થેરેસાનાં બ્રેક્ઝિટ ડ્રાફ્ટને બહાલીઃ ચાર મિનિસ્ટરના રાજીનામાં

બળવાખોરોને જોરદાર લડત આપવાં થેરેસા મેનો નિર્ધારઃ વધુ રાજીનામાંની શક્યતાઃ

Friday 16th November 2018 04:29 EST
 
 

લંડનઃ કેબિનેટ મિનિસ્ટરોએ પાંચ કલાકની લાંબી ચર્ચાના અંતે થેરેસા મેની બ્રસેલ્સ સાથેની સમજૂતીના ડ્રાફ્ટને બહાલી આપતા વડા પ્રધાન સામે પ્રથમ અવરોધ દૂર થયો હતો. જોકે, હવે પાર્લામેન્ટમાં તેને પસાર કરાવવાનો મોટો અવરોધ પસાર કરવાનો બાકી રહે છે. ટોરી પાર્ટીના સાથી પક્ષ DUP તેમજ લેબર પાર્ટીએ સંસદમાં બ્રેક્ઝિટ ડ્રાફ્ટ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત પણ કરી દીધી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પાર્લામેન્ટમાં મતદાન થઈ શકે છે. ઈયુ છોડવાના હિમાયતી ટોરી સાંસદો તેમજ ઈયુમાં રહેવાતરફી કેટલાક સાંસદો પણ યુકેને બ્રસેલ્સની દયા પર નિર્ભર બનાવવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબ, નોર્ધન આયર્લેન્ડ માટેના મિનિસ્ટર શેલેષ વારા, વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી એસ્થર મેક્વે તેમજ જૂનિયર બ્રેક્ઝિટ મિનિસ્ટર સુએલા બ્રેવરમાને સમજૂતી ડ્રાફ્ટના વિરોધમાં સરકારમાંથી રાજીનામાં આપી દીધાં હતાં. માઈકલ ગોવ, ક્રિસ ગ્રીલિંગ અને એઈડ સેક્રેટરી પેની મોરડાઉન્ટનાં રાજીનામાંની પણ ભારે અટકળો ચાલી રહી છે. બીજી તરફ, થેરેસા મે સામે વિરોધ વધી રહ્યો છે અને તેમને અવિશ્વાસના મત થકી હોદ્દા પરથી દૂર કરવા બળવાની યોજનાઓ ઘડાઈ રહી છે. જોકે, કેટલાક મધ્યમમાર્ગી ટોરી સાંસદો બળવાખોરોનો વિરોધ કરી રહ્યા છે. થેરેસા મેએ પત્રકાર પરિષદમાં તેમના બ્રેક્ઝિટ સોદાને રાષ્ટ્રીય હિતમાં ગણાવવા સાથે વિરોધીઓને જોરદાર લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

શેલેષ વારા, રાબ સહિત ચાર મિનિસ્ટરના રાજીનામાં

થેરેસા મે સરકારમાં નોર્ધન આયર્લેન્ડ માટેના મિનિસ્ટર શેલેષ વારાએ ૧૫ નવેમ્બરે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘વર્તમાન યોજના યુકેને વિભાજિત કરી અડધા માર્ગે જ પહોંચાડશે. આપણે ગૌરવશાળી રાષ્ટ્ર છીએ અને જેમના હૃદયમાં આપણા હિત સમાયા નથી તેવા દેશોએ ઘડેલા નિયમોનું પાલન કરવાના દિવસ સુધી પહોંચીશું તે દુઃખદ બની રહેશે. આપણે આનાથી વધુ સારું કરી શકીએ છીએ. બ્રિટનના લોકોને આનાથી વધુ સારુ મળવું જોઈએ. આથી, હું આ સમજૂતીને ટેકો આપી શકતો નથી. આ સમજૂતી યુનાઈટેડ કિંગ્ડમને ઈયુના બંધનો તોડનાર સાર્વભૌમ, સ્વતંત્ર રાષ્ટ્ર બની રહેવા નહિ દે. નોર્ધન આયર્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે કડક સીમા ન હોવી જોઈએ તેમ હું માનું છું છતાં, યુનાઈટેડ કિંગ્ડમની આર્થિક અને બંધારણીય એકતાને સન્માન અપાવું જોઈએ.’

