વિશ્વાસનો મત મેળવ્યો હોવાં છતાં પક્ષના બળવાખોર સાંસદો તેમને હટાવવાની પેરવી કરી રહ્યા હતા. જોકે, ટોરી પાર્ટીની બેકબેન્ચ ૧૯૨૨ કમિટીએ તેમને હટાવવા માટે નિયમ બદલવા ઈનકાર કરી દીધો છે. નિયમ અનુસાર વિશ્વાસના મતના ૧૨ મહિના સુધી તેમને નેતાપદેથી હટાવી શકાતા નથી. જોકે, સમિતિએ બ્રેક્ઝિટના આગામી તબક્કા પહેલા પદત્યાગનું વચન આપનારાં થેરેસા મે પાસે સ્પષ્ટ ટાઈમટેબલની માગણી કરી છે.
બીજી તરફ, થેરેસા મે સરકાર વિરુદ્ધ હાઉસ ઓફ કોમન્સમાં નવો નો-કોન્ફિડન્સ વોટ આવી શકે છે. જો બળવાખોર ટોરી સાંસદો સાથ નહિ આપવાના કારણે સરકારનો પરાજય થાય તો સામાન્ય ચૂંટણી પણ આવી શકે છે. ટોરી પાર્ટીના ૧૫ ટકા સાંસદોએ વિશ્વાસના મત માટે બેકબેન્ચ ૧૯૨૨ કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીને લેખિત વિનંતી કરવાની રહે છે પરંતુ, હવે ૨૦૧૯ના અંત સુધીમાં આવું કોઈ મતદાન થઈ શકશે નહિ. થેરેસા મેએ ૧૨ ડિસેમ્બરે ૨૦૦ વિરુદ્દ ૧૧૭ મતથી વિશ્વાસનો મત જીત્યો હતો.
બ્રેક્ઝિટમાં વિલંબ, જેરેમી કોર્બીન સાથે મંત્રણા તેમજ આગામી મહિને બ્રિટનને ઈયુ ચૂંટણીમાં ભાગ લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા બદલ થેરેસા મેથી રોષિત બળવાખોર ટોરી સાંસદો દ્વારા સમિતિ સમક્ષ ૧૨ મહિનાના સમયગાળાને ઘટાડી છ મહિનાનો કરવાની દરખાસ્ત મૂકાઈ હતી. જો દરખાસ્ત મંજૂર થઈ હોત તો ૧૨ જૂને થેરેસા મે સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂથઈ શક્યો હોત.
થેરેસા મેની લોકપ્રિયતા તળિયે પહોંચી
ટોરી પાર્ટીના સભ્યોમાં જ થેરેસા મેની લોકપ્રિયતા તળિયે પહોંચી છે. પક્ષના સભ્યોમાં જ તેમનું રેટિંગ એક મહિનામાં ૨૦ પોઈન્ટ્સથી વધુ નીચે ઉતર્યું છે. કેબિનેટમાં તેઓ હવે માઈનસ ૭૩.૫ ટકા રેટિંગ સાથે સૌથી ઓછાં લોકપ્રિય સભ્ય છે, જ્યારે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગનું રેટિંગ માઈનસ ૭૧.૧ ટકા છે. ConservativeHome દ્વારા ટોરી સમર્થકોના પોલ અનુસાર બ્રેક્ઝિટતરફી આન્દ્રેઆ લીડસોમ ૪૦.૬ ટકા રેટિંગ સાથે સૌથી વધુ લોકપ્રિય છે અને તેમના પછી લિઝ ટ્રસ, જેરેમી હન્ટ તથા સ્કોટિશ ટોરી નેતા રુથ ડેવિડસનનો ક્રમ આવે છે. પક્ષની નેતાગીરી માટે સંભવિત ઉમેદવારો માઈકલ ગોવ અને સાજિદ જાવિદના રેટિંગ્સ સારાં છે.
એન વિડકોમ્બ બ્રેક્ઝિટ પાર્ટીમાં જોડાયાં
૫૫ વર્ષથી ટોરી પાર્ટીના ૭૧ વર્ષીય સભ્ય એન વિડકોમ્બ પાર્ટી છોડીને નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીમાં સામેલ થઈ ગયાં છે. પૂર્વ મિનિસ્ટર માને છે કે થેરેસા મે અને પાર્લામેન્ટે ઈયુ છોડવા મત આપનારા ૧૭.૪ મિલિયન બ્રિટિશરોનો દ્રોહ કરી રહ્યાં છે. હવે તેઓ યુરોપિયન યુનિયન પાર્લામેન્ટની મે મહિનામાં થનારી ચૂંટણીમાં સાઉથ વેસ્ટમાં બોરિસ જ્હોન્સનના બહેન રાચેલ અને જેકોબ રીસ-મોગના બહેન એન્યુઝિઆન્તા સામે બ્રેક્ઝિટ પાર્ટીના ઉમેદવાર બનવાનાં છે. તેમણે UKIP ના પૂર્વ નેતા અને બ્રેક્ઝિટ પાર્ટીના સ્થાપક નાઈજેલ ફરાજને પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચર પછીના મહાન નેતા ગણાવ્યા હતા. તેમણે ટોરી અને લેબર પાર્ટીમાંથી મોટા માથાં પણ બ્રેક્ઝિટ પાર્ટીમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.


