થેરેસા રાજીનામાં માટે તૈયારઃ બોરિસની ઉમેદવારી જાહેર

ડોનાલ્ડ ટ્રમ્પની યુકે મુલાકાત પછી ચોથી વખત વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ સંસદ સમક્ષ મૂકાશેઃબોરિસ જ્હોન્સને થેરેસાના અનુગામી તરીકે ઉમેદવારી જાહેર કરી સહુને ચોંકાવી દીધા

Wednesday 22nd May 2019 01:38 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ ટોરી પાર્ટીની તેમનાં રાજીનામાં અંગેની માગણી સામે ઘૂંટણ ટેકવી દીધાં છે અને ત્રીજી જૂનથી આરંભાતી અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યુકેની ત્રણ દિવસની મુલાકાત પછી લગભગ સાત જૂને લેબર પાર્ટીનો સાથ મળે કે ના મળે તેની ચિંતા કર્યા વિના જ ચોથી વખત પોતાની બ્રેક્ઝિટ ડીલ (વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ) સંસદ સમક્ષ રાખશે. લેબર પાર્ટી અને ટોરી વચ્ચે બ્રેકઝિટ મુદ્દે કોઈ સમજૂતી થઈ શકી નથી. બીજી તરફ, પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ટોરી પાર્ટીમાં થેરેસા મેના અનુગામી તરીકે પોતાની ઉમેદવારી વહેલી જાહેર કરીને સહુને ચોંકાવી દીધા છે. થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટી મે ૨૩ની યુરોપીય સંસદની ચૂંટણીઓમાં ઈયુ વોટ્સના માત્ર નવ ટકા હાંસલ કરે તેવી ધારણા છે. નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટી ૩૫ ટકા સાથે સૌથી આગળ છે તે પછી લિબ ડેમ ૧૬ ટકા, લેબર પાર્ટી ૧૫ ટકા અને ધ ગ્રીન પાર્ટી ૧૦ ટકા મત મેળવશે તેમ જણાય છે.

થેરેસા જુલાઈના અંત પહેલા હોદ્દો છોડશે?

વડા પ્રધાન થેરેસા મેએ આખરે જુલાઈના અંત પહેલા રાજીનામું આપવાના સમયપત્રક સાથે સંમત થવાની ટોરી સભ્યોની માગણી સ્વીકારી લીધી હોવાનું મનાય છે. વડા પ્રધાન અને વરિષ્ઠ ટોરી સભ્યો વચ્ચે ૯૦ મિનિટની બેઠકમાં થેરેસા મેએ પાર્ટીની સપ્ટેમ્બરની કોન્ફરન્સ માટે નવા નેતાને ચૂંટવા પૂરતો સમય મળે તે માટે રાજીનામું આપવાનું સ્વીકારી લીધું હતું. જોકે, તેમણે ચોક્કસ તારીખ આપવાના દબાણનો પ્રતિકાર કર્યો હતો. બેઠકમાં તેમને સ્પષ્ટ જણાવાયું હતું કે તેમને ફરજ પાડવામાં આવે તેના બદલે માન સાથે પદત્યાગ કરવાનું સારું રહેશે. બ્રેક્ઝિટ ડિલિવર કર્યા વિના જ હોદ્દાના ત્યાગના મુદ્દે થેરેસા મે હતાશ જણાયાં હતાં. બેઠક અગાઉ ૧૯૨૨ કમિટીના એક્ઝિ. સેક્રેટરી બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે જો વડા પ્રધાન ટાઈમટેબલ નહિ આપે તો તેમના માટે તારીખ નક્કી દેવાશે. જોકે, પાછળથી તેમણે ચર્ચાના પરિણામ વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે, થેરેસા મેના સાથીઓએ જણાવ્યું હતું કે તેમણે પોતાનો હોદ્દો છોડવાનું સમયપત્રક તૈયાર કરી દીધું છે. દરમિયાન, ૧૫ જૂન સુધી રાજીનામું ન અપાય તો પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનની અસાધારણ બેઠકમાં નો-કોન્ફિડન્સ ઠરાવ મૂકવાની ચેતવણી પણ બળવાખોરોએ આપી હતી.

