લંડનઃ ક્વીન્સ સ્પીચમાં લેબર પાર્ટી દ્વારા જાહેર ક્ષેત્રમાં એક ટકાની વેતનવૃદ્ધિ મર્યાદા દૂર કરવા મુદ્દે રજૂ કરાયેલા સુધારા પર હાઉસ ઓફ કોમન્સમાં થયેલા મતદાનમાં થેરેસા સરકારનો બચાવ થયો હતો. ચૂંટણી પછી આ પ્રથમ શક્તિ પરીક્ષણ હતું અને ડીયુપીના સમર્થનના પગલે સરકારનો માત્ર ૧૪ મતે વિજય થયો હતો. સુધારાની તરફેણમાં ૩૦૯ અને સરકારના પક્ષે ૩૨૩ મત પડ્યા હતા.
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને જાહેર ક્ષેત્રની વેતનમર્યાદા તેમજ ગ્રેનફેલ ટાવર દુર્ઘટનાના પગલે પોલીસ અને ફાયરફાઈટર્સની વધુ ભરતી કરવા મુદ્દે ક્વીન્સ સ્પીચમાં સુધારો મૂક્યો હતો. નોર્ધર્ન આયર્લેન્ડને એક બિલિયન પાઉન્ડનું વધુ ભંડોળ ફાળવવાની ડીયુપી સાથે સમજૂતી થયાના પગલે તેના તમામ ૧૦ સભ્યોએ સરકારને મત આપ્યા હતા અને ટોરી પાર્ટીના કોઈ સભ્યે બળવો કરી સુધારાની તરફેણ કરી ન હતી. લિબરલ ડેમોક્રેટ્સ અને સ્કોટિશ નેશનલ પાર્ટીએ સુધારાની તરફેણમાં મત આપ્યો હતો.
આ મતદાનમાં સરકારના બચી જવાથી વડા પ્રધાને રાહતનો શ્વાસ લીધો હતો. ચૂંટણીમાં ટોરી પાર્ટીએ બહુમતી ગુમાવ્યા પછી પાર્લામેન્ટમાં તેમની પ્રથમ પરીક્ષા હતી. જો મતદાનમાં તેમની હાર થઈ હોત તો તેમનું વહીવટીતંત્ર અરાજકતામાં આવી ગયું હોત. જોકે, વેતનમર્યાદા અને કરકસરના મુદ્દે તેમની સરકાર નવા વિવાદમાં સપડાઈ છે.


