લંડનઃ વડા પ્રધાન થેરેસા મેને પદથી હટાવવાની યોજનામાં કન્ઝર્વેટિવ પક્ષના ૧૫ સભ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી હતી. જોકે, નેતૃત્વને પડકારવા માટે ૪૮ સભ્યની જરૂર રહે છે જે અવિશ્વાસ દરખાસ્તમાં નથી. પાર્લામેન્ટની ઉનાળું બેઠક મે માટે ખૂબ જ અગત્યની બની રહેશે કારણકે તેના પર જ તેમના ભાવિનો આધાર છે. જોકે, મેએ ચિમકી આપી છે કે કોઈ જ બ્લેકમેઇલિંગ નહિ, પસંદગી મારી અને જેરેમી કોર્બીન વચ્ચે જ કરવી પડશે. તેમના નેતૃત્વને પડકાર નવી સામાન્ય ચૂંટણી લાવશે, જે કોઈ ઈચ્છતું નથી. પૂર્વ મિનિસ્ટરે જણાવ્યું હતું કે આંકડા તો રોજ બદલાતા રહે છે પરંતુ, ૧૫ સભ્ય તેમની માગણી સતત દોહરાવે છે.
નેતાપદ માટે ડેવિસનું નામ મોખરે
થેરેસા મેનું સ્થાન લેવા માટેના સર્વેમાં ૨૧ ટકા ટોરી સભ્યો બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસને પ્રથમ સ્થાન આપે છે, ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન ૧૭ ટકા સાથે બીજા ક્રમે અને બેકબેન્ચર જેકોબ રીસ-મોગ છ ટકા સાથે આશ્ચર્યપ્રદ ઉમેદવાર છે. જોકે, ૨૬ ટકા સભ્યો મેના વારસદાર તરીકે કોઈના નામ માટે અનિર્ણિત છે.
થેરેસા મે માટે સંતોષનું રેટિંગ સૌથી નીચું હોવાં છતાં પાર્ટીના મોટા ભાગના સભ્યો એટલે કે ૭૧ ટકા તેમને જ વડા પ્રધાનપદે ચાલુ રાખવા ઈચ્છે છે જ્યારે ૨૨ ટકા તેમની વિદાય માગે છે. ટોરી પાર્ટીના બેકબેન્ચર્સનું પ્રતિનિધિત્વ કરતી ૧૯૨૨ કમિટીના વરિષ્ઠ સભ્યોએ નેતાપદની ચૂંટણીની વાતો નકારી વડા પ્રધાન બળવાખોરોની હકાલપટ્ટી કરે તો ટેકાની જાહેરાત પણ કરી દીધી છે.
કોર્બીન કરતા થેરેસા મે વધુ પસંદ
સામાન્ય ચૂંટણીમાં પછડાટ મેળવ્યાના એક મહિના પછી પણ બ્રિટિશ લોકો દેશના વડા પ્રધાન તરીકે લેબર નેતા જેરેમી કોર્બીનની સરખામણીએ થેરેસા મેને વધુ પસંદ કરે છે. Ipsos MORI સર્વેમાં માત્ર ૩૪ ટકા બ્રિટિશરોએ મિસિસ મેથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું છે, જે ચૂંટણી પહેલાના સ્કોરથી ૯ ટકા ઓછો છે. જે ૫૯ ટકાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. એપ્રિલની સરખામણીએ થેરેસા મેના અંગત લોકપ્રિયતા સ્કોરમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે. કોર્બીનના પરફોર્મન્સથી ૪૪ ટકા ખુશ છે અને ૪૫ ટકા લોકો નાખુશ છે. વડા પ્રધાન તરીકે શ્રેષ્ઠ કોણ રહેશે તેવા પ્રશ્નના ઉત્તરમાં ૪૬ ટકાએ થેરેસા મેની અને ૩૮ ટકાએ કોર્બીનની તરફેણ કરી હતી.