વારાના રાજીનામા સાથે બ્રેક્ઝિટ સમજૂતી ડ્રાફ્ટ સામે વિરોધનો વંટોળ વધ્યો હતો. મે સરકારના બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબે પણ રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે નોર્ધન આયર્લેન્ડ સાથે બ્રેક્ઝિટ પછીની સરહદ ટાળવાની વિશે સૂચિત વ્યવસ્થા યુનાઈટેડ કિંગ્ડમની એકતા વિરુદ્ધ ખતરાસમાન છે. ઈયુ આપણી એક્ઝિટની ક્ષમતા સામે વીટો વાપરી શકે તેવી અમર્યાદ વ્યવસ્થાને હું ટેકો આપી શકું નહિ. જસ્ટિસ સેક્રેટરીના સહાયક રાનિલ જયાવર્દેના, એજ્યુકેશન સેક્રેટરી ડેમિયન હિન્ડ્સના સહાયક એન-મેરી ટ્રેવેલીન, ટોરી પાર્ટીના વાઈસ ચેરમેન રેહમાન ચિશ્તી તેમજ ડાઉનિંગ સ્ટ્રીટના લેજિસ્લેટિવ એફેર્સ ડાયરેક્ટર નિકી દ કોસ્ટા સહિત કુલ સાત સાંસદોએ તેમની મિનિસ્ટર તરીકેની જવાબદારી છોડી દીધી છે, જેમાં ચાર પ્રધાનો ઉપરાંત વધુ રાજીનામાં પડવાની શક્યતા જોતાં વડા પ્રધાને કેબિનેટ રીફશફલિંગ ટાળ્યું હતું.

બળવાની સામે મધ્યમમાર્ગીઓનો વિરોધ

થેરેસા મે સામે વિરોધ સાથે અવિશ્વાસના મત થકી હોદ્દા પરથી દૂર કરવા બળવાની યોજનાઓ ઘડાઈ રહી છે ત્યારે, કેટલાક મધ્યમમાર્ગી ટોરી સાંસદોએ બળવાખોરોનો વિરોધ કર્યો હતો. મધ્યમમાર્ગીઓએ જણાવ્યું હતું કે થેરેસાને દૂર કરવાથી સરકાર પડી ભાંગશે, અર્થતંત્રને નુકસાન થશે તેમજ બ્રેક્ઝિટ પણ ખતરામાં આવી પડશે. ડેઈલી મેઈલ દ્વારા ખાસ મોજણીમાં જણાયું હતું કે અડધાથી વધુ ટોરી મતદારોએ સંભવિત બળવાનો વિરોધ કર્યો હતો જ્યારે, ૩૦ ટકાએ થેરેસાને દૂર કરવાની તરફેણ કરી હતી.

વડા પ્રધાન મેએ માઈકલ ગોવને બ્રેક્ઝિટ સેક્રેટરીનો હોદ્દો ઓફર કર્યો હતો પરંતુ, બ્રસેલ્સ સાથે બ્રેક્ઝિટ સોદાની પુનઃ વાટાઘાટ પોતે જ કરશે તેવી માગણી કરી હતી. જોકે, વડા પ્રધાને તેમની માગણી નકારતાં ગોવે ઓફરને નકારી કાઢ્યાનું મનાય છે. 

નો કોન્ફિડન્સ વોટની શક્યતા

વડા પ્રધાન મેને અવિશ્વાસ મતનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. યુરોસ્કેપ્ટિક યુરોપિયન રિસર્ચ ગ્રૂપમાં પૂર્વ વિદેશપ્રધાન બોરિસ જ્હોન્સન, પૂર્વ મિનિસ્ટર્સ સ્ટીવ બેકર અને ઈયાન ડંકન સ્મિથ સહિત ૮૦ ટોરી સભ્યો હોવાનો દાવો કરાય છે, જેમાંથી ઓછામાં ઓછાં ૪૦ સભ્ય વડા પ્રધાનની વિરુદ્ધ છે. ઈઆરજીના સભ્યો દ્વારા ૧૯૨૨ કમિટી ચેરમેન ગ્રેહામ બ્રેડીને થેરેસા મેની નેતાગીરીમાં વિશ્વાસ ન હોવાનું જણાવતા પત્ર મોકલાઈ રહ્યા છે. પત્ર મોકલનારમાં વડા પ્રધાનના પ્રખર વિરોધી જેરોબ રીસ-મોગનો સમાવેશ થાય છે. અવિશ્વાસ દરખાસ્તને વિચારમાં લેવા માટે ઓછામાં ઓછાં ૪૮ પત્રની આવશ્યકતા રહે છે.