ટ્રમ્પની મુલાકાત પછી સમજૂતી પર ચોથું મતદાન

ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે મેએ પોતાનું ધ્યાન હવે વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ પસાર કરાવવા પર કેન્દ્રિત કર્યું છે. પાર્લામેન્ટ જુલાઈના અંતે વિરામ લે તે અગાઉ વડા પ્રધાને પોતાની સમજૂતી પસાર કરાવી લેવી આવશ્યક બને છે, જેનાથી સમજૂતીને ડોમેસ્ટિક કાયદામાં ફેરવી શકે છે. કેબિનેટ એ બાબતે સંમત છે કે લેબર પાર્ટી સાથે સમજૂતી વિના પણ જુલાઈના અંત પહેલા ડીલ પસાર કરાવી લેવું જોઈએ અને જો તે પસાર થઈ જશે તો જુલાઈ મહિનામાં પોતાનું રાજીનામું આપી દેશે તેમ કહેવાઈ રહ્યું છે. કોમન્સના નેતા આન્દ્રેઆ લીડસોમે જણાવ્યું હતું કે સાંસદોને ત્રીજી જૂનથી શરુ થતાં સપ્તાહમાં મતદાન કરવા જણાવાશે. વડા પ્રધાન મે આ સપ્તાહમાં નોરમાન્ડીમાં ડી-ડેની ૭૫મી વર્ષગાંઠ તેમજ પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાતમાં વ્યસ્ત હોવાથી શુક્રવાર સાતમી જૂને મતદાન કરાવાની શક્યતા છે. યુરોપીય સંસદની ચૂંટણીઓમાં પણ ટોરી પાર્ટીનો ધબડકો થશે તેમ મનાય છે. એવી આગાહી છે કે ટોરી પાર્ટી ત્રીજા કે ચોથા સ્થાને આવશે. વડા પ્રધાનને આશા છે કે ચૂંટણીમાં ધબડકાના લીધે ટોરી પાર્ટીના સાંસદો બ્રેક્ઝિટ ડીલની તરફેણ કરશે. વડા પ્રધાને લેબર નેતા જેરેમી કોર્બીન સાથે આમને સામને મુલાકાતમાં સોફ્ટ બ્રેકિઝટ સમાધાનની કોઈ શક્યતાનો નિર્ણય લેવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું.

બોરિસ જ્હોન્સને ઉમેદવારી જાહેર કરી

થેરેસા મેના અનુગામી તરીકે ટોરી પાર્ટીમાં ઓછામાં ઓછાં ૨૦ નેતાએ પોતાની મહેચ્છા વ્યક્ત કરી છે ત્યારે ‘પહેલો ઘા રાણાનો’ના હિસાબે પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી છે. તેમણે માન્ચેસ્ટરમાં બ્રિટિશ ઈન્સ્યુરન્સ બ્રોકર્સ એસોસિયેશનની કોન્ફરન્સમાં આ વિશે જણાવ્યું હતું. તેમણે ઉમેદવારી ભલે ૧૬ મેએ જાહેર કરી હોય પરંતુ, સર્વોચ્ચ પદ માટેની તેમની તૈયારી મહિનાઓથી ચાલી રહી છે. બોરિસ અત્યાર સુધી પાર્ટીના ૨૦૦ સાંસદોને મળી ચૂક્યા છે. બોરિસ પોતાના પોર્ટકુલિસ હાઉસની ચોથા માળની ઓફિસે ૧૫ મિનિટના ટાઈમ સ્લોટમાં સાંસદોને મળે છે. તેમણે સાંસદોને ચેતવણી આપી હતી કે પાર્ટી અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહી છે અને માત્ર તેઓ જ નાઈજેલ ફરાજ અને જેરેમી કોર્બીનથી પાર્ટીને બચાવી શકશે. મતદાન માટે બે સ્પર્ધકના રાઉન્ડમાં તેમણે પહોંચવું પડે. આથી, સાંસદોને મનાવવા તેઓ અત્યારથી તૈયારી કરી રહ્યા છે. છ મહિના અગાઉ, બેરિસના વિજય માટે ભારે શંકા સેવાતી હતી પરંતુ, હવે સાંસદો સ્વીકારે છે કે તેનું અભિયાન ગતિ પકડી રહ્યું છે. ડેવિડ કેમરને ૨૦૧૬માં પદત્યાગ કર્યો ત્યારે બોરિસ તેમના અનુગામી બનવા ફેવરિટ હતા પરંતુ, તેમના જ સાથી માઈકલ ગોવે છેલ્લી ઘડીએ સમર્થન પાછું ખેંચી લેતા તેમણે મેદાન છોડ્યું હતું. જ્હોન્સને ગત જુલાઈમાં વડા પ્રધાન મેના ચેકર્સ ડીલના વિરોધમાં ફોરેન સેક્રેટરી તરીકે રાજીનામું આપી દીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter