લંડનઃ ટ્રેડ મિશન પર જાપાન ગયેલાં વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભાગેડું નથી અને કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતાપદ છોડવાના નથી. આગામી ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી અને તે પછી પણ રાજકારણમાં સક્રિય રહેશે. તેમણે કહ્યું હતું કે તેઓ બ્રિટનને ‘ઉજ્જવળ ભવિષ્ય’ તરફ દોરી જવાનું ચાલુ રાખવા માગે છે. ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ખરાબ દેખાવ પછી થેરેસા નેતૃત્વ છોડી દેશે તેવી ધારણાને તેમણે ખોટી પાડી હતી.
ટોક્યોમાં તેમને પ્રશ્ન કરાયો હતો કે તેઓ આગામી ચૂંટણીમાં ટોરીઝની નેતાગીરી કરશે કે કેમ? આના ઉત્તરમાં થેરેસા મેએ હિંમતપૂર્ણ જાહેરાતમાં સાંસદોને ચોંકાવતા સ્પષ્ટ કર્યું હતું કે,‘હા, હું લાંબા ગાળા માટે અહીં છું. મારાં અને મારી સરકાર માટે માત્ર બ્રેક્ઝિટ પાર પાડવાનું મહત્ત્વ નથી. અમે યુનાઈટેડ કિંગ્ડમ માટે ‘ઉજ્જવળ ભવિષ્ય’ પણ લાવીશું. હું ભાગેડું નથી.’
જો આગામી ચૂંટણીમાં ટોરી પાર્ટીનો વિજય થાય તો બે સંપૂર્ણ મુદત સુધી વડા પ્રધાન પદે રહેવાની થેરેસા મેની ખ્વાહિશ છે. ઘણાની માન્યતા એવી હતી કે બ્રિટન ૨૦૧૯માં સત્તાવારપણે ઈયુ છોડે તે પછી થેરેસા વડા પ્રધાનપદ છોડી દેશે અને ૨૦૨૨ની ચૂંટણીનું સુકાન અન્ય નેતાને સોપશે. જોકે, જાપાનની મુલાકાતના આરંભે જ થેરેસા મેએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ શક્યતા નથી. થોડા સપ્તાહ પછી કન્ઝેર્વેટિવ વાર્ષિક અધિવેશન યોજાવાનું છે ત્યારે થેરેસા મેની આ જાહેરાતથી પાર્ટીમાં નેતાગીરી માટે યાદવાસ્થળી ફરીથી જામી શકે છે. જોકે, નેતાગીરીની સ્પર્ધાથી ફરીથી સામાન્ય ચૂંટણી આવી શકે અને લેબર નેતા જેરેમી કોર્બીન વડા પ્રધાન બની જાય તેવા ભયથી મોટા ભાગના નેતાઓ થેરેસાને નેતાપદે ચાલુ રાખવાનો મત ધરાવે છે.


