લંડનઃ રોયલ મેઇલે હોલસેલ ટપાલ સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે આગામી 5 ઓક્ટોબરથી દરોમાં સરેરાશ 25 ટકા સુધીનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ભાવવધારાની સીધી અસર માર્કેટિંગ લેટર્સ, ઘરગથ્થુ બિલ અને મેડિકલ એપોઇન્ટમેન્ટની નોટિસ મોકલતી સંસ્થાઓ તેમજ યુકે મેઇલ, વિસલ અને સિટીપોસ્ટ જેવી સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકો પર પડશે.
રોયલ મેઇલના હોલસેલ બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર રિચાર્ડ ટ્રાવર્સે ગ્રાહકોને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ ભાવવધારો પડકારરૂપ હોય છે તે અમે સમજીએ છીએ. જોકે, 1,30,000 કર્મચારીઓના વિશાળ નેટવર્ક સાથે દેશવ્યાપી ટપાલ સેવા જાળવી રાખવા માટે ઇંધણ અને શ્રમ ખર્ચ જેવા પરિબળોને કારણે સંચાલન ખર્ચ સતત વધી રહ્યો છે. સેવાઓની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે ભાવમાં આ ફેરફાર કરવો જરૂરી બન્યો હતો.
મેઇલ યુઝર્સ એસોસિએશને આ ભાવવધારાને અભૂતપૂર્વ ગણાવ્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, ગ્રાહકો સાથે સંચાર માટે ટપાલ સેવા પર નિર્ભર રહેતા વ્યવસાયો પર આ નિર્ણયથી ભારે નાણાકીય બોજ પડશે.
નવા સુધારેલા દરો મુજબ 100 ગ્રામ સુધીના બલ્ક ઇકોનોમી લેટર્સ મોકલવાનો ખર્ચ 36 ટકા સુધી વધી જશે, જ્યારે સ્ટાન્ડર્ડ સર્વિસ હેઠળ 101થી 250 ગ્રામ વજનના મોટા પત્રો મોકલવા માટે 11 ટકા વધુ ચાર્જ ચૂકવવો પડશે.
રોયલ મેઇલના ગ્રાહકોએ દરેક લેટર પાછળ રિટર્ન એડ્રેસ લખવું જરૂરી
રોયલ મેઇલ દ્વારા ગ્રાહકો માટે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર જો કોઈ કારણોસર પત્ર મેળવનાર સુધી ન પહોંચી શકે તો તેને મોકલનાર સુધી સુરક્ષિત રીતે પરત પહોંચાડી શકાય તે માટે એનવેલપની પાછળ રિટર્ન એડ્રેસ લખવું અત્યંત જરૂરી છે. વાંચવામાં સરળતા રહે તે માટે કાળી શાહીનો ઉપયોગ કરવા સૂચના અપાઇ છે.


