લંડનઃ પાડાના વાંકે પખાલીને ડામ તે આને કહેવાય. સરકાર ઉત્તર ઇંગ્લેન્ડના ગરીબ વિસ્તારોમાં ફંડ ડાયવર્ટ કરી રહી છે તેથી દક્ષિણ ઇંગ્લેન્ડની કાઉન્સિલોને લાયબ્રેરીઓ બંધ કરવાની નોબત આવી શકે છે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરે ગરીબ કાઉન્સિલોને પ્રાથમિકતા આપવા કાઉન્સિલ ફાઇનાન્સમાં ધરમૂળથી બદલાવની જાહેરાત કરી છે.
આમ પણ આજની મોબાઇલફોન અને સોશિયલ મીડિયાગ્રસ્ત પેઢીને વાંચનમાં ઝાઝો રસ રહ્યો નથી તેના કારણે બૌદ્ધિક તર્કક્ષમતામાં ધોવાણ થઇ રહ્યું છે ત્યારે લાયબ્રેરીઓ બંધ થાય તે કેટલાં અંશે વ્યાજબી ગણાય. વાંચનનો શોખ ધરાવતા લોકો માટે આ પગલું કુઠારાઘાત સમાન પૂરવાર થઇ શકે છે.
સરકારે ઉત્તરની કાઉન્સિલોને ટેક્સમાં વધારો કરવાની પરવાનગી આપી છે જ્યારે દક્ષિણની કાઉન્સિલોને આ મુક્તિ અપાઇ નથી. આવી સ્થિતિમાં દક્ષિણની કાઉન્સિલો માટે લાયબ્રેરીઓનો રખરખાવ મુશ્કેલ બની રહેશે અને લાયબ્રેરી બંધ કરવાની નોબત પણ આવી શકે છે.