ડ્રાફ્ટ ઈયુ વિથ્ડ્રોઅલ સમજૂતીમાં શું છે?

• નોર્ધર્ન આયર્લેન્ડ અને આયર્લેન્ડ રીપબ્લિક વચ્ચે ફીઝિકલ બોર્ડર તપાસ ફરી દાખલ નહિ કરાય.

• ટ્રાન્ઝીશન પીરિયડનો અંત ડિસેમ્બરમાં આવે તે પહેલા જુલાઈ ૨૦૨૦માં બેકસ્ટોપનો અમલ કરવો કે નહિ તેના વિશે સમીક્ષા કરાશે.

• બેકસ્ટોપ મુદત દરમિયાન પર્યાવરણ, શ્રમિક માપદંડ અને સરકારી સહાય અંગે ઈયુ નિયમોનું પાલન કરવાનું રહેશે.

• હાર્ડ બોર્ડર ટાળવા માટે ‘બેકસ્ટોપ’ વ્યવસ્થા અમલી બનાવાશે અને અન્ય ઉકેલ ન લવાય ત્યાં સુધી તેનો અમલ યથાવત રહેશે.

• આઈરિશ સમુદ્રમાં સીમા રચવાની માગણી બ્રસેલ્સ દ્વારા પડતી મૂકાઈ હોવાનું મનાય છે.

• જોકે, સમગ્ર યુકેને કસ્ટમ્સ યુનિયન લાગુ પડશે

• ઈયુ અને બ્રિટનના સિવિલ સર્વિસ અધિકારીઓની સ્વતંત્ર પેનલ દ્વારા બહાલી ન અપાય ત્યાં સુધી બ્રિટન આ વ્યવસ્થામાંથી બહાર નીકળી જઈ શકશે નહિ.

• બ્રિટન મેઈન લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચે રેગ્યુલેટરી ચેક્સ વધી શકે છે.

• યુકેમાં રહેતા ત્રણ મિલિયન ઈયુ નાગરિકો અને ઈયુમાં રહેતા એક મિલિયન બ્રિટિશ નાગરિકોના તમામ વર્તમાન અધિકારો બ્રેક્ઝિટ પછી પણ ચાલુ રહેશે.

• ૩૯ બિલિયનથી ૪૬ બિલિયન પાઉન્ડ વચ્ચેનું ડાઈવોર્સ બિલ બ્રસેલ્સને ચૂકવવામાં આવશે.

પાર્લામેન્ટમાં જીતવા માટે ૩૧૮ મતની જરૂર

જો નેતાગીરી સામે પડકાર ન આવે તો પણ વડા પ્રધાને પાર્લામેન્ટમાં જીતવા માટે ૩૧૮ મતની જરૂર રહેશે. તેમને સરકારના ૧૫૦ સભ્ય અને અન્ય ૮૦ ટોરી સાંસદનું સમર્થન મળે તો પણ ૨૩૦ મત થાય, જે લગભગ ૯૦ મતની ઘટ દર્શાવે છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન અને સરહકારના સહયોગી ડીયુપીના નેતાએ વિરુદ્ધ મત આપવાની જાહેરાત કરી જ છે. છતાં, થેરેસાએ ટોરી પાર્ટીના ૫૦થી વધુ હાર્ડ બ્રેક્ઝિટીઅર, ડીયુપીના ૧૦ સભ્ય અને લેબર પાર્ટીના બળવાખોરો પર આધાર રાખવો પડશે. આમ છતાં, જો વડા પ્રધાન જીતી ન શકે તો તેમની રાજકીય વિશ્વસનીયતાનું ધોવાણ થાય. બીજો મત લેવાય તે પહેલા તેઓ બ્રસેલ્સ પાસેથી વધુ રાહતોની માગણી કરી શકે પરંતુ, તેઓ તત્કાળ રાજીનામું આપી દે તેવી શક્યતા વધુ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter